સુરત: ખટોદરા વિસ્તારમાં નોકરી પરથી ઘરે જતા પાંચ સંતાનના પિતાને અજાણ્યા વાહનના ડ્રાઈવરે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની ૩૬ વર્ષીય રામપ્રતાપ હીરાલાલ સિંગ, ખટોદરા વિસ્તારની નંદ પરમાનંદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતાં. તેઓ 4 મહિના પહેલા જ કામધંધા માટે સુરત આવ્યા હતાં. તેઓ ક્રશ મશીન ચલાવી પરિવારનું ભરણ-પોષણ કરતા હતા. તેમને પરિવારમાં પત્ની, ત્રણ પુત્ર અને બે પુત્રી છે.
ગત 22મી જૂનના રોજ રાત્રીના સવા નવ વાગ્યે નોકરી પરથી રાત્રે પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમને રોકડીયા હનુમાનથી જોગાણી માતાના મંદિર તરફ આવતા રોડ પર અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારને જાણ કરવા સાથે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 6 દિવસની સારવાર બાદ મૃત જાહેર કરાયા છે. વાહન અકસ્માતના બનાવ અંગે ખટોદરા પોલીસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
ડુમસમાં કારનું ટાયર પંક્ચર થયા બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત 74 વર્ષીય વૃદ્ધાનું મોત
સુરત: પાલમાં એલપી સવાણી રોડ પર આવેલ શાશ્વત રેસિડેન્સીમાં કૈલાસબેન મનહરલાલ મંગુવાલા (64 વર્ષ) પરિવાર સાથે રહે છે. હાલમાં તેમના સંબંધી લલીતાબેન બાબુલાલ મોઢ (74 વર્ષ. રહે. ઓડવાસ, શ્રાવકની ખડકી, સિદ્ધપુર, જિલ્લો પાટણ) સિદ્ધપુરથી સુરત સંબંધીઓને મળવા માટે આવ્યા હતા. 23એ બધા સંબંધીઓ ભેગા થયા હતાં અને ત્યારબાદ તેઓએ ડુમસ ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. બપોર બાદ તેઓ ડુમસ ફરવા ગયા હતા. તમામ હ્યુંડાઈની સેન્ટ્રો કારમાં ફરવા નીકળ્યા હતા. કાર કૈલાસબેનના દિયર કિશોરભાઈ ઇશ્વરલાલ મહેતા (રહે. જ્ઞાનદીપ રો-હાઉસ, રામેશ્વર રેસિડેન્સી પાસે, એલ.પી.સવાણી રોડ) ચલાવી રહ્યાં હતાં.
કારમાં કૈલાસબેન, લલીતાબેન મોઢ (74 વર્ષ), કલ્પનાબેન અનિલકુમાર આઈવાલા અને કિરણબેન કિશોરભાઈ મહેતા હતા. તેઓ એરપોર્ટથી ડુમસ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડુમસમાં કુવાડા ત્રણ રસ્તા પાસે કારનું જમણી બાજુનું ટાયર પંકચર થયું હતું. જેથી ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર જોરથી ડિવાઈડર સાથે અથડાઈ હતી જેમાં કારમાં બેસેલા તમામને નાની-મોટી ઇજા થઈ હતી. લલીતાબેનને કમર અને છાતીના ભાગે ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન ગતરોજ સાંજે મોત નિપજ્યું હતું. ડુમસ પોલીસે કાર ચલાવરનાર કિશોરભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.