સુરતમાં આ બિલ્ડરોની મધ્યસ્થીથી આપમાં ભંગાણ.. શહેર સંગઠનના નેતાઓને ગંધ સુધ્ધા ન આવી

સુરત: (Surat) સુરત મનપામાં વિપક્ષ તરીકે 27 બેઠક જીતી લાવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોમ ગ્રાઉન્ડમાં જ મોટા પડકાર તરીકે ઊભરનાર આમ આદમી પાર્ટી (Aam Admi Party) ભાજપના (BJP) નેતાઓ માટે સોનાની થાળીમાં લોઢાની મેખસમાન છે. જો કે, આમ આદમી પાર્ટીના નગરસેવકો ચુંટાઇ આવ્યા બાદ અપેક્ષામાં ખરા ઊતર્યા નહીં અને અંદર અંદર જૂથવાદ શરૂ થતાં જ ભાજપે આપમાં ગાબડું પાડવાની રણનીતિ અપનાવી હતી. જેની શરૂઆત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં (Election) થઇ ચૂકી હતી. એ સમયે ભાજપ સમર્થિત ઉમેદવાર રાકેશ ભીકડિયાને જીતાડવા માટે આપમાં ક્રોસ વોટિંગ કરાવવાનો પડકાર શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે ઉઠાવ્યો હતો અને ક્રોસ વોટિંગ કરાવ્યું હતું.

  • સુરતમાં બટુક અને વિમલ નામના બિલ્ડરોની મધ્યસ્થીથી ઓપરેશન ‘આપ ભંગાણ’ પાર પાડ્યાની ચર્ચા
  • શહેર સંગઠનના કોઈ નેતાઓને ગંધ સુધ્ધા નહીં આવી અને પ્રદેશ સ્તરેથી સ્થાનિક બિલ્ડરની મદદથી ઓપરેશન પાર પડ્યું
  • વધુ છ નગરસેવક સાથે વાટાઘાટો વચ્ચે વિધાનસભાની ચૂંટણી સુધીમાં ‘આપ’ને અડધું કરી નાંખવાનો લક્ષ્યાંક

આ સાથે જ આપમાં હુંસાતુંસી અને આક્ષેપોનો દોર શરૂ થયો હતો. ત્યારથી ચાલી રહેલા પ્રયત્નો આખરે સફળ થયા છે. એકસાથે પાંચ નગરસેવકોને ભાજપમાં લાવવાનો ખેલ બટુક અને વિમલ નામના બિલ્ડરોની મધ્યસ્થીથી પાર પડ્યો હોવાનું કહેવાય છે. વિમલે તો પાટીદાર આંદોલન વખતે પણ ભાજપ પાટીદારોમાં ભાજપતરફી વાતાવરણ કરવાનો પડકાર ઉઠાવી આંદોલનને નબળું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાતું હતું. એ વાત પણ મહત્ત્વની છે કે, આ ઓપરેશનને તદ્દન ગુપ્ત રીતે પ્રદેશ સ્તરના નેતાઓ દ્વારા સ્થાનિક બિલ્ડરની મધ્યસ્થીથી પાર પાડવામાં આવ્યું છે. જેની ગંધ સુધ્ધા સ્થાનિક નેતાઓ કે શહેર સંગઠનને આવવા દેવાઇ નહોતી. જો કે, એવું પણ કહેવાઇ રહ્યું છે કે, આ તો શરૂઆત છે. હજુ 6 નગરસેવક લાઇનમાં છે અને વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં સુરત મનપામાં આપનું સંખ્યાબળ 27 છે તે અડધુ કરી નાંખવાનો લક્ષ્યાંક રખાયો છે.

જો વધુ 4 નગર સેવકો ભાજપમાં જાય તો પક્ષાંતરધારાની કાર્યવાહીથી બચી શકે
સુરત : સુરત મનપાના વિપક્ષ આપના પાંચ સભ્યો ભાજપમાં જોડાઇ જતા હવે આ પાંચ નગર સેવકોની રાજકીય કારર્કીદીનું શું ? પક્ષાંતર ધારો લાગશે કે નહી ? વગેરે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે જીપીએમસી એકટની પુરવણી 3(1)ની ગુજરાતનો પક્ષાંતર બાબતના અધિનિયમ 1986ની જોગવાઇ મુજબ જો કોઇ સભ્ય પોતાની ઇચ્છાથી અથવા તો જે રાજકીય પક્ષના ચિન્હ પરથી ચૂંટાયા હોય તેના મેન્ડેટનો ભંગ કરે અને જો તે પક્ષ તેને 15 દિવસની અંદર માફી ના આપે તો પક્ષાંતર ધારા હેઠળ તેનું સભ્યપદ ગેરલાયક ઠરે છે. જો કે એક જોગવાઇ એવી છે કે જે તે પક્ષના ચુંટાયેલા સભ્યો એક તૃતિયાંશ સભ્યો અલગ ચોકો રચે કે અન્ય પક્ષમાં જોડાય તો પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠરતા નથી. હાલમાં આપના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે, આપના હાલમાં 27 સભ્યો છે તેથી જો હજુ 4 સભ્યો ભાજપમાં જાય તો એક તુતિયાંશનો આકડો થઇ જાય છે અને પક્ષાંતરધારાની કાર્યવાહીથી બચી શકે છે. પરંતુ જો આવું નહી થાય અને મનપાની સામાન્ય સભા કે અન્ય મીટિંગમાં પક્ષના મેન્ડેટનો ભંગ કરશે તો તેનું સભ્યપદ ગેરલાયક ઠરી શકે છે.

Most Popular

To Top