SURAT

ઇચ્છાપોરના આયુષમાન ભારત પ્રાથમિક સારવાર કેન્દ્ર પર કારમાં પ્રસુતિ સાથે લવાયેલી સગર્ભા માતાને કોઈ સારવાર ન અપાઈ

સુરત: ઇચ્છાપોર આયુષમાન ભારત પ્રાથમિક સારવાર કેન્દ્રના પરિચારિકાઓ ગંભીર બેદરકારી સામે આવી છે. RJD ટેકસટાઇલ (Textile) પાર્કમાં કામ કરતી મજૂરણ બાઈની કારમાં પ્રસૂતિ થયા બાદ આરોગ્ય કેન્દ્ર (Health Center) પર પહોંચેલા પરિવાર ને કોઈ પણ પ્રાથમિક સારવાર આપ્યા વગર તગેડી મુક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ કોર્ડ કલેમ્પ (માતા અને બાળક વચ્ચેની નાળ કાપ્યા વગર) કર્યા વગર કંપાઉન્ડમાં રાખી મુકતા ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે 108 મદદે આવતા બાળક અને સગર્ભા માતાને નાળથી અલગ કરી સારવાર માટે તાત્કાલિક સિવિલ (Civil Hospital) લઈ જવાતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. કોન્ટ્રાકટર ગુંજન વિઠાણીએ કહ્યું હતું કે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ પાસે કોઈ સાધન, સ્ટેચર કે બ્લેડ સુધ્ધાં ન હોવાનું જણાવવામાં આવ્યું એ શરમ જનક લાગ્યું હતું.

આ વિશે ડામોર પરિવારે કહ્યું હતું કે 9 મહિના પુરા થવામાં બે દિવસ જ બાકી હતા. આજે સગર્ભા ને વતન MP મોકલી દેવાના હતા. ત્યારે જ બપોરે પ્રસૂતિની પીડા થઈ હતી. સગર્ભા માતા ને એક 3 વર્ષનો પુત્ર છે. ત્યારબાદ દીકરી જન્મ થયો છે. જેનું વજન 2.5 કિલો નોંધાયું છે. હાલ બન્ને સિવિલ હોસ્પિટલમાં દાખલ અને તંદુરસ્ત હોવાનું તબીબો કહી રહ્યા છે.

ગુંજન વિઠાણી (કોન્ટ્રાકટર) એ કહ્યું હતું કે ઇચ્છાપોર RJD ટેકસટાઇલ પાર્કમાં તેમની સાઈડ ચાલે છે. જ્યા કામ કરતી એક સગર્ભાને આજે બપોરે અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા તાત્કાલિક કારમાં બેસાડી નજીકના દવાખાને લઈ જવા નીકળ્યા હતા. ત્યારે જ રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી. બસ ઇચ્છાપોર આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર પહોંચતાની સાથે જ બુમાબુમ કરી પરિચારિકાઓ પાસે સ્ટેચર માગતા ન હોવાનો જવાબ સાંભળ્યો હતો. ત્યારબાદ કારમાં પ્રસુતિ થઈ હોવાનું કહેતા અમારી પાસે કોઈ સાધન ન હોવાનું જણાવી બીજે લઈ જાઓ એમ કહેવામાં આવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે આવું શરમ-જનક વાતો સાંભળ્યા બાદ આરોગ્ય કેન્દ્રમાં દોડી જતા કોઈ ડોક્ટર હાજર ન હતા. એટલું જ નહીં પણ કારમાં સગર્ભા માતા અને બાળક નાળ સાથે જોડાયેલી હાલતમાં પડી રહેલા જોયા બાદ પણ પરિચારિકાઓ મદદે આવી ન હતી. સાથી મજૂરણ બાઈ એ કહ્યું કે અમને બ્લેડ આપો અમે માતા અને બાળક વચ્ચેની નાળ કાપી કલેમ્પ કરી દઈએ, તો પરિચારીકા એ કહ્યું બ્લેડ પણ નથી, આ દરમિયાન પરિચારિકાઓ સાથે ઘર્ષણ થયા હોવાનો વિડીયો પણ બનાવી દેવાયો હતો

આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, ભર બપોરે બનેલી આ ઘટના બાદ 108માં ફોન કરતા 5-7 મિનિટમાં જ એમ્બ્યુઅલન્સ આવી ગઈ હતી અને કારમાં ઝઝુમતા સગર્ભા માતા અને બાળક વચ્ચેની નાળ કાપી બન્નેને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ જવા રવાના થઈ ગયા હતા. નવાઈની વાત એ હતી કે 108 ના કર્મચારીઓ ને કોર્ડ કલેમ્પ કરતા આવડતું હોય અને ભારત આયુષમાન આરોગ્ય કેન્દ્રની પરિચારિકાઓ ને ન આવડે એ કઈક અજીબ લાગ્યું, આ બાબતને ગંભીરતાથી લેવા જેવી છે.

Most Popular

To Top