Columns

સુચના શેઠનો કિસ્સો સમાજશાસ્ત્રીઓ માટે ગંભીર ચિંતન કરવાનો વિષય છે

સમગ્ર રાષ્ટ્રને આઘાતમાં મૂકી દેનારી એક કાળજું કંપાવનારી ઘટનામાં બેંગલુરુ સ્થિત AI સ્ટાર્ટ અપના CEO સુચના સેઠની ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની ક્રૂરતાથી રીતે હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સુચના શેઠના તેના પતિ સાથેના સંબંધોએ તોફાની વળાંક લીધો હતો જે આખરે ૨૦૨૦ માં તેમના છૂટાછેડા તરફ દોરી ગયો હતો. આજની કરિયર વુમન ક્યારેક લગ્નજીવન અને કારકીર્દિ વચ્ચે પસંદ કરવાની નોબત આવે ત્યારે લગ્નજીવનનો ભોગ આપવા પણ તૈયાર થઈ જતી હોય છે. કોર્ટે દર રવિવારે સુચના શેઠના પુત્રના પિતાને મુલાકાતના અધિકારો આપ્યા હતા. આ નિર્ણય સુચના માટે તકલીફનું કારણ બનતો હતો, કારણ કે તેણી તેના પતિ સાથે વધુ વાતચીત કરવા માંગતી ન હતી. પોતાના ભૂતપૂર્વ પતિ સાથે નિર્ધારિત મીટિંગ ન થાય તે માટે સુચનાએ તેના પુત્ર સાથે ગોવાની ટ્રીપની યોજના બનાવી હતી.

દુ:ખદ વાત એ છે કે ઉત્તર ગોવાના એક સર્વિસ એપાર્ટમેન્ટમાં તેણીએ કથિત રીતે નક્કી કરેલી મીટિંગ પહેલાં પોતાના પુત્રનો જીવ લઈ લીધો હતો. એપાર્ટમેન્ટના સ્ટાફને લાગ્યું કે બાળક ગુમ છે અને કંઈક ખોટું થયું છે. આનાથી ગભરાઈને તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેમણે ટૂંક સમયમાં બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. બાળકનું ટુકડા કરેલું નિર્જીવ શરીર ચામડાની બેગમાં મળી આવ્યું હતું. કોઈ બુદ્ધિશાળી અને ભણેલીગણેલી સ્ત્રી પોતાના પેટનાં જણેલાં બાળકની ઠંડે કલેજે હત્યા કેવી રીતે કરી શકે?

તેનો જવાબ માનસશાસ્ત્રીઓ ઉપરાંત સમાજશાસ્ત્રીઓએ પણ શોધવો પડશે. આજની નોકરી કરતી કરિયર વુમન પોતાના લગ્ન જીવનમાં અને અંગત જીવનમાં જે પ્રકારના સ્ટ્રેસમાંથી પસાર થઈ રહી છે, તેને કારણે આ હૈયું હચમચાવતી ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ કાઢી શકાય તેમ છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં આઘાતના તરંગો મોકલ્યા છે, જેનાથી ઘણાં લોકો સુચનાના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને સ્ત્રી ઉપર મુશ્કેલ સંબંધની કેવી ઊંડી અસર પડી શકે છે તે અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

પોતાનાં ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યા કરનાર સુચના સેઠ સ્ટાર્ટઅપ માઇન્ડફુલ AI લેબના CEO તરીકે ઓળખાય છે. સુચના શેઠ LinkedIn પ્રોફાઇલ પર ટોચની ૧૦૦ બ્રિલિયન્ટ વુમન ઇન AI એથિક્સ ફોર ૨૦૨૧ની યાદીમાં સ્થાન ધરાવે છે. સુચના શેઠે ૬ જાન્યુઆરીએ તેના પુત્ર સાથે કેન્ડોલિમ સર્વિસ એપાર્ટમેન્ટમાં ચેક ઇન કર્યું હતું. તેણે બે દિવસ પછી કામ માટે બેંગલુરુ જવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. સર્વિસ એપાર્ટમેન્ટના સ્ટાફે સસ્તી ફ્લાઇટનો વિકલ્પ સૂચવ્યો હોવા છતાં તેણીએ ટેક્સીની વ્યવસ્થા કરી હતી. જ્યારે તેણી હોટલમાંથી બહાર નીકળી ત્યારે સ્ટાફને તેના રૂમમાં લોહીના ડાઘા મળ્યા હતા. તેઓએ જોયું હતું કે સુચના શેઠ સાથે તેનો પુત્ર નથી અને તે અસામાન્ય રીતે ભારે બેગ લઈને જઈ રહી હતી.

