ટોક્યો: છ વારની વર્લ્ડ ચેમ્પિયન (World champion) એમ સી મેરીકોમે (Mary kom) અહીં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સ બોક્સિંગ (Boxing)ની 51 કિગ્રાની કેટેગરીમાં ડોમિનિકા પ્રજાસત્તાકની મિગુએલિના હર્નાન્ડિઝ ગાર્સિયા પર પ્રભાવક જીત (Victory)ની સાથે પ્રી ક્વાર્ટર ફાઇનલ (Quarter final)માં પ્રવેશ કરી લીધો હતો, જો કે જેની પાસે મેડલની આશા હતી તે મનીષ કૌશિક માટે 63 કિગ્રાની કેટેગરીમાં ઓલિમ્પિક્સમાં ડેબ્યુ નિરાશાજનક રહ્યું હતું અને તે પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ ગયો હતો.
લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ મેરીકોમે પોતાનાથી 15 વર્ષ જૂનિયર અને પેન અમેરિકન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ ગાર્સિયાને 4-1થી હરાવી હતી. મેરીકોમ રવિવારે રિંગમાં ઉતરનારી પહેલી ભારતીય બોક્સર હતી અને તેની બાઉટ શરૂઆતથી જ રોમાંચક રહી હતી. 38 વર્ષની મણીપુરી બોક્સરે કેટલીક પ્રભાવક ટેક્નીક દાખવીને ગાર્સિયાના આકરા પડકારનો અંત આણ્યો હતો. પહેલા રાઉન્ડમાં મેરીકોમે પોતાની હરીફને ઓળખવાનો સમય લીધો હતો પણ તે પછી આ અનુભવી બોક્સરે ત્રીજા રાઉન્ડની ત્રણ મિનીટમાં જ આક્રમકતા દાખવી હતી. તેણે પોતાના પ્રભાવક રાઇટ હુકથી સમગ્ર બાઉટ દરમિયાન પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
મેરીકોમે ગાર્સિયાને પોતાના તરફ આગળ વધવા માટે ઉશ્કેરી કે જેથી તેને સચોટ પંચ મારવા માટે જગ્યા મળી રહે. ચાર બાળકોની માતા મેરીકોમ હવે આગલા રાઉન્ડમાં કોલંબિયાની ત્રીજી ક્રમાંકિત ઇન્ગ્રિટ વાલેન્સિયા સામે બાથ ભીડશે, મેરીકોમે બે વાર આ કોલંબિયન બોક્સરને હરાવી છે. આ તરફ મનિષ કૌશિકે મેકકારમેક સામે સારી શરૂઆત કરી હતી અને બે રાઉન્ડ પુરા થયા ત્યાં સુધી બંને બોક્સર બરોબરી પર હતા, પણ અંતિમ ત્રણ મિનીટમાં મનિષ બાઉટ ગુમાવી બેઠો હતો, જ્યારે મેકકારમેકે વળતો આક્રમક થવાને સ્થાને વળતો પ્રહાર કર્યો હતો અને તેના કારણે મનિષ આ બાઉટ 1-4થી હાર્યો હતો.
મારી પાસે ઓલિમ્પિક્સ બ્રોન્ઝ સહિત બધા મેડલ છે, માત્ર ઓલિમ્પિક્સ ગોલ્ડ બાકી છે : મેરીકોમ
મેરીકોમે પોતાની બાઉટ પછી કહ્યું હતું કે મારી પાસે ઓલિમ્પિક્સ બ્રોન્ઝ, કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ, છ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ સહિત બધા મેડલ છે. જેને ગણવા તો સરળ છે પણ સતત જીતતા રહેવું મુશ્કેલ છે. મારી પાસે માત્ર ઓલિમ્પિક્સ ગોલ્ડ નથી અને તે જ મને આગળ વધતા રહેવા માટેની પ્રેરણા આપે છે. હું મારું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરૂં છું અને જો હું એ જીતી શકીશ તો સારું અને ન જીતી શકું તો પણ મારી પાસેના મેડલોથી હું ખુશ રહીશ.