SURAT

નડતરૂપ બાંધકામોનો પ્રશ્ન ઉકેલાવાની સાથે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રિય સ્તરનું બનાવવા માટે આ કામગીરી કરાશે

સુરત: (Surat) સુરત એરપોર્ટને (Airport) આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ડેવલપ કરવા માટે બનનારો નવો ક્રોસ એંગલ રન-વે (Run Way) 60 મીટર પહોળો અને 3810 મીટરનો રહેશે. તેની ફનલમાં કોઇપણ પ્રકારના બાંધકામો નડતરરૂપ રહેતા નથી. ગયા સપ્તાહે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એરોડ્રામ મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, પાલિકા, સુડા, ડીજીવીસીએલ, ફોરેસ્ટ અને ઓએનજીસીના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (Airport Authority of India) પેરેલલ રન-વે સુરત એરપોર્ટ પર હયાત પરિસરમાં શકય ન હોવાથી ક્રોસ એંગલ રન-વે બનાવવાની પ્રપોઝલ પર ચર્ચાવિચારણા કરી હતી. એએઆઇ દ્વારા સુરત એરપોર્ટની હયાત 367 હેકટર જમીનમાં વધારાની 815 હેકટર જમીન જિલ્લા વહીવટી તંત્ર સંપાદન કરીને આપે તેવી માંગ કરી હતી.

આ બેઠકમાં હયાત રન-વેની નજીકથી પસાર થતી ઓએનજીસીની પાઇપલાઇન કન્વર્ટ કરવા પાછળ 500 કરોડથી વધુનો ખર્ચ અંદાજવામાં આવતા ક્રોસ રન-વેના વિકલ્પ પર ચર્ચાવિચારણા થઇ હતી અને તેમાં નોર્થ-ઇસ્ટ એંગલ અક્ષાંશ રેખાંશ સાથે નક્કી કરવા ઠરાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે 220 ડીગ્રી અને 40 ડીગ્રી પ્રમાણે એંગલ નક્કી થતા હોય છે અને તે પ્રમાણે રન-વેના નંબર આપવામાં આવતા હોય છે. પરંતુ ક્રોસ રન-વેની પ્રપોઝલ હોવાથી રન-વેના નવા નંબરો હવે પછી નક્કી કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ક્રોસ એંગલ રન-વે બનાવવાના મામલે સહમતી સધાઇ છે કારણ કે તેમાં મોટા ભાગની સરકારી જમીન આવી જાય છે. ટૂંક સમયમાં તેની મોજણી પણ કરવામાં આવશે.

