Dakshin Gujarat

દમણ જતાં અંકલેશ્વરના પરીવારની કાર ચલથાણ નહેરમાં ખાબકી: પાણીમાંથી માથુ બહાર કાઢી બચાવોની બુમો પાડી

પલસાણા: (Palsana) અંકલેશ્વરથી એક પરીવાર સોમવારે રાત્રીના સમયે સ્વીફ્ટ કાર (Car) લઇ દમણ (Daman) જઇ રહ્યો હતો. ત્યારે ચલથાણ નજીક નેશનલ હાઇવનેની (National Highway) બાજુમાં આવેલી નહેરમાં અચાનક કાર ખાબકી હતી. જેને લઇ કાર સહિત પરીવારના પાંચ સભ્યો પાણીમાં પડ્યા હતા. ડીડોલી ફાયર ફાયટરની ટિમ (Fire Department) ઘટના સથળે પહોંચી ગાડીમાંથી તમામ સભ્યોને બહાર કાઢી દેતા મોટી જાનહાની ટળી જવા પામી હતી.

  • બુમ સાંભળી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા, પોલીસને પોલીસને જાણ કરી
  • ડિંડોલી ફાયર વિભાગને જાણ કરતાં લાશ્કરોએ તમામને કારમાંથી બહાર બચાવી લીધા

અંકલેશ્વરનો એક મુસ્લિમ પરિવાર સોમવારે સ્વીફ્ટ કાર નંબર ડીએન ૦૯ એચ ૧૫૯૯માં દમણ જઈ રહ્યો હતો. કારમાં અજીમખાન (ઉ.વ ૫૦), સુમૈયાખાન (ઉ.વ ૪૨), સ્વયા ખાન (ઉ.વ ૨૧), આલીયા ખાન (ઉ.વ ૨૧) તથા સાહીન ખાન (ઉ.વ ૧૮) બેઠા હતા ત્યારે પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં મહાદેવ હોટલની સામેથી પસાર થતી વેળાએ ગાડી અચાનક બાજુમાં આવેલી નહેરમાં ખાબકી હતી. નહેરમાં પાણી વધુ હતું. જેથી ગાડીમાં ફસાયેલા ખાન પરિવારના પાંચેય સભ્યો જો ગાડીમાંથી નીકળે તો પાણીના પ્રવાહમાં તણાઇ જવાનો પણ ભય હતો. જેને લઇ પરીવારના તમામ સભ્યોએ પાણીની અંદરથી માથુ બહાર કાઢી બચાવ બચાવની બુમો પાડતા સ્થાનિક લોકો સહિત પોલીસની ટીમ પણ સ્થળ ૫૨ આવી હતી તેમજ ઘટનાની જાણ ડીંડોલી ફાયર બ્રિગેડની ટીમને થતાં તેઓ તરવૈયા સાથે તાત્કાલીક ઘટના સ્થળે આવી ખાન પરીવારના તમામ સભ્યોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

સર્વિસ રોડ પૂરો થતાં જ સીધી નહેર આવી જતાં વાહનચાલકોને ખ્યાલ ન રહેતા સીધા નહેરમાં ખાબકે છે
નહેર વિભાગે કે ગ્રીલ અને હાઈવે ઓથોરીટીએ સાઈન બોર્ડ લગાડવાની તસ્દી લીધી નથી

ચલથાણ ગામેથી પસાર થતાં નેશનલ હાઇવેની બાજુમાં બનાવેલો સર્વિસ રોડ આગળ જતા પુરો થઇ જાય છે અને તેની સામે જ સીધી નહેર આવી જાય છે. નહેર વિભાગે ત્યાં કોઇ ગ્રીલ મુકી નથી ને હાઇવે ઓથોરીટી દ્વારા ત્યાં કોઇ પણ પ્રકારનું સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. જેને લઇ રાત્રીના સમયે વાહન ચાલકને સામે આવેલી નહેરનો ખ્યાલ સુધ્ધા રહેતો નથી. જેને લઇ અગાઉ પણ રાત્રીના સમયે વૃદ્ધ દંપતીની ફોરવીલ ગાડી નહેરમાં ખાબકી હતી. સદ નસીબે તેઓનો પણ આબાદ બચાવ થયો હતો. ત્યારે હાઇવે તેમજ નહેર વિભગના અધિકારીઓ આ અંગે યોગ્ય કામગીરી કરાવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટળી શકે તેમ છે.

Most Popular

To Top