સુરત: (Surat) સુરતમાં ચૌટાપુલ બનેલી અકસ્માતની (Accident) ઘટનામાં વેડરોડ ખાતે રહેતા મહિલાનું (Lady) મોત (Death) નિપજ્યું હતું. મંગળવારે સાંજે ચૌટાપુલ પર કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા મહિલા બે રિક્ષા (Rickshaw) વચ્ચે ભસાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થવાથી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની બહેનપણી અને રિક્ષાચાલકને ઈજા થઈ હતી. આ ઘટના બાદ કાર ચાલક કાર ઘટના સ્થળે જ મૂકીને ભાગી ગયો હતો. અકસ્માતમાં બંને રિક્ષાને નુકશાન પણ થયું હતું.
સુરતના વેડરોડ તિરૂપતી એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર કૈલાશભાઈ કામટેકરના પત્ની પ્રેમીલાબેન બહેનપણી સંગીતાબેન સાથે ચૌટાબજાર ખાતે ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરીને સાંજના સમયે તેઓ ચૌટાપુલ પર આવી રિક્ષાની રાહ જોતા હતા. તે જ સમયે કાર ચાલક (જીજે-21-સીસી- 6615) એ ગફલતભરી રીતે કાર ચલાવી ચૌટાપુલ પર ઉભેલી રિક્ષાને ટક્કર મારી દીધી હતી. પ્રેમીલાબેન બે રિક્શા વચ્ચે ઉભા હતા. તેઓ બંને રિક્ષા વચ્ચે ફસાઈ જતા નીચે પટકાઈ ગયા હતા. લોકોએ 108ને જાણ કરતા પ્રેમીલાબેન અને સંગીતાબેનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રેમીલાબેનને મૃત જાહેર કર્યા હતા.
જણાવી દઈએ કે વેડરોડ ખાતે રહેતા કૈલાશભાઈ અને પ્રેમીલા બેનને બે પુત્રો છે. આ અકસ્માતના પગલે બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બનાવ અંગે કૈલાશભાઈએ કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભેસ્તાનની નવીન ફ્લોરીનની કંન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ પડતાં મજૂરનું મોત
સુરત- ભેસ્તાનની નવીન ફ્લોરીન કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું તે દરમિયાન દિવાલ પડી જતા મજૂરને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો પ્રદીપ તોતારામ તાવડે(ઉ.વ.25 વર્ષ) હાલમાં સુરતમાં ભેસ્તાન ખાતે જમનાનગરમાં તેના ભાઇ સાથે રહેતો હતો. તે ભેસ્તાનમાં આવેલી નવીન ફ્લોરીન કંપનીમાં ચાલતા કન્સ્ટ્રક્શનના કામમાં મજૂરીકામ કરતો હતો. ગઇકાલે સાંજે તે સાઇટ ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર દિવાલ પડતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર માટે અઠવાલાઈન્સની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.