સુરત: અડાજણમાં રહેતો યુવક પત્ની સાથે મિત્રના ઘરે અમરોલી ગયો હતો. જ્યાં પોતે, મિત્ર અને મિત્રની પત્ની બહાર નીકળ્યા હતા. યુવકની પત્ની મિત્રના ઘરમાં જ હતી ત્યારે મિત્ર કામ છે તેમ કહીને પરત ઘરે આવી પરિણીતાની ઇજ્જત લેવા પ્રયાસ કર્યો હતો. અમરોલી પોલીસે છેડતીની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે રહેતો પ્રતિક (નામ બદલ્યું છે) રત્નકલાકાર છે. તેનો મિત્ર રાજુભાઇ નાથાભાઇ ગુજરીયા ઘર નં.૨૦૪, સ્મીત રેસિડેન્સી, ક્રોસ રોડ, અમરોલી ખાતે રહે છે. ગઈકાલે પ્રતિક તેની પત્નીને લઈને મિત્ર રાજુના ઘરે ગયો હતો. ત્યાં રાજુ તેની પત્ની અને પ્રતિક ત્રણેય કામ માટે બહાર ગયા હતા. ત્યારે પ્રતિકની પત્ની રાજુના ઘરે જ રોકાઈ હતી. થોડા આગળ ગયા પછી રાજુ એક કામ યાદ આવ્યું છે તેમ કહીને પરત ઘરે આવ્યો હતો અને ઘરે આવીને મિત્રની પત્ની પોતાના રૂમમાં એકલી હતી. તે વખતે રૂમમાં આવી ઇજ્જત લેવાની કોશિશ કરી હતી. પરિણીતાએ ધક્કો મારતા આ વાત કોઇને કહેતી નહીં, નહીં તો તારા ઘરવાળાને મારી નાંખીશ એવી ધમકી આપી હતી. ગભરાયેલી પરિણીતાએ ઘરે આવ્યા બાદ તેના પતિને જાણ કરતા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં પરિણીતાને સંતાનમાં ત્રણ મહિનાનું બાળક છે. રાજુએ બાળક એક તરફ રડતું હતું અને બીજી બાજું તેની માતાની લાજ લેવા પ્રયાસ કર્યો હતો.
જાહેરમાં છેડતી કરી ચપ્પુ કાઢી પૂર્વ પતિની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી
અડાજણ ખાતે રહેતી મહિલાના વિપુલભાઇ જશવંતભાઇ ખેરાવાલા (રહે.પટેલ ફળીયુ પાલનપુરગામ અડાજણ) સાથે લગ્ન થયા હતા. બંને વચ્ચે મનમેળ નહીં બેસતા તથા રોજના ઝઘડાઓ પછી ચાર વર્ષ પહેલા તેમણે છુટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ પરિણીતા તેના દીકરા સાથે રહેતી હતી. બાદમાં મહિલાએ બીજા લગ્ન કરી લેતા તે પતિ અને પુત્ર સાથે અડાજણ વિસ્તારમાં જ રહેતી હતી. જોકે પૂર્વ પતિ અવારનવાર તેનો પીછો કરી પરેશાન કરતો હતો. ગઈકાલે મહિલા અડાજણ એલ.પી.સવાણી રોડ પર ફૂટપાથ પરથી ચાલતી જતી હતી ત્યારે વિપુલ ત્યાં આવ્યો હતો. અને તેણીની જાહેરમાં છેડતી કરી ગાળો આપી હતી. મહિલાએ ગાળો આપવાની ના પાડતા વિપુલ ઉશ્કેરાઇ તેની પાસેનું ચપ્પુ કાઢી પરિણીતાને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ તેના પતિને સઘળી હકીકત જણાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે આખરે વિપુલ સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.