કેવી રીતે નવા ક્રોસ એંગલ રન-વેને બનાવાશે

  • સુરત એરપોર્ટના નવા ક્રોસ એંગલ રન-વે સહિતના વિસ્તરણ માટે 815 હેકટર જમીન સંપાદન કરવામાં આવશે
  • નવો ક્રોસ એંગલ રન-વે 3810 મીટર લાંબો અને 60 મીટર પહોળો રહેશે. તેના પર વાઈડ બોડી વિમાનો લેન્ડ થઇ શકશે.
  • 3810 મીટરના રન-વેથી એરપોર્ટની ફનલમાં કોઇ નડતરરૂપ બાંધકામો આવશે નહીં અને હયાત રન-વેને નડતરરૂપ બાંધકામો તોડવાની જરૂર રહેશે નહીં.
  • પ્રપોઝ નવા રન-વેની ડિઝાઇન પ્રમાણે ફનલ રિવર સાઇટ ઓએનજીસી કોલોની તરફ જતી રહેશે.
  • 3810 મીટરનો રન-વે સુચિત કલ્પતરૂ પ્રોજેક્ટની જગ્યા તરફથી લઇ જવાશે. અહીં વધારાનું ટર્મિનલ બિલ્ડિંગ વેસુ તરફ બનાવી શકાશે અને નવું વિસ્તરણ ટેક્સી સ્ટેન્ડ સુધી ખેંચી શકાય તેમ છે.
  • ટીપી સ્કીમ નં. 79માં ડુમસ તરફના રસ્તાને ડાયવર્ઝન આપવાની દરખાસ્ત છે તેમાં પાલિકાએ ડુમસ તરફનો કોંક્રીટનો રોડ પણ અટકાવી ડામરનો બનાવ્યો છે
  • 3810 મીટરના સુચિત ક્રોસ રન-વેમાં ગેસ લાઇન ક્રોસ થઇ જાય છે કે કેમ તે અંગે ઓએનજીસી પાસે એલાઇમેન્ટ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
  • સુરત એરપોર્ટ પાસે અત્યારે 367 હેક્ટર કુલ જમીન છે. એરપોર્ટ ઓથોરિટીએ 815 હેક્ટર વધારાની જમીન સંપાદનમાં લઇ સુપરત કરવા માંગણી કરી છે. આ જમીન એરપોર્ટ ઓથોરિટીને ફાળવવામાં આવશે તો હયાત એરપોર્ટની પાછળની સાઇડમાં 400 જેટલા જિંગા તળાવો દૂર કરવામાં આવશે. તેને લીધે સુરત એરપોર્ટ પર બનતી બર્ડ હીટની ઘટનાઓ પણ અટકશે.

બંને રન-વે પર એર ઓપરેશન થઇ શકે તે પ્રકારે નવો ક્રોસ રન-વે બનશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૂચિત ક્રોસ રન-વે એ રીતે બનાવવામાં આવશે કે જેથી હયાત રન-વે અને નવો બનનાર રન-વે બંનેનો ઉપયોગ એક સાથે થઇ શકે. રન-વે ક્રોસ થયા પછી હયાત રન-વે પર સીઆરજે અને એટીઆર કક્ષાના નાના વિમાનો લેન્ડ અને ટેકઓફ થઇ શકે. જયારે મોટા રન-વે પર વ્હાઇટ બોડી એરક્રાફટ ઉતરી શકે.

સરકાર એક કાંકરે ત્રણ પક્ષી મારવાની વેતરણમાં, જિંગા તળાવો દૂર થશે અને બર્ડ હીટની ઘટના પણ અટકશે
3810 મીટરના નવા ક્રોસ સૂચિત રન-વેથી સરકારી જમીનના જિંગા તળાવો આપોઆપ દૂર થશે તેને લીધે સુરત એરપોર્ટ પર વધી રહેલી બર્ડ હીટની ઘટનાઓ પણ અટકી જશે. 3810 મીટરના નવા રન-વેની પ્રપોઝલ સાથે સરકાર એક કાંકરે ત્રણ પક્ષી મારવા માંગે છે. જેમાં વર્તમાન રન-વેને નડતરરૂપ 47 પ્રોજેકટના બાંધકામો પણ તોડવા ન પડે, નવા રન-વે માટે 815 હેકટર જમીન એરપોર્ટને સંપાદનમાં આપવામાં આવે તો એરપોર્ટની નજીક આવેલા સરકારી જમીનના માથાના દુખાવા સમાન જિંગાના તળાવો પણ દૂર થઇ જાય અને સુરત એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રકચર આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની શકે. રન-વેને નડતરરૂપ બાંધકામને લઇ ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચમાં ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં સુનાવણી થવાની છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી અને સુરત મહાનગરપાલિકા એકશન ટેકન રિપોર્ટ રજૂ કરી શકે છે. તેની લીધે બિલ્ડરો અને ફલેટ હોલ્ડરોને પણ મોટી રાહત મળી શકે છે. 815 હેકટર જમીનમાં કેટલીક ખાનગી જમીનો પણ સંપાદનમાં લેવાની પ્રપોઝલ છે તેમાં પણ નવા જમીન સંપાદન ધારા મુજબ ડેવલોપરને ફાયદો થશે.

Most Popular

To Top