સ્ટાફ દ્વારા પૂછપરછ પર સુચના શેઠે લોહીના ડાઘનું કારણ તેનું માસિક ચક્ર ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તેનો પુત્ર માર્ગોવામાં એક મિત્ર સાથે હતો. જો કે તપાસમાં જાણવા મળ્યું કે આપેલ સરનામું ખોટું છે. સ્ટાફે તરત જ ગોવા પોલીસને તેની જાણ કરી હતી. પોલીસે બેંગલુરુ જઈ રહેલા ટેક્સી ડ્રાઈવરનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો અને તેને કર્ણાટકના ચિત્રદુર્ગના પોલીસ સ્ટેશનમાં વાળ્યો હતો, જ્યાં સુચના શેઠને થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી. વાહનની તલાશી લેવા પર બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને ગોવાની પોલીસ આવે ત્યાં સુધી તેને પકડી રાખવામાં આવી હતી.

સુચના શેઠનું સીવી ભલભલાને પ્રભાવિત કરી શકે તેવું છે. તે એઆઈ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે અને સ્ટાર્ટ અપ્સ અને ઈન્ડસ્ટ્રી રિસર્ચ લેબમાં ડેટા સાયન્સ ટીમોને માર્ગદર્શન આપવાનો અને મશીન લર્નિંગ સોલ્યુશન્સ સ્કેલિંગ કરવાનો ૧૨ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. સુચના શેઠે રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચરમાંથી પ્રથમ ક્રમ સાથે સંસ્કૃતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કૉલેજ, કોલકાતામાંથી પ્રથમ ક્રમ સાથે ભૌતિકશાસ્ત્ર (ઓનર્સ) માં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તે ડેટા એન્ડ સોસાયટીમાં મોઝિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઈન સેન્ટરમાં ફેલો અને રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો રહી ચૂકી છે. તેણી પાસે કુદરતી ભાષા પ્રક્રિયામાં પેટન્ટ પણ છે. દુનિયાના ઘણા દેશોમાં જઈને તેણે ઘણી વિદ્યાઓ હાંસલ કરી હતી, પણ લગ્ન કરીને ઠરીઠામ થવાની અને પોતાના પતિ સાથે શાંતિથી જીવવાની વિદ્યા તેને કોઈ યુનિવર્સિટીમાં ભણવા મળી નહોતી. તેના લગ્ન આંતરજ્ઞાતિય હોવાથી પણ તેમાં તકલીફો પેદા થઈ હતી. સુચના શેઠ મૂળ પશ્ચિમ બંગાળની છે અને બેંગલુરુમાં રહે છે, જ્યારે તેનો પતિ વેંકટ રમણ કેરળનો છે, જે હાલમાં જકાર્તા (ઇન્ડોનેશિયા) માં રહે છે. પોલીસે આ ઘટના અંગે સુચનાના પતિને જાણ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુચના શેઠે પોલીસને જણાવ્યું કે તેણે તેના પુત્રની હત્યા કરી હતી, કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેનો પુત્ર તેના પિતાને મળે. પોલીસ અનુસાર, આરોપી મહિલા સુચના શેઠનાં લગ્ન ૧૪ વર્ષ પહેલાં ૨૦૧૦માં થયાં હતાં. આજની આધુનિક મહિલાઓ કેરિયરના મોહમાં મોડાં લગ્ન કરે છે. મોડી ઉંમરે લગ્ન કર્યા પછી પણ તેઓ માતા બનવાનું ટાળે છે, કારણ કે જો બાળક થાય તો કેરિયરમાં વિઘ્ન ઊભું થાય છે. છેવટે મોટી ઉંમરે બાળકનો વિચાર કરે તો બાળક થતું નથી ત્યારે ટેસ્ટ ટ્યૂબ બેબી કે સરોગસી તરફ જવું પડે છે. સુચના શેઠને લગ્નનાં નવ વર્ષ બાદ ૨૦૧૯માં પુત્રનો જન્મ થયો હતો, પરંતુ ૨૦૨૦માં તેનો પતિ સાથે વિવાદ થવા લાગ્યો હતો.

