SURAT

સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટે આવી તૈયારીઓ કરવામાં આવી

સુરત: સુરત ડાયમંડ બુર્સના પ્રવક્તા અને હીરા ઉદ્યોગકાર પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ બુર્સમાં ઓફિસ ધરાવનાર ડાયમંડ કંપનીઓ, કર્મચારીઓ અને પરિવારોને એક વિડીયો વાયરલ કરી સંબોધતાં જણાવ્યું હતું કે, સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે બુર્સની ઓફિસોમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. બુર્સના સંચાલકોએ એમનું કામ 100 % પૂર્ણ કરી દીધું છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે એ પછી ઓફિસમાં પ્રવેશ કરવા ભવ્ય કળશ યાત્રા કાઢવાનું આયોજન
  • ડાયમંડ બુર્સમાં 4,000 કરતાં વધુ ઓફિસ, બેન્ક, હોટેલ, રેસ્ટોરન્ટ, રિક્રીએશનને લગતી સુવિધા હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન માટે તારીખ ફાળવશે એ મુજબ ટૂંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે એ પછી ઓફિસમાં પ્રવેશ કરવા ભવ્ય કળશ યાત્રા કાઢવાનું આયોજન પણ છે. કળશ યાત્રા સાથે ભવ્ય આવકાર યાત્રા પણ નીકળશે. ઉદઘાટન સમારોહમાં નેતાઓ, ડ્રીમ સિટીના અધિકારીઓ, મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર સહિતનાં અધિકારીઓ હાજર રહેશે. બુર્સનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થશે. પેન્ટાગોનથી પણ મોટા વિશ્વના આ સૌથી મોટા ડાયમંડ બુર્સને લઈ સુરતીઓ અને હીરા ઉદ્યોગમાં ખૂબ ઉત્સાહ છે. વિશ્વના 175 દેશના બાયર્સ સુરત હીરા ખરીદવા આવશે. ડાયમંડ બુર્સમાં 4,000 કરતાં વધુ ઓફિસો, બેન્ક, હોટેલ, રેસ્ટોરન્ટ, રિક્રીએશનને લગતી સુવિધાઓ રાખવામાં આવી છે. અત્યારે મોટા ભાગની ઓફિસોમાં ફર્નિચરનાં કામ પૂર્ણતાના આરે છે.

મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુ પરંપરા મુજબ કુંભ ઘડો મૂકવાની પરંપરા છે. એ પ્રમાણે વિશાળ કળશ યાત્રા નીકળશે. બધા એક સાથે જ પોતાની ઓફિસોમાં કુંભ ઘડો મૂકશે અને શો રૂમમાં મૂકશે. આ પ્રસંગ સુરત માટે વિશ્વ માટે એક ઐતિહાસિક પ્રસંગ બની રહેશે એવું ભવ્ય આયોજન ડાયમંડ બુર્સ કમિટી કરી રહી છે.

કિરણ જેમ્સ 1800 કર્મચારી સાથે ઓફિસ શરૂ કરશે
ડાયમંડ બુર્સનું ઓપનિંગ ઐતિહાસિક બની રહેશે. ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુરભાઈ સવાણીએ જણાવ્યું કે, બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીની કંપનીએ 1800 જેટલા કર્મચારીઓ સાથે હીરા બુર્સમાં ઓફિસ શરૂ કરવા તૈયારીઓ કરી છે. કંપનીએ મુંબઈમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે યોજેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કર્મચારીઓને સુરત જવા અને નવું ભવિષ્ય બનાવવા તૈયાર રહેવા જણાવ્યું છે. કિરણ જેમ્સનો આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં કર્મચારીઓ માટે વેલ ફર્નિશ ઘર આપવાની સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top