સુરત: કોવિડને કારણે આ વખતે વેકેશનમાં ફેસ્ટીવલ ટ્રેનો નહીં શરૂ કરવા માટે રેલવે દ્વારા આદેશ અપાયો છે. એક અંદાજ પ્રમાણે દર વેકેશનમાં પંદર કરતાં વધારે ટ્રેનો ઉતર ભારત તરફ શરૂ કરાય છે, જે આ વખતે શરૂ નહીં કરાશે.
આ ઉપરાંત ઉનાળામાં સુરત અને મુંબઈ તરફથી ઉત્તર ભારતના યુપી અને બિહાર જનારા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. જેના કારણે રેલવે દ્વારા કેટલીક ટ્રેનોના ફેરા મે અને જૂન સુધી લંબાવવામાં આવ્યા છે.
ઉનાળામાં રજાનો માહોલ અને ઉત્તરપ્રદેશમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લીધે પણ મુસાફરોની સંખ્યા વધી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-પટના સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 28 જૂન સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બાંદ્રા ટર્મિનસ-સહરસા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 27 જૂન, બાંદ્રા ટર્મિનસ-જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 25 જૂન, બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન 30 જૂન, ઉધના-મંડુગાંવ સાપ્તાહિક સુપરફાસ્ટ 25 જૂન અને ઉધના-જયનગર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનને 27 જૂન સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા ચાલુ વર્ષે કોવિડની સ્થિતિના પગલે સ્પે. ફેસ્ટીવલ ટ્રેનો નહીં ચલાવે અને જેના કારણે આ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે.