તા. 16.1.22 ના ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં દિનેશ પંચાલની જીવનસરિતાને તીરે કોલમમાં અંધશ્રધ્ધાની અનુક્રમણિકા શીર્ષક હેઠળનો એમનો લેખ વાંચ્યો. એમણે 13 ના આંકડા અંગે વાત કરી છે. એ આંકડાને અપશુકનિયાળ ગણવામાં આવે છે. મારી જ વાત કરું તો મેં સુઝૂકી મોટર સાયકલ ખરીદ્યું હતું તેનો નંબર 616 હતો જેનો ટોટલ સરવાળો 13 થતો હતો. હું એમાં (અંધશ્રધ્ધા વહેમમાં) માનતો ન હતો. કેટલાકે મને કહ્યું એને વેચતી વખતે કોઇ ખરીદવા તૈયાર થશે નહીં. પરંતુ 13 જ મહિનામાં મેં એ વાહન બીજાને વેચી દીધું એની મૂળ કિંમતે અને એ રૂપિયાથી એક ઘરનો સોદો કરી ઘર ખરીદ્યું અને હું પોતાની માલિકીના ઘરમાં રહેતો થયો હતો. જો તમે મનોબળ મજબૂત રાખો તો કંઇ જ થતું નથી.
લેખકે નવરાત્રીમાં એક ધુણતા યુવાનની વાત કરી છે તો એને માટે એક વાત કહેવાય છે કે ભુવો ધૂણે ખરો પણ નાળિયેર તો એના ઘર તરફ જ ફેંકે. ભારતની પ્રજા ભુતભુવાવાળાથી છેતરાય છે અને હજારો રૂપિયા ગુમાવે છે. લગ્ન બાબતમાં પણ મારી જ વાત કરું તો મારી જન્મ કુંડળી મારા વાલીએ કઢાવી ન હતી અને મારા લગ્ન જેની સાથે થયા તેની જન્મ કુંડળી પણ ન હતી. મારા એક સગાની વાત કરું તો છોકરીવાળાએ કહ્યું હતું કે જન્માક્ષર મળતા આવતા નથી. પરંતુ બીજે વર્ષે એ જ છોકરીવાળા આવ્યા ને મારા સગાના છોકરાના લગ્ન થયા. અત્યારે લહેરથી જીવે છે. ના પાડવી હોય તો બહાનું કાઢવા માટે જન્મકુંડળી એક સાધન બની શકે છે. વહેમનું ઓસડ હોતું નથી. આથી વહેમને જડમૂળથી ઉખેડી નાંખવો જોઇએ.
નવસારી – મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.