SURAT

ઘોડદોડ રોડ પર લોખંડની એંગલ તૂટી પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત

સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે દોઢ વર્ષની બાળકી પર લોખંડની એંગલ પડતાં મોત નીપજ્યું હતું. ગુરુવારે સવારે નવી બંધાતી બિલ્ડિંગની (Building) નીચે બાળકી રમી રહી હતી, તે સમયે ટેકો આપતી લોખંડની એંગલ તૂટી પડી હતી. જેથી બાળકીને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આવા બનાવમાં અનેકવાર કોન્ટ્રાકટરની બેદરકારી છતી થતી હોય છે, તેમ છતાં કોઈપણ પગલાં લેવામાં આવતા નથી.

  • ઘોડદોડ રોડ પર લોખંડની એંગલ તૂટી પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત
  • શ્રમજીવી દંપતીની બાળકી નિર્માણાધીન બિલ્ડિંગ નીચે રમી રહી હતી, એંગલ સ્લીપ થઈને બાળકીના ગળાના ભાગે પડતાં પ્રાણપંખેરૂં ઊડી ગયા

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ દાહોદના વતની અને હાલ ઘોડદોડ રોડ રામચોક પાસે સુભાષનગરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં, પંકજ મેઢા પત્ની રવિના અને એકના એક સંતાન વૈશાલી (દોઢ વર્ષ) સાથે રહીને ત્યાં જ મજૂરી કામ કરે છે. ગુરુવારે સવારે પંકજ અન્ય સાઈટ પર કામ અર્થે ગયો હતો. ત્યારે રવિના મજૂરી કામ કરી રહી હતી. તે સમયે વૈશાલી ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે રમી રહી હતી. ત્યારે ત્યાં બાજુમાં અન્ય વસ્તુને ટેકો આપવા માટે લોખંડની એંગલ મૂકવામાં આવી હતી, તે એંગલ સ્લીપ થઈને વૈશાલીના ગળાના ભાગે પડી હતી. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી.

તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બાંધકામ સાઈટ પર બનતી આવી દુર્ઘટનામાં અનેકવાર કોન્ટ્રાકટરની બેદરકારી છતી થતી હોય છે, તેમ છતાં તેમના વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવતા નથી.

Most Popular

To Top