સુરત ખાલી થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સુરત અને સુરત અને ઉધના રેલવે સ્ટેશને જોવા મળી રહ્યાં છે. કામદાર આગેવાનોનું કહેવુ છે કે સુરતમાં કોરોના સંક્રમણની બીજી લહેર પીક પર પહોંચતા હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને બેડ અને ઇન્જેક્શન મળી રહ્યાં નથી. સ્મશાન ભૂમિઓમાં મૃતદેહો માટે વેઇટિંગના દ્શ્યો સર્જાતા યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડના કામદારો ગભરાયા છે. ખાસ કરીને સુરતમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં પરિવારજનો સાથે રહેતા કામદારો મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યા છે. રેલ્વે દ્વારા કન્ફર્મ ટિકિટ થકી એક ટ્રેનમાં 1500 મુસાફરોની છૂટ આપવામાં આવી છે.
તે હિસાબે રોજ આશરે 10 હજાર કામદારો સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી વતને હિજરત કરી રહ્યા હોવાથી સુરત અને ઉધના સ્ટેશન પ્રવાસી કામદારોથી ઉભરાઇ રહ્યા છે. સુરત- ભાગલપુર,સુરત-મુઝફ્ફરપુર,ઉધના-દાનાપુર અમદાવાદ-પુરી, બાંદ્રા-લખનૌ, વડોદરા-વારાણસી મહાનામાં એક્સપ્રેસ, વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ, વલસાડ-પટના એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ અને હોલીડે સ્પેશલ ટ્રેનોમાં કામદારો મોટી સંખ્યામાં વતને જઇ રહ્યા છે.
જેને લીધે એપ્રિલ મહીનાની ટિકિટો માટે આઇઆરસીટીસીની વેબસાઇટ પર નોરૂમની સ્થિતિ જોવા મળી રહી છે.ઇન્ટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માની અને ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે સુરતમાં કોરોનાના કેસો ગયા વર્ષ કરતા ખુબ વધી ગયા છે. કેટલાક કામદારો પણ કોરોના સંક્રમણનો ભોગ બનતા હોસ્પિટલમાં તેમને બેડ મળ્યા નહતા.સારવાર વિના કેટલાક કામદારોના નિધન થતા કામદારોમાં ભયનો માહોલ છે. તે ઉપરાંત અખબારો અને ચેનલોમાં હોસ્પિટલની સ્થિતિના અહેવાલો અને સ્મશાનભૂમિના દ્રશ્યોથી પણ કામદારો ભયભીત બન્યા છે.
સપ્તાહમાં બે દિવસ પ્રોસેસિંગ,વિવિંગ યુનિટો બંધ રહેતા રોજગારીના પણ પ્રશ્નો ઉભા થયા છે. તેને લીધે ટ્રેનો મારફત મોટી સંખ્યામાં પલાયન થઇ રહ્યુ છે તે ઉપરાંત લગ્ઝરી બસ થકી પણ કામદારો વતને જઇ રહ્યા છે. આ સ્થિતિને રોકવા માટે સરકારી તંત્ર, ઉદ્યોગકારો અને કામદાર સંગઠનોએ મળીને પ્રયાસ કર્યાહતા. પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી છે. પલાયનનું એક કારણ વતને માતા-પિતા અને પરિવારજનો પરત આવવા માટે સતત ફોન કરી રહ્યા છે. તેને લઇને તેઓ ગામ જઇ રહ્યા છે.
જેમની પાસે કન્ફર્મ ટિકિટ છે તેમનેજ પ્રવેશ આપીએ છે, વેઇટિંગ ટિકિટ વાળાને પરત મોકલીએ છે
રેલવેના નિયમ પ્રમાણે સુરતથી ઉપડતી ટ્રેનમાં જે 1500 પેસેન્જર પાસે કન્ફર્મ ટિકિટ હોય છે. તેમને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ આપીએ છે. વેઇટિંગ ટિકિટવાળાઓને પરત મોકલવામાં આવે છે.
દિનેશ શર્મા- સ્ટેશન ડાયરેક્ટર, સુરત
કોરોનાના કહેરને લીધે પરપ્રાંતિય વિસ્તારોમાં કામદારોએ 30 ટકા રૂમો ખાલી કર્યા
સુરતમાં કોરોના બીજી લહેર વધુ જીવલેણ સાબિત થતા પાંડેસરા, બમરોલી,સચિન,ઉન,ઉધના, લિંબાયત, જીયાવ બુડિયા, નવાગામ, ડિંડોલી, કડોદરા, પલસાણા, વેડરોડ, ભરીમાતા ફુલવાડી સહિતના વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિય કામદારોએ પલાયન કરતા આ વિસ્તારોમાં કામદાર વસાહતોમાં 30 ટકા રૂમો ખાલી થઇ ગયા છે. તે દર્શાવે છે કે કોરોનાની બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાંથી દોઢ લાખથી વધુ કામદારો પલાયન કરી ગયા છે.