Columns

તેલંગાણાની કોંગ્રેસ સરકારને જંગલનો નાશ કરતાં સુપ્રીમ કોર્ટે અટકાવી

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના પ્રચંડ આંદોલનને પગલે હૈદરાબાદમાં ૪૦૦ એકરમાં ફેલાયેલા કાંચા ગાઝીબોવલીના જંગલને કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૭૩માં ઉત્તરાખંડમાં થયેલા ચિપકો આંદોલનની જેમ હૈદરાબાદ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલાં કાંચા ગાઝીબોવલીના જંગલને બચાવવા હજારો વિદ્યાર્થીઓ, સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ રસ્તા પર ઊતરી આવ્યાં છે. આ જંગલને હૈદરાબાદનાં ફેફસાં પણ કહેવામાં આવે છે.

તેલંગાણાની કોંગ્રસી સરકાર કાંચા ગાઝીબોવલી જંગલને કાપીને આઇટી પાર્ક બનાવવા માંગે છે. ૧૯૭૪માં જ્યારે હૈદરાબાદ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેને ફાળવવામાં આવેલી ૨,૩૦૦ એકર જમીનમાંથી ૪૦૦ એકર જમીનનો ભાગ કાંચા ગાઝીબોવલી જંગલ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેલંગાણા સરકારે આ જમીનના કેટલાક ભાગો બસ ડેપો, ટેલિફોન એક્સચેન્જ, IIT કેમ્પસ, ગાઝીબોવલી સ્પોર્ટ્સ સ્ટેડિયમ, શૂટિંગ રેન્જ વગેરેના નિર્માણ માટે ફાળવ્યા છે. વિવાદિત ૪૦૦ એકર જમીન ૨૦૦૩ માં તત્કાલીન સંયુક્ત આંધ્રપ્રદેશ સરકારે એક ખાનગી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મને સોંપી હતી, પરંતુ ઉપયોગ ન થવાને કારણે ૨૦૦૬ માં તે પાછી લેવામાં આવી હતી.

૧૯ જૂન, ૨૦૨૪ ના રોજ તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) એ આ જમીનના ઉપયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૨૪ જૂન, ૨૦૨૪ ના રોજ આઇટી પાર્ક બનાવવા માટે જમીન આપવા માટે એક કરાર થયો હતો અને જુલાઈ ૨૦૨૪ માં તેને ઔપચારિક રીતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ૩૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ બુલડોઝરો સાથે જ્યારે અચાનક જંગલ કાપવાનું કામ શરૂ થયું ત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણ પછી પોલીસે વિદ્યાર્થીઓને પણ કસ્ટડીમાં લીધા હતા.

આ કેસમાં નિવૃત્ત વૈજ્ઞાનિક કલાપાલ બાબુ રાવ અને પર્યાવરણીય સંગઠન વાટા ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદારોનો દાવો છે કે આ વિસ્તાર ડીમ્ડ ફોરેસ્ટની શ્રેણીમાં આવે છે. ડીમ્ડ ફોરેસ્ટને કાનૂની રક્ષણ મળે છે અને તેને કાપી શકાતું નથી. આ જંગલ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ દુર્લભ છોડ, ૨૩૩ પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર છે. કાંચા ગાઝીબોવલીના જંગલમાં ગેરકાયદેસર લાકડાં કાપવાનો વિરોધ કરવા સ્થાનિક ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યાં છે.

ગામલોકોનું કહેવું છે કે વનનાબૂદીને કારણે આ વિસ્તારનું ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે. વિકાસના નામે વનનાબૂદીને કારણે જંગલી પ્રાણીઓના કુદરતી રહેઠાણનો નાશ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ કોંગ્રેસ સરકાર પર રહેણાંક પ્રોજેક્ટ બનાવવા માટે જંગલો કાપવાનો આરોપ લગાવ્યો છે. હજારો ગ્રામજનોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અગ્રણી દેખાવકારોમાં અરવિંદ સાહુ, સીતારામ સૈની, સુભાષ સાહુ, ઉમેશ યાદવ, ભગવતી સૈની, રામ શંકર તિવારી, શોભનાથ પાંડે અને દેવી પ્રસાદ પાંડે સામેલ હતા. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વનનાબૂદી બંધ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પર્યાવરણ સાથે ચેડાં થવાને કારણે આ વિસ્તાર મોટા વિનાશ તરફ આગળ વધી રહ્યો છે.

વિશ્વના વિવિધ દેશોમાં વિકાસના નામે વૃક્ષો અને જંગલો આડેધડ કાપવામાં આવી રહ્યાં છે. આ જંગલો પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઘર જેવાં છે અને જ્યારે તેઓ નાશ પામે છે ત્યારે તેઓ માણસોની જેમ રડે છે. આવો જ એક કિસ્સો તેલંગાણાના હૈદરાબાદમાં જોવા મળ્યો. હૈદરાબાદનો આવો જ એક વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેણે લોકોનાં દિલ હચમચાવી નાખ્યાં છે. વિડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણાં બુલડોઝર રાત્રિના અંધારામાં જંગલ કાપી રહ્યાં છે. તે જ સમયે, પાછળથી ઘણાં મોર અને અન્ય પ્રાણીઓની ચીસોનો અવાજ સંભળાય છે. આ વિડિયો તેલંગાણાના હૈદરાબાદ શહેરની મધ્યમાં આવેલા પોશ વિસ્તાર ગાઝી બાવલી નજીકના જંગલનો છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં જંગલ કાપીને ઇમારતો બનાવવામાં આવશે. સત્તાવાળાઓએ આ જંગલ કાપવા માટે રજાઓનો સમય પસંદ કર્યો હતો. સ્થાનિક લોકો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ જંગલ કાપવાની અને વિકાસકાર્ય રોકવાની માંગણી કરી રહ્યાં છે.

