સુરત: (Surat) પિકચર જોવા માટે ગયેલા ‘આપ’ના (AAP) કોર્પોરેટરની (Corporator) કારમાંથી (Car) કાચ તોડીને બેગની (Bag) ચોરી (Theft) કરવામાં આવી અને આ ચોરાયેલી બેગ ભાજપના (BJP) જ કોર્પોરેટરના ઘરની બહારથી મળી આવતાં રાજકીય માહોલ ગરમ થઈ જવા પામ્યો છે. ભાજપના કોર્પોરેટર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ આપના કોર્પોરેટરનું તિક્કડમ છે. જ્યારે આપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બેગમાં મનપામાં ચાલતા કૌભાંડના દસ્તાવેજો હોવાથી બેગની ભાજપના માણસો દ્વારા જ ચોરી કરવામાં આવી હતી.
રાજકીય ડ્રામાની પ્રતિતીકરાવતી આ ઘટના એવી છે કે, સુરતના અડાજણ સ્ટાર બજાર સ્થિત સિનેપોલિશ સીનેમાઘરમાં આપના નગરસેવક કનુ ગેડીયા મુવી જોવા ગયા હતા ત્યારે સ્ટાર બજારની સામેના બ્રિજની નીચે પાર્ક કરેલી તેમની ફોર વ્હીલ ગાડીનો કાચ તોડી લેપટોપ બેગ અને તેમાં મુકેલા દસ્તાવેજોની ચોરી થઈ ગઈ હતી. આ ચોરી કોઇ ઇરાદાપુવર્કનો ખેલ હોય તેવું એટલા માટે લાગતું હતું કે ગાડીમાં મનપા દ્વારા નગર સેવકને ફાળવાયેલુ લેપટોપ એમ જ પડી રહ્યું હતું. ચોરી મામલે કોર્પોરેટર કનુ ગેડીયા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચોરાયેલી બેગમાં મનપાના હાજરી કૌભાંડ, રિંગરોડ એસટીએમ માર્કેટના કૌભાંડની દસ્તાવેજોની ઝેરોક્ષ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ હતા તેથી ભાજપના જ કોઇ નેતાઓએ આ ચોરી કરાવી હશે. બીજી તરફ આશ્ચર્યની વાત એ છે કે આપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના કલાકોમાં જ ચોરાયેલી બેગ રાંદેર ઝોનમાં જ રહેતા ભાજપના કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલાના ઘરની બહારથી મળી આવી હતી. જેને પગલે રાજકીય ગરમાટો આવી ગયો હતો.
માત્ર દસ્તાવેજોની બેગ જ ચોરાઈ પણ લેપટોપ ચોરાયું નહીં હોવાથી ચોરી મામલે ભાજપના નેતાઓ પર શંકા: કનુ ગેડીયા
બેગ મળી આવતા આપના કોર્પોરેટર કનુ ગેડીયાએ એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, ચોરી થયેલી બેગ ભાજપના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળાના ઘરના ગેટ પાસેથી કેવી રીતે મળી? આ બેગની ભાજપના જ નેતાઓએ ચોરી કરાવી હોવી જોઈએ. ગેડીયાએ એવું પણકહ્યું હતું કે, મનપાના ભાજપ શાસકો શંકાના દાયરામાં એટલા માટે આવે છે કે ગાડીમાં લેપટોપ હતું પરંતુ તે ન ચોરાયું માત્ર ડોક્યુમેન્ટની બેગ ચોરાઈ હતી. એ બેગની અંદર ટેક્સટાઇલ માર્કેટ માટે જે જમીન આપવામાં આવી છે તેને લઈને થયેલા ડોકયુમેન્ટના પુરાવાવાળા કાગળ હતા. સુરત કોર્પોરેશનની અંદર ભૂતિયા કર્મચારીઓનું 100 કરોડનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ તમામ મહત્વના ડોક્યુમેન્ટ્સ હોવાને કારણે બેગની ચોરી થઇ હોય તેવી પૂરી શક્યતા છે.
આ આપનો રાજકીય સ્ટંટ છે, બેગ મળી કે તુરંત પોલીસને સોંપી દીધી હતી: ધર્મેશ વાણીયાવાલા
જેના ઘરની બહાર કનુ ગેડીયાની બેગ મળી તે ભાજપના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળાએ જણાવ્યું હતું કે, હું તે દિવસે ભાજપ કાર્યાલય પર હતો. મારો પરિવારજનો હવનના કાર્યક્રમમાં ગયા હતા ઘરે કોઈ જ ન હતું. જ્યારે હું ઘરે પરત ફર્યો ત્યારે જોયું કે એક બેગ મારા ઘરના ગેટ ઉપર પડી છે. બેગને જોતા જ મને ખ્યાલ આવ્યો કે આ કોર્પોરેટરની બેગ છે. કારણ કે અમને જે બધા જ કોર્પોરેટરો અને લેપટોપ આપવામાં આવ્યું છે તે જ બેગ છે. તેથી મેં તાત્કાલિક અડાજણ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પોલીસે આવીને તમામ બાબતોની તપાસ કરી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જે આક્ષેપ કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. મારા ઘરની બહારના સીસીટીવી ચાલુ હોવાને કારણે તમામ બાબત કેમેરામાં કેદ થઈ ગઈ છે. એક મહિલા દ્વારા આ બેગ મારા ગેટ ઉપર મૂકવામાં આવી હતી. આ મહિલા વિશે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અમારા નજીકમાં રહેતા એક વ્યક્તિના તે સંબંધી થાય છે. એ માસીને આ બેગ મળી હતી અને તેમણે મારા ઘરના ગેટ પાસે મૂકી દીધી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પબ્લિસિટી સ્ટંટ કરતા હોય એવું મને લાગે છે. તેઓ ખોટા આરોપો લગાવીને પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે અડાજણ પોલીસ સ્ટેશને જઇને રજુઆત કરી છે કે ખોટા આક્ષેપો કરનારા આપના નગર સેવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવે.