નવી દિલ્હી: જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે વિરોધ પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતા અંગે સવાલો ઉભા કરવામાં આવે છે. આ વખતે લોકસભા ઈલેક્શન પહેલાં એવું જ બન્યું છે. મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે બુધવારે સુપ્રીમ કોર્ટે (Supreme Courte OF India) ઈવીએમ ડેટા સાથે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લીપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી.
ટેક્નોલોજી સંબંધિત વધુ ચાર-પાંચ મુદ્દાઓની માહિતી લીધા બાદ કોર્ટે બીજી વખત નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એટલે કે હવે નિર્ણયની રાહ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા નિર્ણય આવી જશે તેવી ધારણા છે. સુપ્રીમમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે સ્પષ્ટ કહ્યું હતું કે અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી.
કોર્ટે કહ્યું કે અમે કોઈપણ અન્ય બંધારણીય સત્તાના કામકાજને નિયંત્રિત કરી શકતા નથી. ચૂંટણી પંચે અમારી શંકાઓ દૂર કરી છે. અમે તમારી વિચાર પ્રક્રિયા બદલી શકતા નથી. અમે શંકાના આધારે આદેશ જારી કરી શકતા નથી.
તમને જણાવી દઈએ કે હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારના માત્ર પાંચ મતદાન મથકોના EVM વોટ અને VVPAT સ્લિપ મેચ થાય છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ફક્ત પાંચ રેન્ડમલી પસંદ કરેલ EVM ને ચકાસવાને બદલે તમામ EVM મતો અને VVPAT સ્લિપ્સની ગણતરીની માંગ કરતી અરજી પર ECIને નોટિસ જારી કરી હતી.
બુધવારે સુપ્રીમ કોર્ટે ઈવીએમની કામગીરીને લગતા ચાર-પાંચ પ્રશ્નો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યા હતા. કોર્ટે કહ્યું કે અમને વધુ માહિતીની જરૂર છે. કારણ કે અમને મામલાના તળિયે એટલે કે ઊંડાણમાં માહિતી જોઈએ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું, અમે વારંવાર પૂછાતા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. અમને ફક્ત ત્રણ-ચાર સ્પષ્ટતા જોઈએ છે. અમે હકીકતમાં ખોટા બનવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી અમે સ્પષ્ટતા માટે પૂછવાનું વિચાર્યું.
એક અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પારદર્શિતા માટે ઈવીએમનો સોર્સ કોડ પણ જાહેર કરવો જોઈએ. આના પર જસ્ટિસ ખન્નાએ જવાબ આપતા કહ્યું હતું કે, સોર્સ કોડ ક્યારેય જાહેર ન કરાય. જો તે જાહેર થશે તો તેનો દુરુપયોગ થશે.
સુપ્રીમ કોર્ટે આ ચાર સવાલોના જવાબ માંગ્યા છે…
- કંટ્રોલ યુનિટ અથવા VVPAT માં કયું માઇક્રોકન્ટ્રોલર ઇન્સ્ટોલ કરેલ છે?
- શું માઇક્રોકન્ટ્રોલર એકવાર પ્રોગ્રામ કરવામાં સક્ષમ છે?
- EVM માં કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ ઉપલબ્ધ છે?
- ચૂંટણી પિટિશનની મર્યાદા 30 દિવસની છે અને તેથી EVMમાં ડેટા 45 દિવસ સુધી સંગ્રહિત થાય છે. પરંતુ કાયદા હેઠળ તેને સુરક્ષિત રાખવાની મર્યાદા 45 દિવસ છે. શું સંગ્રહ સમયગાળો વધારવાની જરૂર છે?