કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય ભારતની સુપ્રિમ કોર્ટે પૂરાં ૬ વર્ષ પછી કર્યો છે, પણ આ ચુકાદા બાબતમાં સુપ્રિમ કોર્ટનાં પાંચ જજ સાહેબો એકમત થઈ શક્યાં નથી. સુપ્રિમ કોર્ટનાં કુલ પાંચ જજોની બેન્ચ દ્વારા નોટબંધીને પડકારતી ૫૮ અરજીઓની એક સાથે સુનાવણી કરવામાં આવી હતી. નોટબંધી સામે સુપ્રિમ કોર્ટમાં ૫૮ અરજીઓ આવી અને સુપ્રિમ કોર્ટ દ્વારા તેની સુનાવણી કરવામાં આવી તેના પરથી જ સાબિત થાય છે કે સરકારનો આ નિર્ણય અત્યંત વિવાદાસ્પદ હતો અને કાયદાની દૃષ્ટિએ પણ શંકારહિત નહોતો.
પાંચ જજોની બેન્ચ પૈકી ચાર જજોએ સરકારના નિર્ણયને કાયદેસરનો ગણાવ્યો છે, પણ એક જજે ભિન્ન મત વ્યક્ત કરતાં તે નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. જે ચાર જજો દ્વારા નોટબંધીના નિર્ણયને કાયદેસરનો ગણાવવામાં આવ્યો તેમણે પણ નોટબંધીના જે હેતુઓ હતા તે બર આવ્યા કે કેમ? તેની ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો હતો. મતલબ કે નોટબંધીના હેતુઓ બર આવ્યા તેવું સર્ટિફિકેટ તો સુપ્રિમ કોર્ટના તે ચાર જજોએ પણ નથી આપ્યું. ભિન્ન મત વ્યક્ત કરનારાં સુપ્રિમ કોર્ટનાં મહિલા જજ બી.વી. નાગરત્ને સોઈ ઝાટકીને લખ્યું છે કે ‘‘નોટબંધીનો નિર્ણય કાયદેસરની પ્રક્રિયા હાથ ધર્યા વિના લેવામાં આવ્યો હતો.’’
તેમના કહેવા મુજબ નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નહોતો લેવામાં આવ્યો, પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. તેના પર ચર્ચા-વિચારણા કરવા માટે માંડ ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કે પણ પોતાનું મગજ વાપર્યા વિના સરકારના નિર્ણયમાં મત્તું માર્યું હતું.’’ જો કે મહિલા જજે એટલું કબૂલ કર્યું છે કે નોટબંધી પાછળનો ઇરાદો ઉમદા હતો, પણ તે ઇરાદામાં સરકારને સફળતા મળી નથી. મહિલા જજ બી.વી. નાગરત્ને એટલું પણ કબૂલ કર્યું હતું કે ‘‘હવે નોટબંધીને રદ કરીને ઘડિયાળના કાંટા પાછા ફેરવવાનું શક્ય નથી.’’
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ પૂજા કરી શકે કે નહીં? તે બાબતમાં પણ સુપ્રિમ કોર્ટના બહુમતી જજો દ્વારા ચુકાદો હકારમાં આપવામાં આવ્યો હતો, પણ બેન્ચનાં એકમાત્ર મહિલા જજ ઇન્દુ મલહોત્રાએ મહિલાઓને પૂજા કરવાની અનુમતિ આપવાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. સબરીમાલાનો કેસ મહિલાઓના અધિકારો બાબતમાં હોવા છતાં સુપ્રિમ કોર્ટનાં વિદ્વાન મહિલા જજે મહિલાઓના અધિકારો કરતાં ધાર્મિક અધિકારોને સર્વોચ્ચ ગણ્યા હતા. આ ભિન્ન મતનો ચુકાદો યાદગાર રહેશે તેમ નોટબંધીની બાબતમાં સુપ્રિમ કોર્ટનાં વિદ્વાન મહિલા જજ બી.વી. નાગરત્નેનો મત પણ યાદગાર રહેશે, કારણ કે તેઓ સુપ્રિમ કોર્ટનાં સીટિંગ જજ છે. ભલે બાકીનાં ચાર જજો દ્વારા કેન્દ્ર સરકારનાં પગલાંને કાયદેસરનું ગણાવતાં દલીલ કરવામાં આવી હતી કે તે માટે રિઝર્વ બેન્ક સાથે ૬ મહિના સુધી ચર્ચા-વિચારણા ચાલી હતી. મહિલા જજે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર ૨૪ કલાકની ચર્ચાવિચારણા પછી કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે ૨૦૧૬માં નોટબંધી જાહેર કરી ત્યારે તેની પાછળના ત્રણ મુખ્ય હેતુઓ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંનો પહેલો હેતુ ચલણમાંથી કાળાં નાણાંની નાબૂદી કરવાનો હતો. આ હેતુ બર આવ્યો નથી. નોટબંધી પહેલાં ચલણમાં જેટલું કાળું નાણું હતું તેના કરતાં આજની તારીખમાં વધી ગયું છે. તેનું કારણ એ છે કે રાજકારણીઓને જ ભ્રષ્ટાચાર કર્યા વિના ચાલતું નથી અને તેના માટે કાળાં નાણાંની જરૂર પડે છે. નોટબંધી પછી શ્રીમંતો દ્વારા બેન્કોમાં જમા કરવામાં આવેલી અબજો રૂપિયાની ચલણી નોટો ક્યાંથી આવી?