સેંકડો એકરમાં ફેલાયેલું આ જંગલ રાત્રિના અંધારામાં શાંતિથી કાપવામાં આવી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃક્ષો કાપવાની શરૂઆત એવા સમયે થઈ હતી જ્યારે સતત રજાઓ હતી અને હૈદરાબાદ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઘરે ગયાં હતાં. આ લીલોતરી વિસ્તાર યુનિવર્સિટીની નજીક છે અને વિદ્યાર્થીઓ વનનાબૂદીનો વિરોધ કરી રહ્યાં હતાં. જ્યારે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માહિતી મળી કે અહીં જંગલ સાફ કરીને વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે ત્યારે તેઓએ તેનો વિરોધ શરૂ કર્યો.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રાત્રિના અંધારામાં અનેક બુલડોઝર અને કાપણી મશીનોનો ઉપયોગ કરીને જંગલ સાફ કરવામાં આવી રહ્યું હતું. આ કારણે, ત્યાં રહેતાં મોર અને અન્ય પ્રાણીઓ અને પક્ષીઓએ પોતાનું ઘર બરબાદ થતું જોઈને ચીસો પાડવા લાગ્યાં, જાણે કોઈ માણસ રડી રહ્યો હોય. તેલંગાણા હાઈકોર્ટે વિકાસ પ્રવૃત્તિઓ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. આ આદેશ ગુરુવારે આગામી સુનાવણી સુધી અમલમાં રહેશે.

ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ હૈદરાબાદ યુનિવર્સિટીને અડીને આવેલા કાંચા ગાઝીબોવલી ગામમાં ગ્રીન બેલ્ટ સાફ કરવાના મુદ્દાને લગતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હોર્ડિંગ્સ લગાવીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. હોર્ડિંગ્સ પર લખ્યું હતું, રાહુલ ગાંધી, કૃપા કરીને તેલંગાણામાં આપણાં જંગલો કાપવાનું બંધ કરો. અગાઉ ૩ એપ્રિલના રોજ, સુપ્રીમ કોર્ટે તેલંગાણાના કાંચા ગાઝીબોવલીના વન વિસ્તારમાં વૃક્ષો કાપવાની ઘટના પર સ્વતઃ નોંધ લીધી હતી અને તે સ્થળે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને મુખ્ય સચિવને ચેતવણી આપી હતી કે જો તેના આદેશનું પાલન નહીં કરવામાં આવે તો પરિણામો ભોગવવાં પડશે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ ક્રાઇસ્ટની બેન્ચે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. તમે કાયદો પોતાના હાથમાં ન લઈ શકો. આગામી આદેશો સુધી ત્યાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલાં વૃક્ષોના રક્ષણ સાથે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટની બેન્ચે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ને ૧૬ એપ્રિલ પહેલાં સ્થળની મુલાકાત લેવા અને તેનો રિપોર્ટ સુપરત કરવા પણ કહ્યું હતું. સ્થળની મુલાકાત લીધા બાદ તેલંગાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલનો અભ્યાસ કરતી વખતે બેન્ચે જણાવ્યું હતું કે અહેવાલમાં ખુલાસો થયો છે કે જંગલ વિસ્તારમાં મોટા પાયે વિકાસકાર્ય ચાલી રહ્યું છે. રજિસ્ટ્રારનો અહેવાલ અને તેમના દ્વારા મોકલવામાં આવેલા ફોટોગ્રાફ્સ ચિંતાજનક પરિસ્થિતિ રજૂ કરે છે. મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યાં છે અને લગભગ ૧૦૦ એકર વિસ્તારનો નાશ કરવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં કેટલાંક મોર, હરણ અને પક્ષીઓ પણ જોવા મળ્યાં હતાં. આ જમીન હૈદરાબાદના આઈટી હબમાં આવેલી છે અને ત્યાં હરિયાળી અને વન્ય જીવન માટે જગ્યાના અભાવ અંગે જાહેર ચિંતાઓને કારણે તે વિવાદનો વિષય બની ગઈ છે.

કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્રે તેલંગાણા સરકારને નોટિસ મોકલીને ૪૦૦ એકર જમીન પર વૃક્ષો કાપવા અંગે વાસ્તવિક અહેવાલ માંગ્યો છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા મંત્રીએ કહ્યું કે હૈદરાબાદમાં, એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. હું સમજી શકતો નથી કે રાજ્ય સરકારને તે વૃક્ષો અને લીલા વિસ્તાર સાથે કેવા પ્રકારની દુશ્મનાવટ છે કે તેમને રાત્રિના અંધારામાં ઓપરેશન હાથ ધરવું પડે છે. રાજ્ય સરકારે ૪૦૦ થી વધુ વૃક્ષો કાપી નાખ્યાં છે. મોર જેવી જંગલી પ્રજાતિઓને હાંકી કાઢવામાં આવી રહી છે અને તમે તે વિડિયો અને ફોટામાં જોઈ શકો છો. અમે મુખ્ય સચિવને નોટિસ મોકલી છે અને અમે વાસ્તવિક અહેવાલ પણ માંગ્યો છે. અમે ચોક્કસપણે આ બાબતે પગલાં લઈશું. તેલંગાણામાં હાલમાં કોંગ્રેસની સરકાર હોવાથી પણ ભાજપ આ જંગલ કાપવાનો વિરોધ કરી રહ્યો છે.
 આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top