SURAT

ડિસેમ્બરમાં સુરત એરપોર્ટ ઈન્ટરનેશનલ થઈ જશે, આ દેશોમાં પહોંચશે સુરતીઓ

સુરત: (Surat) સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટની (Airport) ઓળખ મળી જશે. ડાયમંડ બુર્સના લોકાર્પણ સાથે સુરતથી વિદેશની ચારેક ફ્લાઈટો (Flight) ઉડતી થઈ જશે તે અંગેની જાહેરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે કરી હતી. હીરા બુર્સના ઉદ્દઘાટન સાથે સુરતથી હોંગકોંગ, દુબઈ, લંડન અને સિંગાપોરની ફ્લાઈટ પણ શરૂ કરી દેવામાં આવશે.

  • સુરતથી શારજહાની ફ્લાઈટ હાલના 5 દિવસને બદલે ડેઈલી કરી દેવાશે
  • તાજેતરમાં મોદી અને એવિએશન મંત્રી સાથે થયેલી મીટિંગમાં ખાતરી અપાઈ છે
  • માંગણી કરતાં પણ વધારે ફ્લાઈટ સુરતને મળશે તેવો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો દાવો

વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં ચોથો અને દેશના સૌથી મોટા શહેરોમાં આઠમો ક્રમ ધરાવતું હોવા છતાં સુરત શહેરને એરપોર્ટના મામલે કાયમ અન્યાય જ થતો આવ્યો છે. અનેક માથાકૂટો બાદ સુરતમાં એરપોર્ટ ધમધમતું થયું અને ફ્લાઈટો દોડતી થઈ કે તેમાં થોડા થોડા સમયે અંતરાયો ઉભા કરવાના પ્રયાસો થતાં જ રહે છે. વચ્ચે એરપોર્ટના જ અધિકારી દ્વારા ફ્લાઈટ ઘટે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અનેક રજૂઆતો બાદ હવે સુરત એરપોર્ટ પર ધીરેધીરે સુવિધાઓ વધી રહી છે પરંતુ ફ્લાઈટોની સંખ્યામાં એટલો વધારો થતો નથી. ત્યાં સુધી કે સુરતથી નાના શહેરોમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે પરંતુ સુરતમાં નથી. સુરતમાં માત્ર કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ છે. જોકે, હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ ઓળખ મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે એવી જાહેરાત કરી હતી કે ડાયમંડ બુર્સના લોકાર્પણ સાથે સુરતથી વિદેશની ચારેક ફ્લાઈટો ઉડતી થઈ જશે. સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટની ઓળખ પણ મળી જશે.

સુરતમાં લોકસભામાં થયેલી કામગીરીની વિગતો આપવા માટે સીઆર પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આગામી તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદ્દઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીખ લેવા માટે જ્યારે ડાયમંડ્સ કમિટી દિલ્હી પહોંચી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધીયા સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ ચર્ચામાં સિંધીયાએ કહ્યું હતું કે, સુરત એરપોર્ટ પરથી ડિસેમ્બર મહિનામાં વધુ ફ્લાઇટની શરૂઆત કરવામાં આવશે. જેમાં હાલની સુરત-શારજહાની ફ્લાઈટ નજીકના દિવસોમાં જ પાંચ દિવસને બદલે ડેઈલી કરી દેવામાં આવશે. જ્યારે બુર્સના ઉદ્દઘાટન સાથે સુરતથી હોંગકોંગ, દુબઈ, લંડન અને સિંગાપોરની ફ્લાઈટ પણ શરૂ કરી દેવામાં આવશે. સિંધીયાએ ત્યાં સુધી કહ્યું હતું કે, સુરત શહેરને જેટલી ફ્લાઈટની જરૂરિયાતની માંગણી થઈ રહી છે તેના કરતાં વધુ ફ્લાયટો મળશે.

Most Popular

To Top