National

સુપ્રીમે 30 અઠવાડીયાની પ્રેગ્નેંટ 14 વર્ષીય રેપ પીડિતાને આપી ગર્ભપાતની પરવાનગી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે 22 એપ્રિલ, 2024ના રોજ એક મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે 14 વર્ષની રેપ પીડિત (Rape victim) કિશેરીને રાહત આપી હતી. તેમજ તેણીને 30 અઠવાડિયામાં તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપી છે. કોર્ટે આ નીર્ણય બળાત્કારના મામલાને ધ્યાનમાં રાખીને પ્રેગ્નન્સીના (Pregnancy) મેડિકલ ટર્મિનેશનની (Medical Termination) મંજૂરી ૨પી હતી.

પ્રાપ્ત વીગતો મુજબ CJI DY. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે બોમ્બે હાઈકોર્ટના આદેશને ફગાવી દેતા મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલના ડીનને પીડિતાના ગર્ભપાત માટે ડોકટરોની ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. અગાવની પિટિશનમાં 14 વર્ષની રેપ પીડિતાની માતાએ બોમ્બે હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેની પ્રેગ્નન્સીને સમાપ્ત કરવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.

તબીબી તપાસના ઓર્ડર
આ પહેલા પીડિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેની 28 સપ્તાહની પ્રેગ્નન્સીને સમાપ્ત કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે 14 વર્ષની કથિત બળાત્કાર પીડિતાની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બળાત્કાર પીડિતા દ્વારા તાત્કાલિક ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતો ઈ-મેલ સુપ્રીમ કોર્ટને પ્રાપ્ત થયો હતો. તેમજ તેની નોંધ લીધા બાદ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલાની બેન્ચે 19 એપ્રિલના રોજ લગભગ 4:30 વાગ્યે કેસની તાકીદની સુનાવણી હાથ ધરી હતી.

આ કેસમાં સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ રજૂઆત કરી હતી. તેમજ જો પીડિતાએ તબીબી ગર્ભપાત કરાવ્યો હોય અથવા તેને ન કરવાની સલાહ આપવામાં આવી હોય તો તેવી સ્થિતીમાં પીડિતાની શારીરિક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિ અંગે કોર્ટે રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટની માંગણી કોર્ટે મુંબઈની સાયન હૉસ્પિટલ પાસે કરી હતી.

28 અઠવાડિયાની ગર્ભવતી હતી કિશોરી
સર્વોચ્ચ અદાલતે બાળકીની માતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો જેણે ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે કહ્યું હતું કે સગીર 28 અઠવાડિયાની ગર્ભવતી છે અને હાલમાં તે મુંબઈમાં છે.

MTP એક્ટ શું છે?
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, પરિણીત મહિલાઓ તેમજ મહિલાઓની વિશેષ શ્રેણીઓ માટે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મહત્તમ મર્યાદા 24 અઠવાડિયા છે. જેમાં બળાત્કાર પીડિતા અને અન્ય સંવેદનશીલ મહિલાઓ જેમ કે અપંગ અને સગીરાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top