Charchapatra

સંધ્યાકાળે સુર્યોદય

સંધ્યાકાળ એટલે માનવીની વૃદ્ધાવસ્થા. જેમ જેમ વય વૃધ્ધિ પામે તેમ તેમ ઉર્જા ઘટે પણ ઉત્સાહ ઘટવો ન જોઈએ. સ્વાસ્થ્ય માટે બેદરકાર ન રહેવુ જોઈએ. ઉંમર તો ઉંમરનું કામ કરશે જ પણ અટપટા અધ્યાત્મિક સવાલોમાં ગુંચવાઈ જવાને બદલે, ધાર્મિક અર્થઘટનોમાં અટવાઈ જવાને બદલે એક જ વાતને વળગી રહો કે જીવનનો હેતુ એક જ છે કામ કરવુ, સતત પ્રવૃત્ત રહેવુ, શારીરીક મર્યાદાઓને તાબે થવુ પડે તો પણ કામ કરતા રહેવુ. જેટલી ક્ષમતા હોય તે પ્રમાણે કરવું. મૃ્યુ વિશે વિચારવાનુ બંધ કરવુ આ ઉંમર એવી છે કે સહેજ વધારે છીંક આવી જાય તો ય લોકો પોતાના મૃત્યુ વિશે વિચારવા માંડે છે. નજીકના મિત્રો કે ઓળખીતાની અંતિમયાત્રામાં જઈને કે એમના બેસણામાં જઈને સ્મશાન વૈરાગ્ય આવી જાય અને હવે મારે કેટલા વરસ?

એવા પ્રશ્ન થાય પરંતુ જો સ્વસ્થ રહેવુ હોય તો આવા વિચારો આવે કે તરત ખંખેરી નાંખવાના. આ ઉંમરે તો ખાસ જીવન વિશે જ વિચારવાનું હોય, મૃત્યુ વિશે નહીં આપણને જેટલુ શેષ જીવન મળ્યુ છે એમાં જવાબદારી નહીંવત છે. તો પછી શું આનંદથી જીવનને ન માણી શકાય? ફરી ફરીને માનવ અવતાર મળવાનો નથી અને જે મળ્યો છે અને ખોવાનો તો નથી જ. એને આનંદથી માણવાનો છે. પોતાને ગમતી, મનને આનંદ આપે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને જે જીવન બાકી રહ્યુ છે તેમાં સંતોષપૂર્વક જીવીયે તો જ સાચા અર્થમાં સંધ્યાકાળે સુર્યોદય થયો કહેવાય- અસ્તુ.
સુરત     – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વિકાસનો પાયો જ કાચો?
હાલમાં ભારત દેશનો વિકાસ ખૂબ પ્રગતિમાં છે, દેશ વિદેશમાં એની સરાહના પણ થઇ રહી છે. પરંતુ વિકાસની પાયાની બાબત વિસરાઇ જઇ રહી છે. વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાના પ્રશ્નનાં લેખિત જવાબ મુજબ ગુજરાતમાં 2018માં 1.16 લાખ કુપોષિત બાળકો હતા જે 2023 સુધીમાં વધીને પાંચગણા એટલે કે 5.70 લાખ થઇ ગયા. રાજ્યની શાળાઓમાં શિક્ષકો નથી. ધોરણ એકથી આઠ વર્ગની શાળામાં માત્ર એક જ શિક્ષક?! તે પણ વધતા જ જાય છે. 906 શાળાથી વધીને 1606 થઇ ગઇ. એક શિક્ષક આઠ ધોરણ કેમ પહોંચી શકે?! શું ગણાવે?! રાજયમાં લાયકાત ધરાવતા ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારોને નોકરી અપાતી નથી. કયાંક છે તો જર્જરિત હાલતમાં છે.

જયારે સમાચારના મોટા મથાળે વાંચવા મળે કે શિક્ષણ મનત્રીના મત વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર છે. હાલમાં જ તા. 22.2.23ના રોજ નવસારી જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામમાં 1000 એકર જમીનમાં પીએમ મિત્રા ટેક્ષટાઇલ હબ બનાવવા ખાતમૂરત થઇ રહ્યું છે. પહેલા ડાયમન્ડનુન ડબ. હવે ટેક્ષટાઇલ હબ. કેવા પાયા પર કરોડોની મિલ્કત બની રહી છે?! અત્યારે ભૂદાન પ્રણેતા વિનોબા ભાવે યાદ આવ્યા વિના રહેતા નથી. સાથે સાથે લાલબહાદુર શાસ્ત્રીએ આપેલ નારો ‘જય જવાન જય કિસાન’ યાદ આવે છે. જવાન અને કિસાન પગભર રહે એ જરૂરી છે. વૃક્ષો વાવી શકાય છે. જમીન પેદા થઇ શકતી નથી. વસ્તી વધતી જાય છે. જમીન ઘટતા ઉત્પાદન ઘટતા મોંઘવારી વધતી જાય છે. સાથે સાથે કુપોષણ વધતું જાય છે.
અમરોલી          – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top