Feature Stories

ઉફ્ફ આ ગરમી, લગ્નની ડિશના મેનુ પણ બદલાઇ ગયા

શિયાળો એવી ઋતુ છે જેમાં ડિસેમ્બર થી માર્ચ સુધીમાં લગ્ન પ્રસંગોનું આયોજન થાય છે. તો સમય સંજોગો પ્રમાણે કેટલાક લગ્નપ્રસંગ એપ્રિલ અને મે મહિનામાં પણ યોજાય છે. લગ્ન પ્રસંગમાં દુલ્હા અને દુલ્હન તો આકર્ષણ હોય જ છે પરંતુ લગ્નનું મેનુ ઘોડાગાડી અને બ્રાઇડલ મેકઅપ પણ સિઝન પ્રમાણે બદલાઇ જતુ઼ં હોય છે. ચાલો આજે આપણે જાણીએ ઉનાળુ લગ્ન વિશે…

એર-કન્ડિશન્ડ બગી

રાજાની જેમ ઠાઠથી સવારી નીકળે છે તેવી જ રીતે વરરાજાની પણ જાન નીકળે છે. લગ્નમાં વર-વધુનો રંગ નિખરે તે માટે જ આપણે ત્યાં લગ્નના એક બે દિવસ પહેલા હલદીની રસમ પણ અદા કરવામાં આવે છે. હવે વરરાજા જ્યારે પરણવા જતાં હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તેમને મેકઅપ પણ કરવામાં આવે પરંતુ આવી ગરમીમાં વરરાજા બગી ઉપર હોય કે પછી ઘોડા ઉપર તે પરસેવે રેબઝેબ થઇ જાય તે નક્કી જ હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં શરૂ થયેલી નવી પરંપરા મુજબ હવે બગી પણ એરકન્ડિશન્ડ મળે છે. આ બગીમાં વરરાજા પરણવા માટે નીકળે છે. તે લગ્નના મંડપ સુધી પહોંચે ત્યાં સુધી તરોતાજા રહે છે.

ઉનાળામાં તો ટિંડોળા, ભીંડા કે વેંગણથી જ કામ ચલાવવું પડે છે : હિતેશ ચૌહાણ

કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેષભાઇ ચૌહાણ જણાવે છે કે, ગરમીમાં ક્લાઇન્ટ અલગ પ્રકારના જ મેનુની ડિમાન્ડ કરે છે. ખાસ કરીને સ્વીટ ડિશમાં આસમાન જમીન જેટલો તફાવત થઇ જાય છે. શિયાળામાં રબડી, દૂધપાક, અંગુર રબડી, રસ મલાઇ અને ફ્લેવર ક્રીમની ડિમાન્ડ રહે છે. પરંતુ ગરમીની મોસમમાં લોકો આવી સ્વીટ ડીશ પસંદ કરતા નથી. તેમનું સ્થાન કેરીનો રસ, મઠો, અખરોટનો હલવો કે પછી મગની દાળનો શીરો લઇ લે છે. તેવી જ રીતે શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી સરળતાથી મળે છે પરંતુ ઉનાળામાં તો ટિંડોળા, ભીંડા કે વેંગણથી જ કામ ચલાવવું પડે છે. તેવી જ રીતે વેલકમ ડ્રિંકમાં શિયાળામાં દરેક પ્રકારના ફ્રેશ જ્યુશ મળે છે જ્યારે ગરમીમાં ઓરેન્જ, તડબૂચ કે પાઇનેપલથી જ કામ ચલાવવું પડે છે

ઓઈલ બેઝ્ડ મેકઅપ કરવાનું ટાળીએ છીએ : જીનલ સેલર

શહેરના રાંદેર વિસ્તારમાં રહેતાં અને પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા જિનલ સેલર જણાવે છે કે, કાળઝાળ ગરમીમાં જ્યારે લગ્નનું મહુરત હોય ત્યારે દુલ્હન માટે ખાસ પ્રકારનો મેકઅપ કરવામાં આવે છે કારણ કે લગ્ન એ જીવનની એક યાદગાર પળ હોય છે જેથી કોઈપણ યુવતી એવું ઈચ્છે છે કે આ દિવસે તે સૌથી અલગ અને ખાસ દેખાય. જેથી જો તેના લગ્ન ઉનાળામાં હોય તો અમે તેની સ્કિનને અનુરૂપ અને પરસેવામાં ટકી રહે એ માટે વોટર પ્રૂફ મેકઅપ કરીએ છીએ જેમાં કંપની પ્રમાણે અલગ અલગ રિઝલ્ટ મળતાં હોય છે એટલે જરૂરિયાત મુજબ ફાઉન્ડેશન, ટોનર, લિપસ્ટિક કે આઈશેડો વગેરેની પસંદગી કરીએ છીએ. દુલ્હનોનો ખાસ આગ્રહ એ હોય છે કે, તેમનો મેકઅપ આખા પ્રસંગ સુધી ટકી રહે જેથી અમે ગરમીને ઘ્યાનમાં રાખીને આ સમયે ઓઇલબેઝ મેકઅપ કરવાનું ટાળીએ છીએ જેથી મેકઅપ રેલાઈને ખરાબ ન થઈ જાય.

Most Popular

To Top