સુરત: (Surat) ડુમસની ફાઈવ સ્ટાર લા મેરિડિયન હોટલમાં (Five Star La Meridian Hotel) આજે સ્ટોર રૂમમાં કચરા પેટીમાંથી પ્લાસ્ટીકની થેલીમાં હોટેલના કેશિયરની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફિલ્મી ઢબે કરેલી હત્યાનો ભેદ ડુમસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો હતો. હોટેલમાં જ નોકરી કરતા હાઉસ કીપીંગ મેનેજરના બુટ ઉપર લોહીનો ડાઘ જોતા પોલીસે (Police) તેની કડક રાહે પુછપરછ કરતા તેને ગુનો કબુલી લીધો હતો. હત્યામાં (Murder) બે કરતા વધારે ઇસમો હોવાની શંકાને આધારે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- ડુમસની લા મેરિડિયન હોટલમાં કેશિયરની હત્યા કરી 23 લાખની લુંટ, હત્યા કરનાર હોટેલનો હાઉસ કિપીંગ મેનેજર નીકળ્યો
- આરોપીએ 19 લાખ સગેવગે કરી લીધા, ચાર લાખની રીકવરી કરાઇ
ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડુમસ રોડ આવેલી ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને ટીજીબીના નામે ઓળખાતી હોટલમાં મુળ ઓરીસ્સાનો વતની 26 વર્ષીય જીવન રાવત વર્ષ 2017 થી કેશિયર તરીકે નોકરી કરતો હતો. જીવન સુરતમાં મગદલ્લા ગામમાં રહેતો હતો. જીવન રોજ હોટેલનું કલેક્શન બેંકમાં જમા કરાવવા જતો હતો. આજે બપોરે 23 લાખ રૂપિયા લઈને વેસુ ખાતે આવેલી બેંકમાં જવા નીકળ્યો હતો. પરંતુ એક-બે કલાક પછી પરત નહીં આવતા હોટેલના સ્ટાફે તેનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો. જેથી તેની શોધખોળ દરમિયાન બેઝમેન્ટમાં આવેલા સ્ટોર રૂમમાં કચરા પેટીમાં પ્લાસ્ટીકની થેલીમાં જીવનની લાશ મળી આવતા સ્ટાફના માણસો હેબતાઈ ગયા હતા અને તેમને હોટેલમાં જાણ કરી હતી. પોલીસને જાણ કરતા ડુમસ પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. જીવન બેંકમાં લઈ ગયેલા રૂપિયા પણ ગાયબ હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
બુટ પર લોહીના ડાઘા જોઈ પોલીસે આરોપી ઝડપી પાડ્યો
હોટેલમાં સ્ટોર રૂમમાં હાઉસ કીપીંગ મેનેજર તરીકે નોકરી કરતો વિરેન ઉર્ફે વાહીદ સૈની મુળ સોમનાથ વેરાવળનો વતની છે. તે પણ વર્ષ 2017-18 થી હોટેલમાં નોકરી કરતો હતો. હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ડુમસ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દરમિયાન પીઆઇ અંકિત સોમૈયાએ વિરેનના બુટ ઉપર લોહીના ડાઘા દેખાતા તેને શંકાના આધારે કડક રાહે પુછપરછ કરી હતી. જેથી વિરેને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી.
બે દિવસનું કલેક્શન હતું, સાડા ચાર લાખ રિકવર કર્યા
હોટેલમાં 23 લાખ રૂપિયા બે દિવસનું કલેક્શન હતું. શનિવાર અને રવિવારે બેંકો બંધ હોવાથી આ રકમ આજે જમા કરવાની હતી. પરંતુ તે બેંકમાં જાય તે પહેલા તેના સહકર્મીએ તેની હત્યા કરી લુંટી લીધા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી આશરે સાડા ચાર લાખ રિકવર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બાકીની રકમ તેની સાથે કોની સંડોવણી હતી કે કેમ અને તેને રૂપિયા કોને આપ્યા છે તે અંગે તપાસ ચાલું છે.