તેની તપાસ જો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી હોત તો તેના થકી કાળું નાણું પકડાઈ શક્યું હોત અને ચલણમાંથી તેની બાદબાકી પણ થઈ ગઈ હોત, પણ રાજકારણીઓ તેવું ઇચ્છતા નહોતા. આ કારણે નોટબંધી પછી કાળું નાણું વધી ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવા પાછળનું બીજું કારણ ચલણમાં રોકડની લેવડદેવડ ઓછી કરવાનું આપવામાં આવ્યું હતું. તે બાબતમાં પણ નોટબંધી નિષ્ફળ ગઈ છે. નોટબંધી થઈ ત્યારે ચલણમાં ૧૭.૭૪ લાખ કરોડ રૂપિયાની નોટો હતી તે આજે વધીને ૩૨.૪૨ લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
નોટબંધી કરવા પાછળ ત્રીજું કારણ નકલી નોટોનું આપવામાં આવ્યું હતું, જેના વડે આતંકવાદીઓ શસ્ત્રો ખરીદતા હોવાનું કહેવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટના મતે ચલણમાં કુલ ૧૭.૭૪ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટો હતી તેની સામે માત્ર ૪૦૦ કરોડ રૂપિયાની જ નકલી નોટો હતી. માટે તેને નાબૂદ કરવા માટે આખા દેશને નોટબંધીની પીડામાંથી પસાર કરવાની જરૂર નહોતી. તેમ છતાં નોટબંધી કરવાનાં મુખ્ય કારણોમાં તેને ગણાવવામાં આવ્યું હતું. જો નોટબંધી કરવાથી નકલી નોટોનું દૂષણ ખતમ થઈ ગયું હોય તો આજની તારીખમાં આતંકવાદ પણ ખતમ થઈ ગયો હોત. જો આતંકવાદ ખતમ થઈ ગયો હોય તો કાશ્મીરમાં રોજ મૂઠભેડના સમાચારો ન આવતા હોત. આતંકવાદ ખતમ થયો નથી તે સૂચવે છે કે તેને ખતમ કરવામાં નોટબંધી નિષ્ફળ ગઈ છે.
આ રીતે નોટબંધી કરવા પાછળનાં ત્રણે ત્રણ કારણો ફ્લોપ પુરવાર થયાં હોવા છતાં સરકારે સુપ્રિમ કોર્ટની સમક્ષ બિનતાર્કિક દલીલ કરી હતી કે નોટબંધી સફળ થઈ છે. જોકે આ દલીલના જવાબમાં સરકારને સુપ્રિમ કોર્ટના ચાર જજ સાહેબોએ કહી દીધું હતું કે ‘‘નોટબંધી સફળ થઈ છે કે નિષ્ફળ? તેની ચર્ચા અમે કરવા માંગતાં નથી.’’ જો કે મહિલા જજ બી.વી. નાગરત્ને છોછ રાખ્યા વિના જાહેર કર્યું છે કે નોટબંધી નિષ્ફળ ગઈ છે. મહિલા જજે પોતાના ચુકાદામાં જાહેર કર્યું હતું કે ‘‘નોટબંધી ફોક કરી શકાય તેમ નથી, કારણ કે હવે ઘડિયાળના કાંટા પાછા મૂકી શકાય તેમ નથી. ’’ આ વિધાનમાં સુપ્રિમ કોર્ટના જજની મજબૂરી અને ભારતની ન્યાયપદ્ધતિની કફોડી હાલત નજરે પડે છે.
સરકાર દ્વારા ૨૦૧૬ની ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરવામાં આવી કે તરત જ કેટલાંક જાગ્રત નાગરિકો દ્વારા બંધારણની ભૂમિકા પર હાઈ કોર્ટોમાં અને સુપ્રિમ કોર્ટમાં તેને પડકારવામાં આવી હતી. ત્યારે હાઈ કોર્ટ કે સુપ્રિમ કોર્ટ દ્વારા આવા કેસની સુનાવણી કરવાનું ટાળવામાં આવ્યું હતું. તે દરમિયાન નોટો બદલવાની બાવન દિવસની મુદ્દત પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ મુદત વધારવા પણ કેટલાંક લોકો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યાં હતાં. તેમને પણ કોર્ટ દ્વારા કોઈ રાહત આપવામાં આવી નહોતી. છેવટે ૬ વર્ષ જ્યારે બધા ઘોડા તબેલામાંથી નાસી ગયા તે પછી ચુકાદો આપવામાં આવ્યો છે કે ઘોડાના માલિકે કંઈ ખોટું કર્યું નથી. જો તેણે ખોટું કર્યું તેવું સાબિત થાય તો પણ હવે તેને સુધારવાનો મોકો ક્યાં છે? તે મોકો સમય જતાં ઝૂંટવાઈ ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.