સુરત: (Surat) સુરતના આકાશમાં ત્રણ ફ્લાઈટ (Flight) ઉડી રહી હતી. તેમાંથી બે ફ્લાઈટ સામસામે આવી ગઈ હતી. બંને ફ્લાઈટ વચ્ચે નજીવું જ અંતર બચ્યું હતું. તે જ સમયે આકાશમાં એક ત્રીજું વિમાન પણ આવી ગયું હતું. આખીય ઘટનાનો વીડિયો (Video) જોઈ ન્યૂયોર્કમાં બનેલી 9-11ની ઘટના યાદ આવી ગઈ હતી. સુરત એરપોર્ટ (Surat Airport) પર એક મોટી દુર્ઘટના થતાં સહેજમાં રહી ગઈ અને સૈંકડો મુસાફરો (Passengers ) અને શહેરીજનોનો જીવ બચ્યો છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટનાની તપાસ કરવાના બદલે તેનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાયો છે. એક એક્ટિવિસ્ટની આરટીઆઈમાં (RTI) સમગ્ર ઘટનાનો પુરાવા સાથે ખુલાસો થયો છે.
એક આરટીઆઈના જવાબમાં સુરત એરપોર્ટની ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત એરપોર્ટના આકાશમાં 7-12-2021ના રોજ એક મોટી દુર્ઘટના થતા સહેજમાં રહી ગઈ હતી. 7 ડિસેમ્બર 2021ની સાંજે 8.30 કલાકે રન-વેની ઉપર બે વિમાન સામસામે એકબીજાની લગોલગ આવી ગયા હતા. AAI વેસ્ટર્ન રિજન દ્વારા અધિકૃત રીતે આરટીઆઈના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
શું બન્યું હતું?
7 ડિસેમ્બર 2021ની સાંજે 8.30 કલાકે ઈન્ડીગોની ફ્લાઈટ નંબર IGO7153 અને ગો ફર્સ્ટની ફ્લાઈટ GOW2208 એકબીજાની સામે આવી ગઈ હતી. આરટીઆઈના જવાબમાં આ ઘટનાનો વીડિયો પણ પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે. ટેક્નીકલ ભાષામાં આ ઘટનાને AIRPROX કહેવામાં આવે છે.
શું છે AIRPROX?
AIRPROX એક એવી સ્થિતિ છે જ્યારે એક પાયલોટ અથવા વિમાની સેવાકર્મીઓની ભાષામાં વિમાન સાથે સાથે તેઓની સાપેક્ષ સ્થિતિ અને ગતિ વચ્ચે અંતર એવું હોય છે જ્યારે વિમાનમાં બેઠેલાં લોકોની સુરક્ષા સાથે સમાધાન કરવું પડી શકે છે. એક AIRPROX ને સામાન્ય રીતે નિયર મિડેયર કોલિજન (NMAC) તરીકે ઓળખવામાં આવે છે. હવાઈસેવામાં આ ઘટનાને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.
આ અગાઉ નવેમ્બરમાં રન-વે પર પોલીસની 5 જીપ પહોંચી ગઈ હતી
સુરત એરપોર્ટની ગંભીર બેદરકારી આ અગાઉ પણ નજરે પડી હતી. નવેમ્બર મહિનામાં રન-વે પર પોલીસની 5 જીપ પહોંચી ગઈ હતી અને તે જ સમયે વેન્ચૂરા એર કનેક્ટની એક ફ્લાઈટ લેન્ડ કરી રહી હતી. બે ત્રણ મહિનાના અંતરમાં બે ગંભીર ઘટના સુરત એરપોર્ટ પર બનતા ચિંતા જોવા મળી રહી છે.
આ ઘટનાની તપાસ અંગે રહસ્ય
રન-વે ઉપર આકાશમાં બે વિમાન એકબીજાની સામે ટકરાવાની કન્ડીશનમાં આવી જવા જેવી ગંભીર ઘટનામાં તપાસ થઈ રહી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા જોવા મળી રહી નથી. આ ઘટનાની કોઈ તપાસ કરે છે, શું ઉચ્ચસ્તરેથી કસૂરવારો સામે કોઈ કાર્યવાહી કરાઈ છે તે અંગે કોઈ વિગતો મળી નથી. સુરત એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ જ આ અંગે જવાબ આપી શકે.