SURAT

સુરત: માતાનો હાથ પકડી રસ્તાની કોર્નર પર ઉભેલા બે માસૂમ બાળકોને ટેમ્પોએ ટક્કર મારી અને…

સુરત: સુરત (Surat) શહેરમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના ઉધના રોડ પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. અહીં રોડની સાઈડ પર ઉભેલા કેટલાંક લોકોને પૂરપાટ ઝડપે દોડતા આઈસર ટેમ્પોએ ટક્કર મારી છે. આ અકસ્માતમાં બે માસૂમ બાળકોના મોત નિપજ્યાં છે, જ્યારે 4 લોકો ઈજા પામ્યા હોવાની માહિતી સાંપડી છે. ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  • સુરતના ઉધના રોડ પર અકસ્માત
  • ટેમ્પોએ ટક્કર મારતા બે બાળકોના મોત
  • અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત
  • રોષે ભરાયેલા લોકોએ ટેમ્પોમાં તોડફોડ કરી
  • ડ્રાઈવર ટેમ્પો મુકી ભાગી ગયો
  • ઈજાગ્રસ્તોને નવી સિવિલમાં ખસેડાયા

ટેમ્પોએ માતા સહિત બે પુત્રોને કચડ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે રોડ પર જ મોત થયા હતા. મૃતકોમાં સમર્થ (ઉં.વ. 7) અને હેપ્પી (ઉં.વ.11)નો સમાવેશ થાય છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ટોળાંએ ટેમ્પોમાં તોડફોડ કરી હતી. તેના કાચ અને દરવાજા તોડી નાંખ્યા હતા. ઘટના સ્થળે પહોંચી પોલીસે લોકોને શાંત પાડ્યા હતા.
વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર માતા બે પુત્રોને શાળાએથી ઘરે લાવી રહી હતી ત્યારે ઓટો રિક્ષા માટે રોડની કોર્નર પર ઉભી હતી. ત્યારે ફુલસ્પીડમાં આવેલા આઈસર ટેમ્પોના ચાલકે માતા સહિત બે પુત્રોને અડફેટે લીધા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

દરમિયાન શહેરના ટ્રાફિકથી ધમધમતા ઉધના રોડ પર ધોળે દહાડે ફૂલસ્પીડમાં ટેમ્પો દોડાવી અકસ્માત સર્જનાર આઈસર ટેમ્પોનો ચાલક અકસ્માત બાદ તરત જ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માત નજરે જોનારા લોકો રોષે ભરાયા હતા અને ટેમ્પો ચાલકને મારવા દોડ્યા હતા, પરંતુ તે હાથમાં આવ્યો નહોતો. જોકે, બાદમાં સુરત શહેર પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. લોકો અને આગેવાનોનું ટોળું ઈજાગ્રસ્તોની પાછળ પાછળ નવી સિવિલ હોસ્પિટલ પર દોડી ગયું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ખાસ મનાતા છોટુ પાટીલ પણ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ ફૂલસ્પીડમાં ટેમ્પો દોડાવી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે જ ફરિયાદ કરી હતી કે સચીન અને હાઈવે તરફથી આવતા ટેમ્પો સુરતના ઉધના મેઈન રોડ પર ખૂબ જ સ્પીડમાં વાહન દોડાવતા હોય છે, જેના લીધે અહીં અવારનવાર અક્સમાત સર્જાતા હોય છે. અકસ્માતની ઘટનાઓને બનતી અટકાવવા માટે પગલાં લેવા લોકોએ માંગ કરી હતી.

Most Popular

To Top