SURAT

‘આ જયશ્રી કોણ છે?’, કેમ આખાય સુરતની પોલીસ તેને શોધી રહી છે…

સુરત: સુરત શહેરની પોલીસ (Surat City Police) જયશ્રી નામની યુવતીને શોધી રહી છે. ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) આદેશ બાદ આ જયશ્રી નામની યુવતીને શોધવી એ સુરત પોલીસની મજબૂરી બની ગઈ છે. આ યુવતીએ એવો કયો ગુનો કર્યો છે જેના લીધે સુરત શહેરનું આખુંય પોલીસ તંત્ર તેને શોધવામાં મંડી પડ્યું છે તે જાણવા જેવું છે.

ખરેખર વાત એમ છે કે જુદા જુદા ગુના હેઠળ જેલમાં કેદ ઈમરાન સિદ્દીકી નામના આરોપીએ ગુજરાત હાઈકોર્ટ પાસે 30 દિવસ માટે જામીન માંગ્યા હતા. પોતે લગ્ન કરવાનો હોવાનું કારણ ઈમરાને કોર્ટને જણાવ્યું હતું. આ સાથે જ કંકોત્રી પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. સુરતના ડભોલી ખાતે કૈલાસનગરમાં રહેતા હરીભાઈ મીઠાભાઈ ભલીયાની પુત્રી જયશ્રી સાથે લગ્ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

હાઈકોર્ટના જસ્ટિસ સમીર જે. દવેએ આ કેસમાં સચ્ચાઈ જાણવા અધિક સરકારી વકીલ જશવંત કે. શાહને નિર્દેશ આપ્યા હતા. તેના આધારે પોલીસની મદદથી તપાસ કરાઈ હતી. સુરતના લિંબાયત પોલીસે તપાસ બાદ જે રિપોર્ટ રજૂ કર્યો તે વાંચી ગુજરાત હાઈકોર્ટના જ્જ પણ ચોંકી ગયા હતા. જામીન મેળવવા ઈમરાને 17 નવેમ્બરે લગ્ન હોવાની કંકોત્રી રજૂ કરી હતી પરંતુ તે તારીખે કોઈ લગ્ન જ નથી. એટલું જ નહીં જયશ્રી નામની કોઈ યુવતી જ નથી. કંકોત્રી પર જે સરનામું આપવામાં આવ્યું છે તે સરનામા પર જયશ્રીના પિતાનું મકાન છે, પરંતુ તે બે વર્ષથી બંધ છે. તેમાં વીજળી પણ નથી. વળી, આવા કોઈ લગ્નનું આયોજન જ નથી. મતલબ કે લગ્નની બોગસ (Fake Merriage) કંકોત્રી રજૂ કરી આરોપીએ કોર્ટ પાસે જામીન માંગ્યા હતા. બોગસ લગ્નનના કાવતરાંનો પર્દાફાશ થતા કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

આ જયશ્રીએ અનેક મુસ્લિમ આરોપીઓ સાથે લગ્ન કર્યા
વાત અહીં અટકતી નથી. ઈમરાન-જયશ્રીના બોગસ લગ્નનો ભાંડો ફૂટતા ગુજરાત હાઈકોર્ટે દક્ષિણ ગુજરાતના જુદા જુદા પોલીસ મથકોને આ તપાસનો અહેવાલ મોકલી તેમના મથકમાં તપાસનો આદેશ કર્યો હતો. તમામ પોલીસ મથકોએ તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ જયશ્રી ઉર્ફે પાયલ અગાઉ પણ જુદા જુદા મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરી ચૂકી છે. ખરેખર તો આવા કોઈ લગ્ન થયા જ નથી. પરંતુ આરોપીઓને જેલમાંથી છોડાવવા માટે જયશ્રી સાથે લગ્નની બોગસ કંકોત્રી કોર્ટમાં રજૂ કરાતી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટસ્ફોટ થયા બાદ પોલીસ હવે જયશ્રીને શોધી રહી છે.

Most Popular

To Top