સુરત: લિંબાયતમાં પરિવારજનો સાથે વાતો કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
- નિશાર ગુરુવારે બપોરે 12 વાગ્યે ઘરના સભ્યો સાથે બેઠો હતો તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ માલેગાંવ મહારાષ્ટ્રના વતની નિશાર ગફર શેખ (40 વર્ષ) મીઠીખાડી ક્રાંતિનગર લિંબાયત ખાતે પરિવાર સાથે રહેતો હતો. નિશાર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિશાર ગુરુવારે બપોરે 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરના સભ્યો સાથે બેઠા હતાં તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો થતાં નિશારના મિત્રે ઘર નજીક આવેલા દવાખાને લઈ ગયા હતા.
જ્યાંથી નિશારને મોટી હોસ્પિટલ લઈ જવાનું કહેતા નિશારના મિત્રે રિક્ષામાં નિશારને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયાં હતાં. જ્યાં હાજર તબીબોએ નિશારને મૃત જાહેર કર્યો હતો. નિશારના મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. નિશારને હાર્ટ એટેક આવ્યો હોવાથી મોત નિપજ્યું હતું તેવું નિશારના મામા જાફર સૈયદએ જણાવ્યું હતું.
પાંડેસરામાં 60 વર્ષના વૃદ્ધનું તાવ અને ઝાડાના કારણે મોત
સુરત: શહેરમાં વરસાદ બંધ થઈ ગયો, પરંતુ રોગચાળાનો કહેર યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા 60 વર્ષના વૃદ્ધનું તાવના કારણે મોત નીપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારના વતની ગિરીશભાઈ ચંદકિશોર બડુરિય (ઉં.વ.60) હાલમાં પાંડેસરામાં ચીકુવાડી પાસે આવેલા ધરમનગરમાં પરિવાર સાથે રહેતો હતો. ગિરીશભાઈ સચિન ખાતે આવેલી કંપનીમાં વોચમેનનું કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા.
ગિરીશભાઈને ત્રણ-ચાર દિવસથી તાવ અને ઝાડા થતા હતા. જેથી ઘર નજીક આવેલી મેડિકલ પરથી દવા લાવીને પી રહ્યા હતા. બુધવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં ગિરીશભાઈની તબિયત બગડતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ગુરુવારે સવારે 9 વાગ્યાના સુમારે ગિરીશભાઈનું મોત નીપજ્યું હતું.