સુરત: (Surat) સુરતના સાંસદો, એરપોર્ટ અવેરનેસ ગ્રુપ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) સીધી દખલને પગલે સુરત એરપોર્ટને (Surat Airport) કસ્ટમ (Custom) નોટિફાઇડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે. 2019ના વર્ષમાં વડાપ્રધાને ખાતમુહૂર્ત કરેલા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, ટેક્ષી વે અને એપ્રનના કામો ચાલુ વર્ષના અંતે એટલે કે, 31 ડિસેમ્બર 2022 માં પૂર્ણ થશે. વડાપ્રધાન સુરત એરપોર્ટ આવી રહ્યાં છે ત્યારે 353 કરોડના ત્રણેય કામો ધીમી ગતિએ ચાલી રહ્યાં હતાં એ કામોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (AAI) ચેરમેનની વિઝિટ પછી અચાનક ઝડપ આવી છે. છેલ્લા પખવાડિયામાં મશીનરીની સંખ્યા પણ વધી છે. અને રાત દિવસ કામ ચાલી રહ્યું છે કે જેથી સુરત એરપોર્ટ આવી રહેલા વડાપ્રધાનની નજરમાં ધીમી ગતિએ ચાલેલા કામો નજરમાં ચઢે એ પહેલાં મહત્તમ કામ થાય એવા પ્રયાસ થઈ રહ્યાં છે.
- પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.10મી જૂનના રોજ સુરત આવી રહ્યા હોવાથી એરપોર્ટ ઓથોરિટી દોડતી થઈ
- ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં પીક અવર્સમાં 1200 ડોમેસ્ટિક અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જરને હેન્ડલ કરી શકાશે
- વર્ષ 2019માં શરૂ થયેલા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, ટેક્ષી વે અને એપ્રનના 353 કરોડના કામો ચાલુ વર્ષના અંતે પૂર્ણ થશે
- ખુદ એએઆઈએ જ કબૂલાત કરી કે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણનું કામ હજી 58 ટકા જ પૂર્ણ થયું છે, હવે ઝડપ કરાશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પહેલા જાહેર કરેલા વિકાસના કામોની યાદી મુજબ સુરત, ગુજરાતની આર્થિક રાજધાની અને ભારતમાં હીરા અને કાપડના વ્યવસાયનું હબ, મોટી સંખ્યામાં હવાઈ પ્રવાસીઓને આકર્ષે છે. પેસેન્જર ટ્રાફિકમાં થયેલા ભવ્ય વધારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) રૂ. 353 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે એરપોર્ટના સર્વગ્રાહી વિકાસ માટે વ્યાપકપણે કામ કરી રહી છે. વિકાસ પ્રોજેક્ટમાં હાલના ટર્મિનલ બિલ્ડીંગને 8474 ચો.મી.થી 25520 ચો.મી. સુધી વિસ્તરણનો સમાવેશ થાય છે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ ઉપરાંત, એપ્રોનનું પાંચ પાર્કિંગ બેમાંથી 18 પાર્કિંગ બે સુધી વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેક (2905 મીટર X 30 મીટર)નું બાંધકામ પણ પ્રગતિમાં છે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, નવું અત્યાધુનિક વિસ્તૃત ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે, જેની વાર્ષિક પેસેન્જર ક્ષમતા 2.6 મિલિયન થશે. તમામ આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ, ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, આવતા મુસાફરો માટે પાંચ કન્વેયર બેલ્ટ હશે. નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાર્કિંગ એરિયા પણ હશે. ટર્મિનલ 4-સ્ટાર GRIHA રેટેડ ઊર્જા કાર્યક્ષમ ઇમારત હશે જેમાં ટકાઉ સુવિધાઓ હશે. ટર્મિનલ બિલ્ડીંગના આંતરિક ભાગો ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે. ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે 58 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે. સુરત એરપોર્ટ દેશભરમાં મોટી સંખ્યામાં વેપારી સમુદાયને સવલત પૂરી પાડે છે, કારણ કે તે દેશભરના 16 શહેરો સાથે સીધું જોડાયેલું છે. એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ આ ઔદ્યોગિક શહેર સાથેની કનેક્ટિવિટી વધારશે, જેનાથી આ ક્ષેત્રના સર્વાંગી વિકાસને વેગ મળશે
AAI નો વાયદો : 31 ડિસેમ્બર 2022 સુધી સુરત એરપોર્ટ પર આ સુવિધાઓ હશે
- હાલના ટર્મિનલ બિલ્ડીંગને 8474 ચો.મી.થી 25520 ચો.મી. સુધી વિસ્તરણનું કામ પૂર્ણ થશે
- એપ્રોનનું પાંચ પાર્કિંગ બેમાંથી 18 પાર્કિંગ બે સુધી વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેક (2905 મીટર X 30 મીટર)નું બાંધકામ પૂર્ણ થશે
- ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે.
- 2023માં વાર્ષિક પેસેન્જર ક્ષમતા 2.6 મિલિયન થશે
- ટર્મિનલ બિલ્ડિંગમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, આવતા મુસાફરો માટે પાંચ કન્વેયર બેલ્ટ હશે
- નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 475 કારની ક્ષમતા સાથે પાર્કિંગ એરિયા પણ હશે
એરપોર્ટના ફ્રન્ટ સાઈડ એલિવેશન માટે રાંદેરના જૈન દેરાસરની હવેલીની કોપી કરાઈ
સુરત એરપોર્ટના ફ્રન્ટ સાઈડ એલિવેશન માટે રાંદેરના પ્રસિધ્ધ જૈન દેરાસરની હવેલીની કોપી કરવામાં આવી હોય એવું ચિત્ર ઉપસ્યું છે. એરપોર્ટના પિક અપ એન્ડ ડ્રોપ એરિયા માટે આ હવેલી જેવું એલિવેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે આ ડિઝાઇનને લઈને કબૂતરોનો વાસ ટર્મિનલ બિલ્ડીંગની આગળ તૈયાર થનારા પિક અપ એન્ડ ડ્રોપ એરિયામાં વધી શકે છે એવી ફરિયાદો અત્યારથી ઉઠી રહી છે.
353 કરોડના ત્રણે કામ અધૂરા
2019 માં શરૂ થયેલા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, ટેક્ષી વે અને એપ્રન સહિતના ત્રણ મહત્વના કામમાંથી એકપણ કામ પૂર્ણ થયું નથી. ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણનું કામ મોટું હોવાથી એમાં સંભવતઃ વિલંબ થઈ શકે છે પણ એપ્રન અને ટેક્ષીવેના કામો પણ સમયસર પુરા નહીં થતાં ત્રણ વાર મુદત વધારો આપવામાં આવ્યો છે. હવે 31 ડિસેમ્બરની નવી તારીખ ત્રણે કામો માટે આપવામાં આવી છે.