World

સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ફરી સંઘર્ષ, ખાર્તુમમાં ડ્રોન હુમલામાં 30 લોકો માર્યા ગયા

કૈરો: સુદાનની (Sudan) સેના અને અર્ધલશ્કરી દળો ફરી સામસામે છે. બંને પક્ષો વચ્ચેના સંઘર્ષ દરમિયાન રાજધાની ખાર્તુમ પર મોટો ડ્રોન હુમલો (Drone Attack) થયો છે. હુમલા બાદ કાળો ધુમાડો (Smoke) આકાશમાં ઉછળતો જોઈ શકાય છે. આ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક હજુ વધી શકે છે.

  • સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ફરી સંઘર્ષ, ખાર્તુમમાં ડ્રોન હુમલામાં 30 લોકો માર્યા ગયા
  • એક્ટિવિસ્ટ ગ્રૂપ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજમાં હોસ્પિટલના ખુલ્લા આંગણામાં મૃતદેહો સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ શકાય છે

સુદાનમાં બળવા પછી પણ લોહિયાળ સંઘર્ષ અટક્યો નથી. સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હજુ પણ લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. દેશના નિયંત્રણ માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન રવિવારે રાજધાની ખાર્તુમના દક્ષિણ ભાગમાં એક માર્કેટ પર થયેલા ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. કામદારો અને તબીબી કર્મચારીઓએ આ માહિતી આપી હતી. રેસિસ્ટંટ કમિટી તરીકે ઓળખાતા કાર્યકર્તા જૂથ અને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં કામ કરતા બે આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર ખાર્તુમના ‘મે’ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ ડઝન લોકો ઘાયલ થયા હતા.

એક્ટિવિસ્ટ ગ્રૂપ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજમાં હોસ્પિટલના ખુલ્લા આંગણામાં મૃતદેહો સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ શકાય છે. જોકે રવિવારના હુમલા પાછળ કયો પક્ષ હતો તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. સુદાનમાં મધ્ય એપ્રિલથી હિંસા ચાલુ છે. ત્યાં જનરલ અબ્દેલ ફતાહ બુરહાનની આગેવાની હેઠળની દેશની સેના અને જનરલ મોહમ્મદ હમદાન ડાગાલોની આગેવાની હેઠળની અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેનો તણાવ એપ્રિલમાં વધી ગયો હતો ત્યારથી સંઘર્ષ દેશના ઘણા ભાગોમાં ફેલાયો છે અને ખાર્તુમ શહેરી યુદ્ધભૂમિ બની ગયું છે.

તમામ દેશો તેમના નાગરિકોને પરત લાવ્યા છે
સુદાનમાં સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારત સહિત અન્ય તમામ દેશોએ ઘણા મહિનાઓ પહેલા જ તેમના લોકોને પાછા બોલાવી લીધાં છે. સમજૂતી બાદ સંઘર્ષનો સમયગાળો બંધ થઈ ગયો હતો પરંતુ સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું છે. જેના કારણે સામાન્ય નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. અત્યાર સુધી સુદાનની રાજધાની ખાર્તુમમાં થયેલા ડ્રોન હુમલાની જવાબદારી કોઈ પક્ષે લીધી નથી.

Most Popular

To Top