કોવિડ-૧૯ના બીજા મોજાને રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખાવતા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારથી લઇને પોલીસ વડાઓ સુધીના સત્તાવાળાઓને લોકોને ચૂપ કરી દેવા સામે અને મદદ માટેની તેમની અપીલોને તેઓ ઇન્ટરનેટ પર ખોટી ચિંતાઓ ફેલાવી રહ્યા છે એવું ધારી લઇને કાર્યવાહી કરવા સામે ચેતવણી આપી હતી. રોગચાળાની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને ખખડાવી હતી.
કોવિડ-૧૯ના રોગચાળા અંગે પોતે દાખલ કરેલ સુઓ મોટો કેસની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને દિલ્હીને માટે ઓક્સિજનનો પુરતો પુરવઠો પુરો નહીં પાડવા બદલ ખખડાવી હતી અને કહ્યું હતું કે તમે કશું કર્યા વિના ચપ્પટ બેસી રહી શકો નહીં. અમારો અંતરાત્મા હચમચી ગયો છે.
આપણે આપણા હાથે પ૦૦ મૃત્યુઓ જોઇ શકીએ નહીં. તમારે તાકીદે કશું કરવાનું છે અને દિલ્હીને ૨૦૦એમટી ઑક્સિજનની ઘટ પુરવાની છે. આ પ્રસંગે સરકાર તરફથી બોલતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હોસ્પિટલોમાં થતા બધા મૃત્યુઓ ઑક્સિજનની તંગીના કારણે થતા નથી ત્યારે બેન્ચે કહ્યું હતું કે કેન્દ્રની દિલ્હી તરફ બંધારણીય જવાબદારી છે, જે દિલ્હી દેશનો ચહેરો છે.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવિન્દ્ર ભટનો પણ સમાવેશ થતો હતો જે બેન્ચે દિલ્હી સરકારની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે કોઇ પણ રાજકારણ રમવું જોઇએ નહીં. દિલ્હી સરકારે સ્થિતિને હાથ ધરવા માટે કેન્દ્ર સાથે સહકાર કરવાનો છે. રાજકારણ ચૂંટણીઓ માટે છે પણ અત્યારે માનવીય કટોકટી છે. દરેકે દરેક જીવનને બચાવવાની જરૂર છે…કૃપા કરીને રાજકારણ બાજુએ રાખો અને કેન્દ્ર સરકાર સાથે વાત કરો. એમ બેન્ચે કહ્યું હતું.
સોશ્યલ મીડિયા પર લોકોનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ અદાલતની અવમાનના ગણાશે
યુપી સરકારે ઑક્સિજનની મદદ માગનારને જેલમાં પૂર્યો હતોઆજે સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે સોશ્યલ મીડિયા પર ત્રાટકવાના બનેલા બનાવો અંગે ગંભીર વલણ લીધું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર માહિતીના મુક્ત પ્રવાહ પર એ મદદ માટેની લોકોની હાકલ સામે પગલાં ભરવાનો કોઇ પણ પ્રયાસ અદાલતની અવમાનના ગણાશે. લોકો આવી રીતે મદદ માગીને ઇન્ટરનેટ પર ખોટી ચિંતાઓ ફેલાવી રહ્યા છે તેવું ધારી લઇને તેમની સામે પગલાં ભરવા સામે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવણી આપી હતી. સર્વોચ્ચ અદાલતની આ ટિપ્પણી એ સંદર્ભમાં ઘણી મહત્વની છે કે જ્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઑક્સિજન માટે ઇન્ટરનેટ પર મદદ માગનાર એક શખ્સ સામે ગુનો દાખલ કરી દીધો હતો.
સરકારે તમામ લોકોને મફત રસી આપવાનું વિચારવું જોઇએ, કેન્દ્ર જ રસી ખરીદે તો?
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોવિડ સામેના રસીકરણમાં તમામ લોકોને મફત રસી મળી રહે તે માટે સરકારે પ્રયાસ કરવા જોઇએ. દુર્ગમ વિસ્તારોમાં વસતા ગરીબોનું શું? તેમને ખાનગી રસી ઉત્પાદકોની દયા પર છોડી દેવાના છે? તેઓ રસી માટે નાણા ચુકવી શકે તેમ નથી એમ અદાલતે કહ્યું હતું. આરોગ્ય સિસ્ટમ પર આવતા દબાણ સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે આ માટે નિવૃત આરોગ્ય કર્મચારીઓને ફરી ભરતી કરી શકાય. ખાનગી રસી ઉત્પાદકોને એ નક્કી ન કરવા દેવાય કે કયા રાજ્યને કેટલો ક્વોટા મળવો જોઇએ. કેન્દ્રએ જાતે બધી રસી લઈને રાજ્યોને આપવી જોઇએ.
હૉસ્પિટલમાં દાખલ કરવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડો
અદાલતે કેન્દ્રને હૉસ્પિટલ્સમાં એડમિશન માટે રાષ્ટ્રીય નીતિ ઘડવા કહ્યું હતું અને હૉસ્ટેલો, મંદિરો, ચર્ચ અને અન્ય સ્થળોને કોવિડ કેર સેન્ટર બનાવવા સૂચવ્યું હતું.