સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને ઝટકો આપ્યો છે. કોર્ટે શિવકુમારની તે અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે અપ્રમાણસર સંપત્તિના કથિત કેસમાં સીબીઆઈ દ્વારા તેમની સામે નોંધાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી.
એવા અહેવાલ છે કે શિવકુમારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસ સામે વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટને તપાસ સમાપ્ત કરવાની માંગ કરી હતી. જો કે તેમની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એસસી શર્માની બેન્ચે કહ્યું કે તેઓ કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા તૈયાર નથી, તેથી શિવકુમારની અરજી ફગાવી દેવામાં આવે છે.
નોંધનીય છે કે શિવકુમારે અગાઉ CBI કેસ રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. હાઈકોર્ટે સીબીઆઈને આ કેસમાં તપાસ પૂર્ણ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું.
શું છે CBIના આરોપો?
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ડીકે શિવકુમારે 2013 અને 2018 વચ્ચે કોંગ્રેસ સરકારમાં મંત્રી તરીકે સેવા આપતાં તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ મેળવી હતી. સીબીઆઈએ આ મામલે 3 સપ્ટેમ્બર 2020ના રોજ કેસ નોંધ્યો હતો. જ્યારે ડીકે શિવકુમારે 2021માં આ બાબતને પડકારી હતી.
તમામ કૌભાંડો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ડીકે શિવકુમારે કહ્યું, “બધા કૌભાંડો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. ભાજપનો કાર્યકાળ કૌભાંડોનો જનક છે, તેથી લોકોએ તેમને બહારનો રસ્તો બતાવ્યો છે. હવે અમે બધું સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓ પચાવી શકતા નથી. કારણ કે તેમના નામ સામે આવી જશે.”