સુરત: (Surat) ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આભવા ચોકડી પહેલા એક વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. ટ્રકને લઈને જઈ રહેલા ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર (Truck Driver) સાથે અથડાઈ હતી. ડ્રાઇવર ટ્રકમાંથી બહાર નીકળ્યો ત્યારે અન્ય ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક ચલાવીને તેને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.
- સુરત ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આભવા ચોકડી પહેલા એક વિચિત્ર અકસ્માત સર્જાયો
- ટ્રક પરથી કાબુ ગુમાવી દેનાર ડ્રાઈવર જેવો કેબિનમાંથી રોડ પર આવ્યો કે અન્ય ટ્રકની અડફેટે મોત
- મૂળ બિહારના આનંદીકુમારની ટ્રક આભવા ચોક્ડી પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ તે બહાર આવીને ડ્રાઈવર સાઈડ પર ઊભો હતો ત્યારે બનેલી ઘટના
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં હજીરા ખાતે ટ્રકના પાર્કિંગમાં રહેતો આનંદીકુમાર કારુ જમાદાર ( 45 વર્ષ) મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે. અહીં તે એકલો જ રહેતો હતો. પરિવાર વતનમાં રહે છે. મધરાત્રે તે તેની ટ્રક લઈને એસ.કે.ચોકડીથી આભવા ચોકડી તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને ટ્રક પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને કેનાલમાં ફસાઈ ગઈ હતી. તે સમયે આનંદીકુમાર ટ્રકમાંથી બહાર આવીને ડ્રાઇવર સાઇડ તરફ ઉભો હતો. તે સમયે અન્ય એક ટ્રકના ડ્રાઇવરે પુરઝડપે ટ્રક ચલાવીને આનંદીકુમારને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. અજાણ્યો ટ્રક ડ્રાઇવર અડફેટે લીધા બાદ ટ્રક લઈને નાસી ગયો હતો. જ્યારે વહેલી સવારે અજાણ્યા તરીકે આનંદીકુમારની બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બપોર બાદ તેની ઓળખ થઈ હતી. ડુમસ પોલીસ આગળની તપાસ કરી રહી છે.
ઉધના ગોડાઉનમાં ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક રિવર્સમાં લેતા સૂતેલા મજુરનું મોત
સુરત: ઉધના ગોડાઉનમાં ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક રિવર્સમાં લેતા પાછળ સુતેલા મજુરને અટફેટે લેતા મજુરનું મોત નિપજ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના આદમપુર ગામનો વતની બ્રિજેશ ઉર્ફે કલ્લુ જગધારી યાદવ( 45 વર્ષ) હાલમાં ઉધનામાં રોડ નંબર બેટકો રોડ વેઝના ગોડાઉનમાં રહીને મજુરી કામ કરતો હતો. ગત રાત્રે બ્રિજેશ ગોડાઉનમાં સુતેલો હતો. તે સમયે ગોડાઉનમાં કાપડના પાર્સલ ભરવા માટે આવેલી ટ્રક નંબર ટીએન-58 એયુ-3490ના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક રિવર્સમાં લેતા બ્રિજેશને અડફેટે લીધો હતો. બ્રિજેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉધના પોલીસે ટ્રકના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.