સુરત: (Surat) ‘રંગ દે બસંતી’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘ગોલમાલ’ જેવી ફિલ્મોના (Film) લોકપ્રિય અભિનેતા (Actor) શરમન જોષી (Sharman Joshi) તેમની સુરત ખાતેની મુલાકાત દરમ્યાન આજે ‘ગુજરાતમિત્ર’ (Gujarat Mitra) કાર્યાલયમાં સપત્ની આવ્યા હતા. દોઢેક કલાકની મુલાકાત દરમ્યાન તેમની હાલમાં રજૂ થઈ રહેલી ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ નામની ગુજરાતી ફિલ્મ વિશે અને હિન્દી ફિલ્મોની કારકિર્દી તેમજ અંગત જીવન વિશે તેમણે મુક્ત મને અઢળક વાતો કરી હતી. પ્રેમચોપરા જેવા વિખ્યાત ખલનાયકના પુત્રી પ્રેરણા તેમના પત્ની (Wife) છે.
- સુરતનો રતાળું કંદ, ઉંધીયું, પોંક અને ઉબાડિયું મને ખૂબ ભાવે છે: અભિનેતા શરમન જોષી
- મારી ઈચ્છા તો દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ બનાવવાની છે, સુરત તેની વાનગીઓને કારણે મારા માટે ખાસ છે
- જો પુરૂષને ગર્ભ રહે તો? જેવા વિષય પર બનેલી પોતાની હળવી ફિલ્મની સાથે અંગત જીવન વિશે શરમન જોષીએ અનેક વાતો કરી
- અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરનાર લોકપ્રિય અભિનેતા શરમન જોષીએ સપત્ની સાથે ‘ગુજરાતમિત્ર’ કાર્યાલયની મુલાકાત લીધી
ફિલ્મ નિર્માતા તરીકેની તેમની પ્રથમ જ ફિલ્મ અને અભિનેતા તરીકે તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જો પુરૂષને ગર્ભ રહે તો? જેવા વિષય પર અમે એક હળવી ફિલ્મ બનાવી છે. ગુજરાતીનો પ્રેક્ષક મને ‘ઓલ ધ બેસ્ટ’, ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ જેવા નાટકોથી ઓળખે જ છે. તેમણે એમ પણ કહ્યું કે, મારી ઈચ્છા તો દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ બનાવવાની છે. સુરત તેમને મન બહુ ખાસ છે અને તે વાનગીઓને કારણે પણ.
તેમણે કહ્યું કે, સુરતનો રતાળુનો કંદ, ઉંધીયું, પોંક અને ઉબાડિયું મને ખૂબ ભાવે છે અને તેમાંય સુરતનું ઉંધીયું મને ખૂબ જ ગમે છે અને આવું ત્યારે પહેલાં એ જ ખાતો હોઉં છું. હવે તો મારી પત્ની પણ સુરતની વાનગી બનાવી શકે છે’. તેમને પતંગ ઉડાવવા પણ ખૂબ ગમે છે. શરમને કહ્યું કે, નાનો હતો ત્યારે પપ્પા (અભિનેતા અરવિંદ જોષી) પતંગ ચડાવતા ને હું ફીરકી પકડતો અને પછી હું પતંગ ચડાવું ને પપ્પા ફીરકી પકડતા. શરમન જોશીની ફિલ્મ ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’માં શરમન સાથે માનસી પારેખ છે. આ ફિલ્મનું દિગ્દર્શન રેહાન ચૌધરીએ કર્યું છે.
પ્રેરણા સાથે પ્રેમ થયા પછી ખબર પડી કે તે જાણીતા વિલન પ્રેમ ચોપરાની દિકરી છે
તેમણે તેમના સસરા પ્રેમ ચોપરા વિશેય ઘણી વાત કરી હતી. રમુજી મુડમાં તેમણે કહ્યું હતું કે, ‘પ્રેરણા સાથે કોલેજ કાળમાં પ્રેમ થયા પછી ખબર પડી કે તે ફિલ્મ જગતના ખ્યાતનામ વિલન પ્રેમ ચોપરાની દિકરી છે. તે પછી તો મને સતત સપના આવતા કે મારી સામે તેઓ 100 ગુંડાઓ લઈને ઊભા છે. હું ગભરાટમાં ઉંઘો વળીને દોડવા માંડુ છું ને પછી અચાનક ભાગવા માટે મારી મોટરસાયકલ શોધું છું. જ્યાં બાજુમાં ઉભેલી પ્રેરણાને જોઉં છું અને કહું છું કે તું આવી શકતી હોય તો આવ, નહિંતર હું તો ભાગુ છું પણ લગ્ન બાદ તેમને મળવાનું બન્યું ‘તો સાવ જુદો જ અનુભવ થયો. મારા સસરા અત્યંત પ્રેમાળ છે, ખૂબ કાળજીવાળા છે.