Trending

આજે સુપરમૂન: સામાન્યથી 14 ટકા મોટો ચંદ્ર નિહાળવાનો લ્હાવો

આજ રોજ તા. ૧૭ મી ઓકટોબરના રોજ શરદ પૂર્ણિમા પછી સુપર મુનની ઘટના નિહાળવાનો મોકો છે. શરદ ઋતુ અને અશ્વિન માસમાં અશ્વિની નક્ષત્રમાં રહેલ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવે છે. જે બાબતે લોકોમાં કેટલીક શંકા, ઉત્કંઠા તથા જીજ્ઞાસા છે પ્રસ્તુત લેખમાં પ્રશ્નો અને તેના જવાબ દ્વારા ઘટનાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

સુપર મુન એટલે શું?
ચન્દ્ર પૃથ્વીની આસપાસ ગોળાકાર નહીં પણ અંડાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. આથી ચન્દ્ર અને પૃથી વચ્ચેનું અંતર હમેશાં એક સરખું રહેતું નથી. ચન્દ્ર પૃથ્વીની નજીક આવે તેને ખગોળની ભાષામાં પેરિજી (નીચ બિંદુ) કહેવાય છે અને જ્યારે તે સૌથી દૂરના બિંદુએ હોય ત્યારે તેને એપિજી (ઉચ્ચ બિંદુ) કહેવામાં આવે છે. ચન્દ્ર 27.3 દિવસમાં પૃથ્વીની પરિક્રમા પુરી કરતો હોઈ દર માસે એક વખત પૃથ્વીની નજીક અને દૂર આવતો હોય છે. જ્યારે કોઈ પદાર્થ આપણી આંખની નજીકના અંતરે હોય ત્યારે તેનું કદ મોટું જણાય છે અને જો તે દૂર હોય તો તેનું કદ નાનું દેખય છે. ચન્દ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય તે દિવસે જો પૂનમ હોય તો અન્ય પૂનમના દિવસોએ દેખાતા ચન્દ્ર કરતાં તેનું કદ મોટું દેખાય છે. આ ઘટનાને સુપર મુનની ઘટના કહેવાય છે. અન્ય કોઈ દિવસોએ ચન્દ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે પણ તેનું કદ મોટું દેખાય પરંતુ તે વખતે આખો ચંદ્ર દેખાતો ન હોઈ આપણું ધ્યાન જતું નથી. ચંદ્રનું કદ કેટલું મોટું દેખાશે તેનો આધાર ચન્દ્ર પૃથ્વીથી કેટલો નજીક આવ્યો છે તેના ઉપર રહેલો છે. ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર ૩,૮૪,૪૦૦ કિ,મી, છે. ૧૭ મી ઓકટોબરના રોજ સાંજે ૬ .૦૦ વાગે ચન્દ્ર પૃથ્વીથી ૩,૫૭,૪૧૪ કિ.મી. હશે જે સામાન્ય અંતર કરતાં ૨૬,૯૮૬ કિ,મી, જેટલું નજીક હશે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ઓછામાં ઓછું અંતર તા. ૧૭ મી ઓકટોબરના રોજ સવારે ૬ વાગીને ૩૨ મિનિટે હતું. તે વખતે આ અંતર ૩,૫૭,૧૬૪ કિમી હતું જે ૨૫૦ કિમી ઓછું હતું. એટલે ટેકનીકલી સુપર મૂનની ઘટના સવારે બની ગઈ છે પરંતુ આજે રાત્રે એટલે કે સુર્યાસ્ત બાદ પણ ચંદ્ર મોટું કદ જોઈ શકાશે!

શું સુપરમૂન વખતે ચંદ્રનો આકાર ખરેખર મોટો દેખાય છે?
સામાન્ય રીતે ખ્યાલ આવશે નહીં, સિવાય કે તમે ચંદ્રનો નિયમિત અભ્યાસ કરતા હો. પરંતુ … શું સુપરમૂન સામાન્ય પૂર્ણ ચંદ્ર કરતાં વધુ તેજસ્વી દેખાય છે? હા! નોંધનીય માત્રામાં. તે એટલા માટે કે સુપરમૂન સરેરાશ કદના ચંદ્રના બિંબ કરતાં ૮% મોટો દેખાય છે અને તેની તેજસ્વીતા લગભગ 16% થી વધી જાય છે. જ્યારે માઇક્રો-મૂન (એક વર્ષનો સૌથી દૂરનો અને તેથી સૌથી નાનો પૂર્ણ ચંદ્ર) ના બિંબના કદ કરતાં સુપર મૂન ના બિંબનું કદ 14% સુધી અને તેજસ્વીતા લગભગ 30% થી વધી જાય છે. તેથી, પૂર્ણ સુપરમૂનની રાત્રે શહેરની લાઇટ થી દૂર જાઓ. તો તમને સુપરમૂન અસાધારણ રીતે તેજસ્વી હોવાનું તમે જોઈ શકશો!!

સુપરમુનને કારણે કોઈ અનિચ્છનિય ઘટના બને ખરી? દરિયામાં સુનામી કે વધુ ભરતી ઓટની શક્યતા ખરી?
સુપર મુન સમયે સુર્ય, પૃથ્વી અને ચન્દ્ર સીધી લીટીમાં આવતા હોવાથી તથા ચન્દ્ર પૃથ્વીની ખુબ નજીક હોવાથી દરિયામાં આવતી ભરતીનું પ્રમાણ થોડું વધારે હશે. સામાન્ય રીતે પુનમ-અમાસના આવતી મોટી ભરતી કરતાં તેનું પ્રમાણ સાધારણ વધારે હશે. આ સિવાય બીજી કોઈ અસર કે નુકશાન સુપરમુનના કારણે થતું નથી. આગાહીકારોની ભયજનક આગાહી કે કોઈ વ્યક્તિ વિશેષ માટે કરવામાં આવતા વરતારા ઉપર ધ્યાન આપ્યા વગર ખગોળીય ઘટનાનો આનંદ લેવો જોઈએ. સામાન્ય રીતે દર માસે એક વખત ચન્દ્ર પૃથ્વીની નજીક તેમજ દુર આવતો હોય છે પરંતુ ચન્દ્રમાનું નજીક આવવું અને તે સમયે પુનમનું હોવુ એ એક સંયોગ હોઈ લોકોનું ધ્યાન વિશેષ પણે ખેંચાય છે. જેથી કોઈ અફવા ઉપર ધ્યાન આપ્યા વગર આ ઘટનાને માણવી જોઈએ.

આ ઘટનાનું મહત્વ શું ?
આ ઘટના સામાન્ય જનો માટે કુતુહલનો વિષય છે. જ્યારે ખગોળ રસિકો માટે ચન્દ્રનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ટેલિસ્કોપ ઉપર મુન ફિલ્ટર લગાવી ચન્દ્રના ખાડા (ક્રેટર), પહાડો, મારિયા નું અવલોકન સારી રીતે કરી શકાય છે. તો એસ્ટ્રો ફોટોગ્રાફીના શોખીનો માટે પણ સુંદર દ્રશ્યો કચકડે કંડારવાની સુવર્ણ તક ગણી શકાય.

Most Popular

To Top