Entertainment

સુમીત કરિયરનો વ્યાસ વધારી રહ્યો છે

સુમીત વ્યાસ કાંઈ એકદમ એટ્રેકટિવ તન-બદન અને લુક ધરાવતો નથી પણ તેને આ મર્યાદા નડી નથી. ગયા મહિને તે ‘મિસીસ અંડરકવર’માં રાધિકા આપ્ટે સાથે આવ્યો હતો. એક સીધી સાદી ગૃહિણી કે જે સ્પેશિયલ અંડરકવર એજન્ટ છે ને તેને 10 વર્ષ પછી ફરી આ જોબ પાછી મળે છે અને પછી એક થ્રીલર શરૂ થાય છે. સુમીત વ્યાસ આ ફિલ્મમાં નકારાત્મક પાત્ર એટલે કે વિલન બન્યો છે પણ હીરોવાળી ફિલ્મમાં વિલન હોય એવો નહીં, રાધિકા સામે સીધો જંગ છેડતો અથવા રાધિકા જેની સામે જંગ છેડે છે એવો.

હમણાં જ તેની ‘અફવા’ પણ રજૂ થયેલી. લાગલગાટ બે ફિલ્મો રજૂ થાય તે તો અભિનેતાની કારકિર્દીની ખાસ વાત બની જાય. આ વર્ષની આ તેની ત્રીજી ફિલ્મ છે. જાન્યુઆરીમાં ‘છત્રીવાલી’ રજૂ થયેલી. ફિલ્મો તો છે જ આ વર્ષે તે ‘જાંબાઝ હિન્દુસ્તાન કે’ અને ‘ટંકેશ ડાયરીઝ’નામની બે વેબસિરીઝ’માં પણ દેખાયો છે. અને તે તેની 20મી વેબસિરીઝ છે. આ બધી વ્યસ્તતાને કારણે જ હવે તે ટી.વી. સિરીયલોમાં કામ નથી કરતો બાકી તેના નામે છ સિરીયલ અને એક શો છે.

સુમીત વ્યાસ જોધપૂર, રાજસ્થાનનો છે. તેણે દૂરદર્શનની સિરીયલમાં નાની ભૂમિકાથી શરૂઆત કરેલી અને હવે ફિલ્મોમાં છે. મુંબઈમાં જ તેણે કોલેજ કરી છે. કોલેજ કરતો હતો ત્યારે પાઈલટ યા કમ્પ્યુટર એન્જિનીયર બનવા ઉત્સુક હતો. અભિનયમાં તેને રસ હતો પણ તેમાં કારકિર્દી બનશે કે નહીં તેની ખબર નહોતી છતાં તે અભિનયના ક્ષેત્રે જ આવ્યો અને આજે જામી ગયો છે. એટલો જામી ગયો છે કે પ્રથમ શિવાની ટાંકસાલે સાથે લગ્ન કર્યા અને 7 વર્ષ પછી તેનાથી છૂટો થયો અને ફરી એકતા કોલ નામની અભિનેત્રીને જ પાંચેક વર્ષ પહેલાં પરણ્યો છે.

2007ની ‘મામુ ટેન્શન નહીં લેનેકા’ ફિલ્મમાં રાજકુમાર સલીમની ભૂમિકાથી આરંભ કર્યા પછી તે અનેક ફિલ્મોનો હિસ્સો બન્યો છે. ‘ઈગ્લિશ વિંગ્લીશ’માં તે સલમાનખાન હતો અને ‘ઔરંગબેબ’માં વિષ્નુ, ‘ગુડડુકી ગન’માં લડડુ અને ‘હાઈજેક’માં રાકેશ. તેણે કેટલીક ફિલ્મોમાં ડાયલોગ લખવાનું ય કામ કર્યુ છે. તેને ડાર્ક પાત્રો ભજવવા ગમે છે એટલે સામે ચાલીને માંગ છે. ‘પરમેનન્ટ રૂમમેટસ’ના પાત્રથી તે અચાનક ખૂબ જ જાણીતો બની ગયેલો. તેમાં તે મિકેશ ચૌધરીના પાત્રમાં હતો. સુમીત કહે છે કે એ પાત્રએ મારી જિંદગી બદલી નાંખી તે પહેલાં તો બધાને હતું કે હું ફક્ત કોમેડી જ કરી શકું છું. તેણે આ ઈમેજ તોડવી હતી અને ‘મિસીસ અંડરકવર’માં પણ નેગેટીવ ભૂમિકા કરી છે. જો કે તેને બધા જ પ્રકારના પાત્રો ભજવવા ગમે છે. •

Most Popular

To Top