SURAT

ફરી બન્યો “આપ” ના નેતા મનીષ સિસોદીયાનો સુરત પ્રોગ્રામ, જાણો ક્યારે આવશે?

સુરત: (Surat) નવી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) સંસ્થાપક સભ્ય મનીષ સિસોદીયા (Manish Sisodia) હવે આગામી રવિવારે સુરતની મુલાકાતે આવશે. મનીષ સિસોદીયા 24 મીએ સુરત આવવાના હતા પરંતુ તેમની તબિયત લથડતા તેઓનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો. પરંતુ હવે રવિવારે તેઓ સુરત આવવાની શક્યતા છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયાની સુરત મુલાકાત ઔપચારિક કરતાં સૂચક વધારે છે. હાલમાં જ એક હજાર કરતાં વધુ ભાજપના કાર્યકરો – સામાજીક અગ્રણીઓ અને વેપારીઓએ આમ આદમી પાર્ટીમાં સમાવેશ થયા બાદ હવે સંભવતઃ સુરત શહેરના મોટા માથાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ સ્થિતિમાં મનીષ સિસોદીયાની મુલાકાતને પગલે સંભવતઃ સુરત અને ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી શકે છે. હાલમાં જ મનીષ સિસોદીયાની નાદુરસ્ત તબિયતને પગલે સુરતની મુલાકાત રદ્દ થઈ હતી. જો કે હવે રવિવારની મુલાકાત રાજકીય વર્તુળોમાં વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે.

સુરતમાં ચાલતી ચર્ચા પ્રમાણે, મનીષ સિસોદીયાની સુરતની મુલાકાતમાં અનેક કન્યાઓના લગ્ન કરાવનાર વરાછાનું મોટું માથું આપમાં જોડાય તેવી સંભાવના છે. અગાઉ હીરા અને હાલમાં શિક્ષણ તેમજ જમીનના ધંધા સાથે સંકળાયેલા આ મોટા માથાએ એવી ચર્ચાઓ વહેતી મુકી છે કે ભાજપમાં તેમનું વારંવાર અપમાન થયું હોવાથી તેઓ ભાજપ છોડીને આપમાં જઈ રહ્યાં છે. જોકે, આ મોટું માથું અગાઉ કોંગ્રેસમાં નેતા ગણાતાં હતાં અને પંદરેક વર્ષ પહેલા જ વિધાનસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપમાં જોડાયા હતાં. જોકે, હવે આ સમાજસેવી આપમાં ખરેખર જાય છે કે પછી ભાજપમાં પોતાનું મહત્વ વધારવા માટે જ તેમણે આ હવા ફેલાવી છે કે કેમ? તે આગામી દિવસોમાં ખબર પડશે.

Most Popular

To Top