SURAT

સૂર્યા મરાઠીની હત્યાના આરોપીએ પોતાની મહિલા વકીલના પતિને ચપ્પુના ઘા ઝીંક્યા

સુરત: (Surat) કતારગામ ખાતે રહેતી મહિલા એડવોકેટની (Advocate) ઓફિસમાં ગઈકાલે તેના પતિ બેસેલા હતા. ત્યારે મહિલા વકીલે વચગાળાના જામીન હાઈકોર્ટમાંથી (High Court) મંજુર કરાવ્યા તે સુર્યા મરાઠીનો હત્યારો ઓફિસે આવ્યો હતો અને જામીન વધારી કેમ નથી આપ્યા, પૈસા પરત આપ, તેવું કહીને ગાળો આપી મહિલા વકીલના પતિ ઉપર હુમલો કર્યો હતો. તથા ઓફિસમાંથી રોકડા 3.90 લાખ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. આજુબાજુના લોકો ભેગા થતા આરોપીઓ ભાગી ગયા પછી વકીલના પતિએ કતારગામમાં ફરિયાદ નોંધાવી છે.

  • સૂર્યા મરાઠીની હત્યાના આરોપીએ પોતાની મહિલા વકીલના પતિને ચપ્પુના ઘા ઝીંક્યા
  • વધુ વચગાળાના જામીન કેમ અપાવ્યા નહીં? પૈસા પાછા આપ, એવું કહી મહિલા વકીલની ઓફિસે સાગરીતો સાથે ધસી ગયો હતો

કતારગામ ખોડિયારકૃપા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય રીદ્રેશભાઈ જયેન્દ્રભાઈ શાહ ફાયનાન્સનો ધંધો કરે છે. તેમની પત્ની ઓડવોકેટ હોવાથી તેની ઓફિસ રીદ્રેશભાઈ પોતે સંભાળે છે. તેમણે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સતીષ સુરેશભાઈ ધાડકે, સની ગણેશ સેંગાણે, અભિષેક પવનસિંગ રાજપુત અને મનીષ પરદેશીની સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રીદ્રેશભાઈના પત્ની એડવોકેટ ખુશ્બુબેન, આરોપી સતીષ ધાડકેના કેસમાં બચાવપક્ષના વકીલ છે. અને ખુશ્બુબેનએ આરોપી સતીષના હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મંજુર કરાવ્યા હતા. ગઈકાલે સાંજે રીદ્રેશભાઈ ઓફિસે હાજર હતા ત્યારે સતીષ અને તેની સાથેના ત્રણેય આરોપી તથા અન્ય 3 અજાણ્યા તેમની ઓફિસે આવ્યા હતા. સતીષે તેના વચગાળાના જામીન આજે પુરા થાય છે અને વધારે જામીનની જરૂર હોવા છતા કેમ મંજુર કરાવ્યા નથી? આ માટે બે લાખ આપ્યા છે તે પાછા આપ, તેવું કહીને રીદ્રેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો.

રીદ્રેશભાઈએ આ પૈસા ફી પેટે લીધા છે જે પરત મળશે નહીં તેમ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે આ સતીષે ચપ્પુ કાઢીને રીદ્રેશભાઈ ઉપર ઘા કર્યો હતો. તેમને આંખના નીચે સામાન્ય ઇજા થઈ હતી. તેમણે બચાવ બચાવની બુમો પાડતા તેની સાથે આવેલા આરોપીઓએ માર માર્યો હતો અને સતીષ ધાડકેએ જાનથી મારવાની ધમકી આપી ખુરશી ઉપર મુકેલી થેલી જેમાં 3.90 લાખ રોકડા હતા, તે થેલો ઝુંટવી લેવા ઝપાઝપી કરી હતી. ત્યારે તેમની ઓફિસમાં કામ કરતા જીનલ ગાંધી અને ડ્રાઈવર ડેનીશે દોડી આવી બુમાબુમ કરતા આજુબાજુના રાહદારી ભેગા થતા આરોપીઓ કાર (જીજે-03-એલબી-8673)માં અને બીજા બાઈક ઉપર બેસીને ભાગી ગયા હતા. આ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડ્યા છે.

પોલીસે કાર નંબરના આધારે સાત આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા કતારગામ વિસ્તારમાંથી જ આરોપી સતીષ સુરેશ ધાડગે (ઉ.વ.૩૦ રહે- રામરાજ્ય સોસાયટી ગોડાદરા તથા મુળ રાયગઢ, મહારાષ્ટ્ર), અભિષેક પવનસીંહ રાજપુત (ઉ.વ.૧૯, રહે- પ્રિયંકા સોસાયટી-૧, આસપાસ ગોડાદરા તથા મુળ પ્રતાપગઢ, ઉતરપ્રદેશ), શની ગણેશભાઇ સૈંદાણે (ઉ.વ. ૨૯, રહે- માનસરોવર સોસાયટી ડીંડોલી તથા મુળ અમલનેર, મહારાષ્ટ્ર), મનીષ રાજુભાઇ પરદેશી (ઉ.વ.૩૬, રહે- શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટ કતારગામ દરવાજા તથા મુળ જલગાંવ, મહારાષ્ટ્ર), ગૌરવ રાકેશ મિશ્રા (ઉ.વ.૨૦, રહે- પ્રિયંકા પાર્ક સોસાયટી, ગોડાદરા તથા મુળ અયોધ્યા, ઉતરપ્રદેશ), વિકાસ રાજકુમારસીંગ રાજપુત (ઉ.વ.૨૧, પ્રિયંકાનગર-૧ આસપાસ ગોડાદરા) અને જય રાહુલભાઇ રામટેકે (ઉ.વ.૨૨, રહે- પ્રિયંકા બંગ્લોઝ ગોડાદરા)ને પકડી પાડ્યા છે.

Most Popular

To Top