World

તેઓ મને જેલમાં પૂરી દેશે, મને મારી નાંખશે…. ઈમરાન ખાને એક વીડિયો શેર કરી જણાવી આ વાત

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) રાજકારણમાં આ સમયે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધી રહી છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે પોલીસ લાહોર સ્થિત તેના ઘરે પહોંચી હતી ત્યારે તેના સમર્થકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ પછી ઈમરાન ખાને મોડી સાંજે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના સહકર્મચારી તેમજ તેને સપોર્ટ કરનારાઓને એક સંદેશો આપતા હોય તેવું જણાયું હતું. ઈમરાને ખાને જે વીડિયો શેર કર્યો તે તેમાં કહે છે કે પોલીસ મારી ધરપકડ કરવા આવી છે. તેઓને લાગે છે કે જો ઈમરાન ખાન જેલ જશે તો જનતા શાંતિથી સૂઈ જશે. તમારે તેમને ખોટા સાબિત કરવાના છે. તમારે એ સાબિત કરવું પડશે કે આપણી કોમ હજું પણ જીવે છે. તેનો સંદેશો આપતા તેણે ટ્વિટ કર્યું કે હકીકી આઝાદી અને કાનૂનના શાસક માટે દૃઢ રહેવા તેમજ રાષ્ટ્ર માટે લડવા માટે હું મારો આ સંદેશો પાઠવું છું.

ઈમરાને આગળ કહ્યું કે તમારે તમારા અધિકારો માટે લડવું પડશે. તમારે રસ્તાઓ ઉપર આવવું પડશે. હું મારી લડાઈ લડી રહ્યો છું. હું મારી આખી જીંદગી સાચી વાત માટે લડયો છું અને આગળ પણ લડીશ. પણ જો મને કઈ થઈ જાય છે અને મને જેલમાં નાખી દેવામાં આવે છે કે મને મારી નાખવામાં આવે છે તો તમારે એ સાબિત કરવાનું રહેશે કે તમે ઈમરાન ખાન વગર પણ લડી શકો છો.

તમને જણાવી દઈએ કે તોશાખાના કેસમાં મહિલા જજને ધમકી આપવા અને કોર્ટમાં હાજર ન થવા બદલ ઈમરાન ખાન વિરુદ્ધ બે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યા છે. એટલા માટે તેમના પર લાંબા સમયથી ધરપકડની તલવાર લટકી રહી છે.

ગઈકાલે ઈસ્લામાબાદ પોલીસ હેલિકોપ્ટર મારફતે ઈમરાનની ધરપકડ કરવા પહોંચી હતી. પરંતુ ખૂબ જ ચતુરાઈથી ઈમરાન પોતાનું ઘર પણ છોડીને સીધો એક રેલીને સંબોધવા પહોંચી ગયો હતો. સમર્થકોની ભીડ વચ્ચે પૂર્વ પીએમને પકડવો પણ પોલીસ માટે મુશ્કેલ બની ગઈ હતી. ત્યારે હવે મંગળવારે ફરી પોલીસ એ જ પ્રયાસમાં છે. કોઈપણ ભોગે ઈમરાનની ધરપકડ કરવા માંગે છે. પરંતુ સમર્થકોએ પોલીસનો રસ્તો રોકી દીધો છે. ઘણા યુવાનો હાથમાં લાકડીઓ લઈને પોતાના નેતાની સુરક્ષામાં ઉભા રહ્યા છે.

આ સમર્થન પર મરિયમ નવાઝ શરીફે કહ્યું છે કે જો કોઈ પોલીસકર્મી ઘાયલ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઈમરાન ખાનની હશે. આ સમયે પોલીસ અને સમર્થકો બંને સામસામે ઉભા છે. મોટી હિંસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસ વિશે વાત કરતા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઈસ્લામાબાદની જિલ્લા અદાલતના સેશન્સ જજ ઝેબા ચૌધરીને ધમકી આપી હતી. ઈમરાન ખાને મહિલા જજ જેબા ચૌધરીને ધમકીભર્યા સ્વરમાં ધમકાવ્યા હતા..

તમને જણાવી દઈએ ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીના નેતા શાહબાઝ ગિલની ગયા વર્ષે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે 17 ઓગસ્ટે પોલીસે તેમના રિમાન્ડ વધારવાની માગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. શાહબાઝ ગિલના રિમાન્ડ લંબાવવાનો નિર્ણય જેબા ચૌધરીએ આપ્યો હતો, જેનાથી ઈમરાન ખાન નારાજ થયા હતા. ઈમરાન ખાને પાછળથી એક રેલીમાં કહ્યું હતું કે ન્યાયાધીશ જેબા ચૌધરીને ખબર હતી કે તેમની પાર્ટીના નેતા શાહબાઝ ગિલને જેલમાં ત્રાસ આપવામાં આવ્યો હતો પરંતુ તેમને જામીન આપ્યા ન હતા. આ પછી ઈમરાને જેબા ચૌધરીને ‘જોઈ લેવા’ની ધમકી આપી હતી.

જો કે, ઈમરાન ખાનની વધતી મુશ્કેલીની વાત કરીએ તો, જ્યારથી પાકિસ્તાનમાં સરકાર બદલાઈ છે અને તેમને તેમનું વડાપ્રધાન પદ ગુમાવવું પડ્યું છે, ત્યારથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેઓ શાહબાઝ સરકાર અને પૂર્વ આર્મી ચીફ બાજવા પર ગંભીર આરોપ લગાવે છે. તેમની માંગ છે કે પાકિસ્તાનમાં જલદી ચૂંટણી થવી જોઈએ. આ અંગે તેઓએ આઝાદ માર્ચ પણ કાઢી છે. તેના પર એક વખત જીવલેણ હુમલો પણ થયો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની રાજનીતિમાં આ સમયે જે કંઈ પણ ચાલી રહ્યું છે તેમાં માત્ર ઈમરાન જ ચર્ચાનો વિષય છે. હવે જો તેની ધરપકડ થાય છે તો તે તેની પાર્ટી પીટીઆઈ માટે મોટો ફટકો હશે. તેમની પાર્ટી તેમના નેતૃત્વ પર સંપૂર્ણપણે નિર્ભર છે, તે તેમની સૂચનાઓ પર ચાલે છે.

Most Popular

To Top