સુરત: (Surat) એક તરફ તંત્ર દ્વારા લારી-ગલ્લા, હોટલ-રેસ્ટોરન્ટ, જીમ સહિતનાને બળજબરીથી બંધ કરાવવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ તંત્ર દ્વારા ઉદ્યોગોને (Industries) કોઈપણ સંજોગોમાં ચાલુ રાખવા માટે દબાણો કરવામાં આવી રહ્યાં છે. જો કોરોનાને કારણે ઉદ્યોગો બંધ થાય તો સરકારની નામોશી થાય તેમ હોવાથી તંત્ર દ્વારા ‘દેખાડવાના દાંત અને ચાવવાના દાંત જુદા’ જેવું વલણ અપનાવવામાંવ આવી રહ્યું છે. સુરતમાં ટેક્સટાઇલ કામદારો (Textile Workers) અને હીરા ઉદ્યોગના (Diamond Industries) રત્નકલાકારો દ્વારા મોટાપાયે પલાયન શરૂ કરી દેવામાં આવતાં તંત્રમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. અગાઉ મ્યુનિ.કમિ. પછી આજે પો.કમિ. દ્વારા પણ શહેરના જુદા-જુદા ઉદ્યોગ સંગઠનોના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તોમરે જણાવ્યું હતું કે તોમરે જણાવ્યું હતું કે ઉદ્યોગો બંધ ન થવા જોઇએ અને કામદારોને પણ વર્તમાન સ્થિતિમાં ઉદ્યોગકારોએ સાચવવા જોઇએ. તેમની સાથેના સંબંધો સ્નેહભર્યા રાખવા જોઇએ. વેક્સિનેશન અને ટેસ્ટિંગની સંખ્યાં વધારવાની જરૂર છે. પ્રશાસન સંપૂર્ણપણે ઉદ્યોગકારોને સહયોગ આપશે. પોલીસ કમિશનરે રાતે 8 વાગ્યે કરફ્યુ શરૂ થાય તે પહેલા ઘરે જઇ રહેલા કામદારોને પોલીસ હેરાન કરતી હોય તો માહિતી આપવા જણાવ્યું હતું અને બેઠકમાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોઇ પણ સંજોગોમાં ગરીબ કામદારોને મુશ્કેલી નહીં નડે તે રીતની સુચના આપી હતી. સાથે સાથે ઉદ્યોગકારોને અપીલ કરી હતી કે કામદારોના મનમાંથી લોકડાઉનની ખોટી અફવા દૂર કરવી જોઇએ.
પાંડેસરા ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે કામદારો જે અત્યારે વતન જઇ રહ્યા છે તે સામાન્ય સ્થિતિમાં હોળી પછી 2થી 5 ટકા જતા જ હોય છે. ખાસકરીને ખેતી અને લગ્નસરાના હેતુ માટે જાય છે. અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોઇ મોટા પાયે પલાયન થયુ નથી. લોકડાઉની અફવાથી કામદારોએ ગભરાવવાની જરૂર નથી. એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાળી સાંજે 7 વાગ્યે છૂટી જાય છે. એટલે કારીગરો રાતે 8 વાગ્યા પહેલા ઘરે પહોંચી જાય છે, કારણ કે આ કામદારો જીઆઇડીસીના નજીકના વિસ્તારમાં રહેતા હોય છે.
આજે પોલીસ કમિશનરે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયા, ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ, ચંપાલાલ બોથરા,સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુ વેકરીયા, ગુજરાત હીરા બુર્સના અગ્રણી નાનુભાઇ વાનાણી પાંડેસરા સોસાયટીના પ્રમુખ કમલવિજય તુલસ્યાન, ઉપપ્રમુખ જીતુ વખારીયા તથા સચીન નોટીફાઈડના ચેરમેન મહેન્દ્ર રામોલિયા સાથે મિટીંગ કરી હતી. કારીગરો હેરાન નહીં થાય તે માટે શું કરવું જોઈએ તે મુદ્દે ચર્ચા થઈ હતી. મિટીંગમાં પોલીસ કમિશનરે એ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી. કારીગરો વતન નહીં જાય તે માટે તેઓને સમજાવવાની જવાબદારી ઉદ્યોગકારોને સોંપી હતી.
કામદારોના પલાયનને લઇ ઉદ્યોગકારો સાચી હકીકત જણાવે
સુરતમાં કોરોના સંક્રમણના ભયને લીધે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના કામદારોના પલાયનને લઇ સાચી વિગતો જાહેર કરવાની જવાબદારી ઉદ્યોગકારોને સોંપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ઉદ્યોગકારોને પલાયનને લગતા અહેવાલોનું ખંડન કરવા જણાવવામાં આવ્યું છે. તથા આવતીકાલથી હીરા ઉદ્યોગના રત્નકલાકારો અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગરો જે લોકેશનથી લક્ઝરી બસમાં બેસી વતને જાય છે ત્યાં તંત્ર દ્વારા હવે આકરી કાર્યવાહી કરવામાં આવશે. દિવસમાં શહેરી વિસ્તારમાં લક્ઝરી બસને પ્રવેશ નથી છતાં અનેક વિસ્તારોમાં લક્ઝરી બસ મુકી કામદારોને વતને પહોંચાડવામાં આવી રહ્યા છે.