સુરત: (Surat) સુરતમાં ભાજપમાંથી (BJP) આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાવાનો સિલસિલો યથાવત રહેતા શહેર ભાજપની ચિંતા વધી છે. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે ત્યારે રવિવારે અડાજણ – રાંદેરમાંથી 400થી પણ વધુ ભાજપના કાર્યકર્તાઓ (Activist) આપમાં જોડાયા હતા. સી. આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી ફક્ત સુરત શહેરમાંથી જ છેલ્લા દોઢ મહિનામાં 1,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી લેતા ભાજપના માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે. સુરતમાં જ્યારથી આમ આદમી પાર્ટી પાલિકામાં વિપક્ષ તરીકે બેઠી છે ત્યારથી ભાજપના કાર્યકર્તાઓ તૂટવાનો સિલસિલો ચાલી રહ્યો છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
વરાછા, કતારગામ, પૂણા વિસ્તારમાં પાટીદાર ફેક્ટરને કારણે ભાજપના કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા હોય તેવું બની શકે પરંતુ ભાજપના ગઢ ગણાતા અડાજણ-રાંદેર વિસ્તારમાંથી પણ હવે ભાજપમાં ગાબડું પડવાનું શરૂ થયું છે. આ વિસ્તારનાં 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ રવિવારે આપમાં જોડાયા હતા. જણાવી દઈએ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ગઢ એવા સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં 1000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે. હવે ભાજપમાં ચર્ચા છે કે જો કાર્યકર્તાઓને મળીને તેઓની નારાજગી શું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં નહીં આવે તો આ ગાબડું મોટું થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મેયરના વિસ્તાર એવા અડાજણ વિસ્તારની હિમગીરી સોસાયટીની બહાર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા હતા. અડાજણ રાંદેર વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળું છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જોડાયા હતા.