સુરત: સુરતમાં (Surat) આઘાતજનક ઘટના બની છે. અહીં એક 25 વર્ષીય યુવકનું મોત (Death) થયું છે. નવાઈની વાત એ છે કે આ યવુક ઢોસા (Dosa) ખાઈને ઉભો થયો ત્યાર બાદ અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. આ યુવક ઉધના વિસ્તારમાં રહેતો અને ટેમ્પો ડ્રાઈવિંગનું કામ કરતો હતો. મિત્રો તેને સારવાર માટે લઈ ગયા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલ ઉધનામાં આવેલ ભીમનગર આવાસમાં રહેતો સંજય અશોકભાઈ શિરૂડકર( 25 વર્ષ) મૂળ મહારાષ્ટ્રનો વતની છે. સંજય અશોકભાઈ શિરુડકર ટેમ્પો ચલાવીને પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. સંજય શિરૂડકર બુધવારે મોડી સાંજે બે મિત્રો સાથે ડિડોલી પોલીસ મથકની સામે આવેલા ઢોસાની દુકાનમાં ઢોસા ખાવા માટે આવ્યા હતા.
ત્રણેય મિત્રો ઢોસા ખાયા બાદ સંજયભાઈ ત્યાં જ ઊભા થઈને ચાલવા લાગ્યા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તેમના મિત્રો તાત્કાલિક સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. સંજય શિરૂડકરને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સંજય શિરૂડકરનું મોત હ્દય રોગના હુમલાથી (HeartAttack) થયું હોવાની સંભાવના છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કોઈ ખુલાસો થઈ શકે છે.
રિક્ષા ચાલકે ટક્કર મારતા ઘવાયેલા બાઇક ચાલક વૃદ્ધનું 19 દિવસની સારવાર બાદ મોત
સુરત : ઉત્રાણથી કતારગામ બાઇક પર જતા વૃદ્ધને રિક્ષા ડ્રાઈવરે પાછળથી ટક્કર મારતા વૃદ્ધને ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 19 દિવસ બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. રિક્ષા ડ્રાઈવરે વૃદ્ધને ટક્કર મારી તે સમયે વૃદ્ધનો દીકરો તેમની આગળ બાઈક પર જઈ રહ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્રાણ વિસ્તારમાં આવેલા વીઆઈપી સર્કલ પાસે અનમોલ હાઈટ્સમાં હરેશભાઈ અંટાળા (60 વર્ષ) તેમના પુત્ર સાહિલ અને પરિવારજનો સાથે રહેતા હતા. હરેશભાઈ અને સાહિલ બંને એક જગ્યા પર જ કામ કરતા હતા. ૧૨ જૂનના રોજ હરેશભાઈ બાઇક પર કામ ઉપર જવા નીકળ્યા હતા. તેઓ અશ્વિનીકુમાર ખાતે ખાતામાં કામ કરવા માટે આવી રહ્યા હતા.
દરમિયાન રત્નમાલા ચાર રસ્તાથી જીઆઇડીસી ચાર રસ્તા તરફના રોડ પર હરેશભાઈ પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા રીક્ષા ચાલકે હરેશભાઈની બાઈકને પાછળથી ટક્કર મારતા પટકાયેલા હરેશભાઈને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે બનાવ બન્યો ત્યારે હરેશભાઈની આગળ તેમનો દીકરો સાહિલ બાઇક પર જઈ રહ્યો હતો. 19 દિવસની સારવાર બાદ આજરોજ હરેશભાઈનું મોત નિપજ્યું હતું.