સની દેઓલે હજુ નિવૃત્તિ જાહેર કરી નથી કારણ કે ફિલ્મમાં એવું કાંઇ હોતુ નથી. લોકો ડિમાંડ કરતા હોય તો કામ કરવામાં વાંધો શો? ને સનીની ડિમાંડ હજુ છે. સની નહીં તેના બાપ (ધર્મેન્દ્ર)ની ય ડિમાંડ છે. સનીએ હમણાં જ આર. બાલ્કી સાથેની ફિલ્મ પુરી કરી છે જેમાં તેની સાથે પૂજા ભટ્ટ છે અને ‘ગદર-2’ના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. ‘ગદર-2’નું શૂટિંગ પૂરું થતાંની સાથે ‘અપને-2’ બનાવવી શરૂ કરશે. સની દેઓલ 50ની ઉપરના અનેક સ્ટાર્સ વચ્ચે એક છે અને 50ની ઉપરના સ્ટાર્સમાં તો સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર, આમીર ખાન છે તો સની દેઓલ શું કામ પાછો પડે?
જો કે તે 65 વર્ષનો છે પણ તેથી કાંઇ તે પિતા યા કાકા યા દાદાની ભૂમિકા કરે તેવો નથી. આર. બાલ્કીની ફિલ્મ એક થ્રીલર છે અને તેમનું કહેવું છે કે સનીએ જ નહીં પૂજા ભટ્ટ, દલ્લીર સલમાન, શ્રેયા ધન્વંતરીએ પણ જોરદાર કામ કર્યું છે. સની પરદા પર ખૂબ પ્રભાવક લાગતો સ્ટાર છે અને આજે પણ એટલો જ પ્રભાવશાળી છે. આર. બાલ્કીનું તો કહેવું છે કે મેં કદી થ્રીલર પ્રકારની ફિલ્મ નથી બનાવી પણ આ ફિલ્મ સની-પૂજા ભટ્ટ વગેરેને કારણે જ ખાસ બની ગઇ છે. સની દેઓલ હવે અમિતાભ બચ્ચનના રસ્તે આગળની કારકિર્દી જુએ છે. અમિતાભ તો જો કે ફિલ્મ સિવાય ઘણું કામ કરે છે.
સની માટે અભિનય જ મુખ્ય છે અને નિર્માતા-દિગ્દર્શક તરીકે વધુ કામ કરવા માંગે છે પણ તે રાહ જોઇ રહ્યો છે કે તેનો દિકરો કરણ દેઓલ સફળ સ્ટાર તરીકે ઓળખ પામે. સનીને એક ઘરના જ સ્ટારની જરૂર છે કે જેથી પ્રોડકશન ખર્ચ પણ નિયંત્રીત રહે. ધર્મેન્દ્રએ પણ જયારે ફિલ્મોનું નિર્માણ કર્યું તો તેમાં સની કે બોબી દેઓલ હોય ત્યારે જ કરેલું. સનીનો પણ એજ અભિગમ છે કારણ કે તેઓ ફેમિલી પ્રોડકશન તરીકે જ નિર્માણને લે છે. સની અભિનેતા તરીકે દર વર્ષે ચાર પાંચ ફિલ્મમાં કામ કરવા માંગે છે અને કહે છે કે તેમાંથી એકાદ તો સફળ રહેશે જ.
આમ પણ છેલ્લા પંદર વર્ષથી સનીએ ઓછું જ કામ કર્યું છે. સની કહે છે કે હવે મારે થોડી વધારે ફિલ્મો કરવી છે કે જેથી તેમાંથી અમુક તો ચાલે જ. વર્ષે એકાદ-બે ફિલ્મ કરવામાં જોખમ છે. હવે તો ડિજીટલ પ્લેટફોર્મ પણ ખૂલ્યું છે અને અભિનેતા તેમાં ઘણું કરી શકે છે. હવે દરેક પ્રકારની ફિલ્મો માટે પણ પ્રેક્ષક છે આ કારણે હવે કોઇ સીમામાં બંધાય રહેવાની જરૂર નથી. સની દેઓલ અત્યારે એવા વિષયોની શોધમાં છે જેમાં તે પોતાના અત્યાર સુધીના કામથી જૂદું પણ હોય. સની સહુ પ્રથમ તો આર. બાલ્કીની ફિલ્મ રજૂ થાય તેની રાહ જોશે કારણ કે હવે પછીની તેની ઇમેજ માટે એ ફિલ્મ જરૂરી છે.