બોરસદ : બોરસદ તાલુકાના ઝારોલા ગામે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ સાથે વડીલોને માન સન્માન અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વડીલોનો વિસામો ‘સાંજ’ નિર્માણ કરેલ છે. આવું પ્રેરણાદાયી કાર્ય કરતાં ઝારોલા ગામ અને આસપાસના વિસ્તારના 65થી વધુ ઉંમરના વડીલો માટે નિવૃતિમય જીવન પણ હવે ખુબ સુખરુપ આનંદભર્યુ બની રહ્યું છે.
ઝારોલા ગામના સરપંચ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝારોલા ગામના જશભાઈ પરસોતમભાઈ પટેલ મુખી પરિવારના શંભુભાઈ પટેલે દેશ વિદેશમાં રહીને આઇ ટી કન્સલ્ટિંગનો વ્યવસાય ખુબ બહોળા પ્રમાણમાં વિકસાવેલી છે. આ દરમિયાન શંભુભાઈ પટેલને વતન માતૃભુમી ઝારોલા અને તમામ ગ્રામજનો પ્રત્યે સહાનુભૂતિ અને આદરભાવ રહ્યો છે. સમયાંતરે વતન માટે સખાવત કરેલ છે. તેમાં વડીલોનો વિસામો નિર્માણ કરી વતન પ્રત્યેની ફરજ અને જવાબદારી કર્તવ્ય વધુ એકવાર પુર્ણ કરેલ છે.
મુખી પરિવારના અગ્રણી ગિરિશભાઈ પટેલે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, વડીલોનો વિસામો નિર્માણ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલોને દરરોજ પૌષ્ટિક ઉપાહાર અને આહાર નિયમિત રીતે આપવામાં આવે છે. તેમજ દરેક વડીલોને પોતાની રસરુચિ મુજબ વાંચન મનોરંજન પ્રાપ્ત થાય તે માટે ટીવી હોલ અને વાંચનાલયની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાયેલ છે. દિવસભર દરેક વડીલોને અરસ પરસ વિચાર વિનિમય અને ગોષ્ઠી પણ કરી શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા અને કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવનાર છે. વડીલોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે પણ વડીલોનો વિસામો ખાતે જ નિયમિત રીતે તબીબી નિદાન શિબિર આયોજિત કરવામાં આવે છે.
જેથી જરૂરિયાતમંદ વડીલોને સમયસર સારવાર મળી રહે છે. તદુપરાંત ઉપસ્થિત તમામ પોતપોતાની અનુકુળતા મુજબ પ્રાકૃતિક વાતાવરણમાં હરી ફરી શકે તે માટે બગીચો બનાવાયેલ છે . બગીચા ફરતે રોશની સાથે વોક વે બનાવાયેલ છે તેના પર સવાર સાંજ ચાલવા માટે પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.લોકસેવાના આ પુણ્યશાળી કાર્યમાં સેહુલભાઈ પટેલ જયભાઈ પટેલ સહિત જશભાઈ પટેલ મુખી પરિવારના તમામ સભ્યો યોગદાન આપ્યું છે. વડીલોનો વિસામો એકદંરે નિવૃતિમાં પણ પ્રવૃત્તિમય રહેવા માટે નું ઉત્તમ અને ઉપયોગી સંપૂર્ણ સુવિધા સજ્જ આનંદાલય બની રહે તેવો હેતુ સિદ્ધ કરવા માટે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ઝારોલા સતત કાર્યરત છે.