બારડોલી: બારડોલી (Bardoli) તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે. જે ખેડૂતોની શેરડીની (Sugarcane) કાપણી ડિસેમ્બર (December) માસમાં પૂર્ણ થઈ છે. ત્યારે ધરુ તૈયાર થતાં જ અને પાણીની સગવડ ધરાવતા ખેડૂતો ડાંગરની રોપણીમાં (Planting) વ્યસ્ત બન્યા છે.
બારડોલી તાલુકામાં ચોમાસા કરતાં પણ ઉનાળુ ડાંગરનો પાક સિંચાઇની પૂરી સવલતોને કારણે ખૂબ સારો થતો હોય છે. જેથી સુગર ફેક્ટરીઓમાં નોંધાયેલી જે સભાસદોની શેરડી ડિસેમ્બર-જાન્યુઆરીમાં કપાતાં ખેતર ખાલી પડ્યાં હતાં. ખેડૂતો ડાંગરના પાક માટે ધરુ નાંખ્યું હતું. જે ધરુ તૈયાર થઈ ગયા હોવાથી ખેડૂતોએ બોર અથવા કૂવા મારફત ખેતરોમાં પાણી ભરી ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ હાલ નહેરમાં પાણી આવતું ન હોવાથી નહેરના પાણી પર નભતાં ખેડૂતો ડાંગરની રોપણી માટે પાણીની રાહ જોઈને બેઠા છે. જ્યારે પાણીની સગવડ ધરાવતા ખેડૂતો રોપણીમાં વ્યસ્ત જોવા મળે છે.
બારડોલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો
બારડોલી : બારડોલીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. બપોર બાદ પવન ફુંકાતાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. બારડોલીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સૂરજદાદા પણ સંતાકૂકડી રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. એક તરફ વાદળછાયું વાતાવરણ તો બીજી તરફ પવન ફુંકાતાં ઠંડી અનુભવાઇ હતી.
ડાંગ જિલ્લાના ગામોમાં મળસ્કે વરસાદના છાંટા પડ્યા: સાપુતારામાં વાદળછાયુ વાતાવરણ
સાપુતારા: ડાંગ જિલ્લામાં વાતાવરણનો પલટો આવ્યો છે. ગામડાઓમાં શનિવારે વહેલી સવારે કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી ગઈ હતી. ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ છે.
હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી હતી. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે વહેલી સવારે કમોસમી વરસાદનાં અમીછાટણા પડ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, મહાલ, સુબિર, સિંગાણા, પીપલાઈદેવી, ચીંચલી, લવચાલી, આહવા, પીંપરી, બોરખલ, ગલકુંડ સહીત સરહદીય અને પૂર્વપટ્ટીનાં પંથકોમાં શનિવારે વહેલી સવારે વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડ્યા હતા.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોમાં ખેતરોમાં સંગ્રહ કરાયેલા પાકોનાં ઢગલાને ઢાંકવા માટે ખેડૂતોમાં અફરા તફરી મચી હતી. ડાંગ જિલ્લામાં શનિવારે પડેલ કમોસમી વરસાદનાં ઝાપટાનાં પગલે ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકો સહિત શાકભાજી અને ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વર્તાઈ રહી છે. ગિરિમથક સાપુતારા ખાતે પણ દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા પ્રવાસીઓએ આહલાદક મોસમની મજા માણી હતી.