સુરત: સપ્લિમેન્ટરી બિલની (Supplementary Bill) વસૂલાતનો મામલો સ્થાનિક કોર્ટમાં પડકારવામાં આવ્યા પછી સચિન જીઆઇડીસી નોટિફાઇડ તંત્રએ સપ્લિમેન્ટરી બિલની વસૂલાતની મુદતમાં એક મહિનાનો વધારો કરી 31 ઓક્ટોબર કરી છે. નાણાકીય વર્ષની એક બિલિંગ સાઇકલમાં મિલકત વેરાનાં બે જુદાં જુદાં બિલની વસૂલાત જીઆઇડીસીના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે.
સચિન જીઆઈડીસીમાં સંકલિત મિલકત વેરા 25 ટકા વધારા સાથેનું બિલ મોકલ્યા પછી 25 ટકાનો વધારો મોકૂફ રાખવાની માંગ કરનાર ઉદ્યોગકારોને મિલકતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલા બાંધકામ માટે બીજું લાખોનું સપ્લિમેન્ટરી બિલ જૂની અસરથી મોકલી દેવામાં આવ્યું હતું. સપ્લિમેન્ટરી બિલ ભરવા અંગેની છેલ્લી તારીખ જે 30 સપ્ટેમ્બર-2022 હતી તેને નોટિફાઇડના ચીફ ઓફિસર દ્વારા એક મહિનો લંબાવવામાં આવી છે હવે બિલ ભરવાની આખરી તારીખ 31 ઓક્ટોબર 2022 થઈ છે.
જો કે, રેગ્યુલર બિલ (ચાલુ વેરા બિલ) 30 સપ્ટેમ્બર-2022 સુધીમાં જ ભરી દેવું પડશે. એમાં કોઈ રાહત આપવામાં આવી નથી. જીઆઇડીસીના ઉદ્યોગકાર દ્વારા આ મામલાને સુરતની સિવિલ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં જીઆઇડીસીના ચીફ નોટિફાઇડ ઓફિસર વતી હાજર રહેલા એડ્વોકેટે બિલની રકમની ગણતરી, પુરાવા ભેગા કરવા અને જીઆઇડીસીની વડી કચેરીથી ડોક્યુમેન્ટ મેળવવા સમય માંગતાં કોર્ટે 12 ઓક્ટોબરે સુનાવણી નક્કી કરી છે. 30 સપ્ટેમ્બર સપ્લિમેન્ટરી બિલ ભરવાની આખરી તારીખ હોવાથી કોર્ટે 12 ઓક્ટોબર સુધી કોઈ પેનલ્ટી દંડ નહીં વસૂલવા વચગાળાનો આદેશ આપ્યો છે. જો કે, તંત્રએ હવે 31 ઓક્ટોબર સુધી બિલ ભરવા રાહત આપી છે.
સપ્લિમેન્ટરી બિલ અંગે સુરતની ચીફ કોર્ટમાં જીઆઇડીસીએ સપ્લિમેન્ટરી બિલની વસૂલાત માટે પુરાવા રજૂ કરવા સમયની માંગણી કરતાં કોર્ટે 12 ઓક્ટોબરની તારીખ વધુ સુનાવણી રાખી છે. સપ્લિમેન્ટરી બિલ અંગે અરજદાર નીલકંઠ ફેબ ઉપર કોઈપણ જાતની પેનલ્ટી ચઢાવશું નહીં કે બિલ ભરવા અંગે દબાણ કરીશું નહીં એવી ખાતરી જીઆઇડીસીના નોટિફાઇડ તંત્રએ આપી છે.