SURAT

સુરત એરપોર્ટ પર સ્ટાફના અભાવને કારણે સુરતીઓ સાથે અન્યાય, નથી મળી રહી નવી ફ્લાઈટ

સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) પર એર ટ્રાફિક કંટ્રોલમાં (Air Traffic Control) અધિકારીઓ અને સ્ટાફની ઘટ સુરતીઓ માટે અસુવિધાનું કારણ બની છે. નવી એરલાઈન્સ સુરતથી ફ્લાઈટ શરૂ કરવા માંગે છે છતાં તેઓને સ્લોટ ફાળવવામાં આવતા નથી. એટલું જ નહીં જે ફ્લાઈટ (Flight) અત્યારે ચાલે છે તેમાંથી પણ કેટલીક એરપોર્ટ ઓથોરિટીના પાપે આવનારા સમયમાં બંધ થઈ જાય તો નવાઈ નહીં. એર ઇન્ડિયા એક્સ્પ્રેસ દ્વારા સંચાલિત સુરતની એક માત્ર સુરત-શારજાહ ફ્લાઈટ પણ આવનારા સમયમાં બંધ થઈ જવાની શક્યતા છે. અને તેની પાછળ ATC પાસે રાત્રે સ્ટાફ નો અભાવ હોવાનું કારણ બહાર આવ્યું છે.

એર ટ્રાફિકના સંચાલન માટે સુરત એરપોર્ટ પર સ્ટાફના માણસોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા વધારો નથી કરવામાં આવી રહ્યો. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટ પર હાલ 8 જ વ્યક્તિ નો સ્ટાફ છે તેમાં પણ ૩ અધિકારી ની બદલી થઈ છે જેની પૂર્તિ કરવા પણ બીજો સ્ટાફ મળી રહ્યો નથી. આ પહેલાના એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા એર ટ્રાફિક કંટ્રોલ સ્ટાફની વારંવાર માંગણી કરવામાં આવી હતી. હાલના એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા પણ સ્ટાફ વધારવા માટેની મજબૂત રજૂઆત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

સમય કરતા વધુ ડ્યૂટી કરે છે કર્મચારીઓ
હાલના એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓ 12 કલાક ની શિફ્ટમાં કામ કરી રહ્યા છે જ્યારે ખરેખર તેમની 8 કલાક ની શિફ્ટ હોય છે. હવે જ્યારે 3 અધિકારી ની બદલી થઈ છે તો તેની પૂર્તિ માટે પણ અધિકારી નથી. ત્યારે હાલ 5 સભ્યોની ટીમ સાથે જ એર ટ્રાફિક કંટ્રોલની કામગીરી કરવામાં આવી રહી છે.

બીજી તરફ જે નવી કંપનીઓ સુરતથી ફ્લાઈટ શરૂ કરવા માંગે છે તેમને પણ ટાઈમ સ્લોટ ફાળવવામાં આવતા નહીં હોવાનું જાણવા મળ્યું છે. સ્ટાફની કમી અને યોગ્ય ઈન્ફરાસ્ટ્રક્ચરના અભાવે આંતરરાષ્ટ્રીય એર લાઈનના સ્લોટ પણ સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા નકારી દેવામાં આવે છે. રાત્રિ ફ્લાઈટ ઓપરેશન તો શક્ય જ નથી રહ્યું તેથી દુબઈ ફલાઇટને પણ મૌખિક રીતે નકારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલી શારજાહની ફલાઇટ પણ આવનારા વિન્ટર શિડ્યુલ માટે રદ્દ થઈ શકે છે. જ્યારે તેઓ ફ્રિક્વન્સી વધારવાની વાત કરી રહ્યા છે ત્યારે એર ઇન્ડીયા એક્સપ્રેસની ફલાઇટ ઉપર પણ જોખમ ઉભુ થયુ છે.

Most Popular

To Top