સુરત : ભેસ્તાન આવાસમાં રહેતી મહિલા અને તેના પુત્રને ત્રણ યુવકોએ આંખે પાટા બાંધી દઇને અવાવરુ જગ્યાએ લઇ ગયા હતા. માતા-પુત્રને 22 દિવસ ગોંધી રખાયા હતા, મહિલાની સાથે બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. તક મળતાં બંનેએ ભાગીને જીવ બચાવ્યો હતો. મહિલાએ બારડોલીમાં ઝીરો નંબરથી ફરિયાદ આપ્યા બાદ લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો.
- જૂના ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સોએ મહિલા-પુત્રને ચપ્પુ બતાવીને રિક્ષામાં બેસાડીને આંખે પાટા બાંધી દીધા
- બંનેને ઘેની પદાર્થ પીવડાવી બેહોશ કરી અવાવરું જગ્યાઇ લઇ ગયા, તક મળતાં જ ભાગીને બારડોલી પહોંચ્યા
પ્રાપ્ત વિગતો મુજબ ભેસ્તાનમાં રહેતી એક મહિલા પોતાના બાળક સાથે લિંબાયત વિસ્તારમાં ગઇ હતી. ત્યાંથી ભેસ્તાન આવાસમાં જ રહેતા પીરુ, શાહરૂખ અને સુલતાન રિક્ષામાં બેસીને આવ્યા હતા. તેઓ મહિલા અને તેના બાળકને ચપ્પુ બતાવીને રિક્ષામાં બેસાડી લઇ ગયા હતા. ત્રણેય યુવકોએ મહિલાને સરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. મહિલાના આંખે પાટા પણ બાંધી દેવાયા હતા. આ મહિલા અને તેના પુત્રને અવાવરું જગ્યાઇ લઇ જઇને 22 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. પાંચ દિવસ પહેલા પીરૂ નામના યુવકે મહિલાની સાથે બળાત્કાર પણ ગુજાર્યો હતો. તકનો લાભ લઇને મહિલા અને તેનો પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને હાઇવે ઉપર પહોંચ્યા હતા. માતા-પુત્રએ રાહદારીની મદદ લઇને બારડોલી વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. બારડોલી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઇને આ ફરિયાદ લિંબાયત પોલીસમાં ટ્રાન્સફર કરી હતી. પોલીસે આ મામલે પીરૂ, શાહરૂખ અને સલમાનની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. લિંબાયત પોલીસના જણાવ્યા પ્રમાણે ભેસ્તાન આવાસમાં મહિલા અને પીરૂની વચ્ચે વારંવાર ઝઘડા થયા કરતા હતા, મહિલા ડિવોર્સી છે અને તે તેના પુત્ર સાથે રહે છે. તેની અદાવત રાખીને અપહરણ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે. હાલ આ મહિલા ગોળગોળ જવાબો આપી રહી છે, પરંતુ આરોપીઓની ધરપકડ બાદ ચોક્કસ માહિતી બહાર આવશે.