જો મહિલા સંતાનપ્રાપ્તિ પછી પણ જોબ ચાલુ રાખે તો તેને કારણે લગ્નજીવનમાં તાણ વધી જતી હોય છે. સુચના શેઠના કેસમાં પણ કાંઈક તેવું જ બન્યું હતું. તેનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ જ્યારે પતિએ પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો કોર્ટે તેને મંજૂરી આપી દીધી હતી. તેણે વિરોધ કર્યો હોવા છતાં, કોર્ટે તેની વાત સાંભળી નહીં કારણ કે તેનો પુત્ર તેના પિતાને મળવાની ઇચ્છા રાખતો હતો. તેથી તેણી તેને પોતાની સાથે ગોવા લઈ ગઈ હતી. ચેકઆઉટના એક દિવસ પહેલાં શનિવારે રાત્રે તેણે તેના પુત્રની હત્યા કરી હતી.

સૂચના શેઠે માઇન્ડફુલ AI લેબ્સ કંપનીની સ્થાપના કરી હતી. હવે તેની કંપનીની પ્રોફાઇલ પર લોકો જે ટિપ્પણીઓ કરી રહ્યા છે તે કંપની માટે શરમજનક છે. સુચના શેઠને મળેલા એવોર્ડ પર પણ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આમાં એક મહિલા સુષ્મા વલાસાનો સમાવેશ થાય છે, જે લખી રહી છે કે સુચનાએ તેના પુત્રની બ્રિલિયન્ટલી હત્યા કરી છે. એવી જ રીતે રૂસીપ્રિયા પાંડા કહે છે કે મનોરોગી અને હત્યારાઓની AI એથિક્સમાં ૧૦૦ જીનિયસ! સારાહ કોનરે કહ્યું છે કે માનવતાનો અંત નજીક છે. એવી જ રીતે દીપાંજન દત્તા કહે છે કે એઆઈ એથિક્સ લિસ્ટ ૧૦૦નું કોઈ મૂલ્ય નથી. શૂન્ય નૈતિકતા ધરાવતા માણસો AI નીતિશાસ્ત્ર શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આજની કન્યાઓમાં કુમળા મગજમાં બાળપણથી તેમની મમ્મીઓ એવું ઠસાવી દેતી હોય છે કે જો તેમણે જીવનમાં સફળ થવું હોય તો ખૂબ ભણવું જોઈએ. ઊંચા પગારની નોકરી કરવી જોઈએ અને કારકીર્દિમાં ટોચ ઉપર પહોંચવું જોઈએ. આધુનિક મમ્મીઓ પોતાની પુત્રીને એમ પણ કહેતી હોય છે કે અમારી જિંદગી ઘરકામ કરવામાં અને બાળકોનો ઉછેર કરવામાં વેડફાઈ ગઈ છે. તમારી જિંદગી પણ વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. આ મમ્મીઓ પોતાની પુત્રીઓને એવું નથી કહેતી કે તમારે લગ્ન કરીને સફળ ગૃહિણી અને સફળ માતા પણ બનવાનું છે. તેને પરિણામે ગોવામાં બની તેવી ઘટનાઓ બની રહી છે, જે આધુનિક માતાઓ માટે બોધપાઠ લેવા જેવી છે.        
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top