SURAT

સુરત-તાપીમાં સુમુલનું દૂધ ગોવા મહારાષ્ટ્ર કરતા 4 રૂપિયા મોંઘુ કેમ ? કોંગ્રેસ

સુરત: કોરોનાના કપરા કાળમાં સુમુલ ડેરી (Sumul dairy)ની નફાખોરી અટકાવવા, દૂધનો ભાવવધારો પાછો ખેંચવા અને પશુપાલકોને 86 ને બદલે 100 રૂપિયાનો ભાવવધારો (Price hike)ચૂકવવા બાબતે આજે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરીએ સુમુલ વિરૂધ્ધ દેખાવો યોજી જિલ્લા કલેક્ટર, રજિસ્ટાર( મિલ્ક), મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. માજી કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી, શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઇ અને સહકારી આગેવાન દર્શન નાયક, હરીશ સૂર્યવંશી સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલના સંચાલકો દ્વારા ગરીબ આદિવાસી, જમીન વિહોણા પશુપાલકો કે જેઓ તાઉતે વાવાઝોડામાં વ્યાપક અસરગ્રસ્ત બન્યા હતા તેવા નાના પશુપાલકોને રાજ્યના અન્ય દૂધ સંઘોની સરખામણીએ કોઈપણ પ્રકારનો દૂધ વેચાણ પેટેનો પોષણક્ષમ ભાવવધારો ચૂકવ્યા વિના સુરત અને તાપી જિલ્લાની 1.25 કરોડની પ્રજા પર ભેંસના દૂધમાં લિટરે 4 અને ગાયના દૂધમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.

લોકોના ધંધા,વેપારને અસર થઈ છે.ત્યારે સુમુલ ડેરીના શાસકોએ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની કોઈપણ પ્રકારની મંજૂરી વિના દૂધના ભાવમાં ભાવ વધારો ઝીંક્યો છે. તેને લીધે દેશમાં સૌથી મોંઘુ દૂધ સુરતશહેર,સુરત જિલ્લો,અને તાપી જિલ્લામાં વેચાઈ રહ્યું છે.આ બે જિલ્લા અને શહેરના લોકો અમુલ ગોલ્ડ,અમુલ શક્તિ સહિતની ભેંસના દૂધની પ્રોડક્ટ પર લિટરે 4 રૂપિયા અને ગાયના દૂધમાં 2 રૂપિયા વધુ ચૂકવી રહ્યા છે તે હિસાબે દર વર્ષે 117 કરોડનું ભારણ બંને જિલ્લાઓની પ્રજા પર આવશે.ડેરી દ્વારા કોરોનાના કપરા કાળમાં 20 રૂપિયા કિલો ફેટે ઓછા ચૂકવી પશુપાલકોને 6 કરોડ ઓછા ચૂકવી 4 જૂનના રોજ કિલો ફેટે માત્ર 1 રૂપિયાનો ભાવ વધારો જ ચૂકવ્યો છે.

મહારાષ્ટ્ર અને ગોવામાં ફેડરેશન સુમુલનુ દૂધ 56 રૂપિયે લીટર વેચે છે જે સુરતમાં 60 રૂપિયે વેચાય છે.

માજી કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે સુમુલ મહારાષ્ટ્ર અને ગોવામાં અમૂલ બ્રાન્ડ હેઠળ 2 લાખ લીટરથી વધુ દૂધનુ વેચાણ લિટરે 56 રૂપિયાના ભાવે કરે છે.જ્યારે સુરત- તાપી જિલ્લામાં 60 રૂપિયા લિટરના ભાવે વેચે છે.આવો ભેદભાવ,ભાવફેર જિલ્લા વહીવટીતંત્રના પુરવઠા વિભાગે અટકાવવો જોઈએ. કોરોનાના કપરા કાળમાં ડેરીનું ટર્ન ઓવર વધ્યું છે. ડેરીનો નફો જોતા પશુપાલકોને કિલો ફેટે 86 ને બદલે 100 રૂપિયાનો ભાવ વધારો મળે તે માટે કોંગ્રેસે કલેક્ટરને મધ્યસ્થી કરવા અપીલ કરી છે.

મુંબઇ અને લુધિયાણામાં કોંગ્રેસની સરકાર છતા 80 રૂપિયે લીટર દૂધ મળે છે.

પશુપાલકો દ્વારા કોંગ્રેસનો વિરોધ શરૂ કરાયો છે. ઓલપાડ તાલુકાની સોંદલાખારા દૂધ મંડળીના પ્રમુખ અને સુમુલ પ્રતિનિધિ વસંત પટેલે જણાવ્યું હતું કે મુંબઇ અને લુધિયાણામાં 80 રૂપિયે લીટર દૂધ મળે છે તેનો વિરોધ કોંગ્રેસ શા માટે કરતી નથી. રાજ્યમાં સૌથી વધુ દૂધના પોષણક્ષમ ભાવ સુમુલ ડેરી આપે છે. સુમુલ કરતા અન્ય કોઇ ડેરી પશુપાલકોને વધુ ભાવ આપતી હોય તો કોંગ્રેસે જાહેર કરવુ જોઇએ. મંદરોઇ મહિલા દૂધ મંડળીના પ્રમુખ લતાબેન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ મોંઘવારીની વાત કેમ કરતુ નથી? પેટ્રોલ, ડીઝલના ભાવ શા માટે ચુપ છે. લોકો 500 રૂપિયાના પીજા ખાય છે. કોકાકોલા અને પેપ્સી જેવા ઠંડા પીણા ચુકવી પીવે છે. 20 રૂપિયામાં બિસ્લેરીની પાણીની બોટલ પીવે છે., પશુપાલકો રાત-દિવસ મહેનત કરીને શહેરી વિસ્તારો માટે દુધનું આયોજન કરે છે. ઘાસચારો, પરિવહન, પશુ ખાણદાણ અને મજૂરીના ભાવ વધતા દૂધ મંડળીઓ દ્વારા સુમુલને ભાવવધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેનો વિરોધ કરી કોંગ્રેસ પશુપાલકોનો વિરોધ કરી રહી છે.

Most Popular

To Top