SURAT : સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલડેરીની ( sumul dairy) વ્યવસ્થાપક કમિટિએ દૂધના ભાવમાં 20 જુનથી લાગુ પડે તે રીતે ભાવવધારો જાહેર કર્યો છે. 20 જુનથી 500 મીલી અમુલ ગોલ્ડ,અમુલ તાઝા, સુમુલ ગાયના દુધમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એવીજ રીતે 250 મીલી અમુલ તાઝા દૂધના પાઉચમાં એક રૂપિયાનો જ્યારે 200 મીલી અમુલ સ્લીમ એન્ડ ટ્રીમના પાઉચમાં 0.50 પૈસાનો વધારો કરવામા આવ્યો છે. એટલે કે ગોલ્ડ, તાઝા અને સુમુલ ગાયના દૂધમાં લીટર દૂધ સામે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે સુમુલડેરીએ 18 મહીના પહેલા એટલે કે ડિસેમ્બર 2019માં સામાન્ય ભાવવધારો કર્યો હતો. તે પછી કોરોના સંક્રમણ અને તૌકતે વાવાઝોડાને લીધે પશુપાલકોને વ્યાપક નુકશાન થતા તેમને રાહત આપવા માટે તાજેતરમાં 228 કરોડનો ભાવફેર( બોનસ)ની ચુકવણી કરી હતી. ભાવફેર, ફેટફેર અને એમટીની રકમ મળી કુલ 400 કરોડ રૂપિયા 2.50 લાખ પશુપાલકો માટે છૂટા કર્યા હતા. કોરોનાને લીધે એક તરફ દૂધ અને દૂધની બનાવટની પ્રોડક્ટનું વેચાણ 300 કરોડ જેટલું ઘટવા સાથે પેકેજિંગ, ખાંડદાણ, પાવર, ગેસ, પ્રોસેસિંગ અને ઇનપુટ કોસ્ટ અને મિલ્ક હેન્ડલિંગ તથા ટ્રાન્સોર્ટેશન ચાર્જમાં તોતિંગ વધારો થતા સુમુલ ડેરીને દૂધના ભાવો વધારવા પડ્યા છે.
સંઘ દ્વારા જૂન 2020માં દુધના ભાવમાં લીટરે એક રૂપિયા વધારવાની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની શહેર અને જિલ્લામાં કપરી સ્થિતિને લીધે ગ્રાહકોનું ધ્યાન રાખી ભાવવધારો કર્યો નહતો. બીજી તરફ મોટી સંખ્યામાં કામદાર વર્ગ વતને જતા દુધના વેચાણમાં ઘટાડો થવા છતા ડેરીએ ભાવવધાર્યા નહતા. સુમુલ ડેરી 2.50 લાખ પશુપાલકો અને ખેડૂતોને તેમના દૂધ ઉત્પાદન પેટે જે આવક ડેરીને થાય છે તેમાં 1 રૂપિયા સામે 0.80 પૈસા પશુપાલકોને પરત કરે છે. એ રીતે 2.50 લાખ પશુપાલકો અને 5 લાખ પશુઓની સેવા કરે છે. સુરતના લોકો ઉદાર હ્રદયવાળા અને જીવદયા પ્રેમી લોકો છે તે લોકો કોરોનાના કપરાકાળમાં ડેરીની સ્થિતિ સમજી શકશે.
કોરોના ( corona) અને તૌકતે ( taukte) વાવાઝોડાના ( cyclone) અસરગ્રસ્ત પશુપાલકોને દુધના વ્યવસાયે ટકાવ્યા: માનસિંહ પટેલ
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા અને તૌકતે વાવાઝોડાને લીધે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકશાન થયુ હતુ. 1500થી વધુ પશુપાલકો અને ગ્રાહકોએ જીવ ગુમાવ્યા છે. વાવાઝોડાને લીધે ખેતીના પાકને મોટુ નુકશાન થતા તેમનુ જીવન પશુપાલનના વ્યવસાયે ટકાવ્યુ છે. સુમુલના વ્યવસ્થાપક મંડળે પણ ત્વરિત નિર્ણય લઇ કિલોફેટ ભાવ પેટે 228 કરોડન ભાવફેર ચુકવ્યો છે. ફેટફેર અને એમટીની રકમ મળી 400 કરોડની રકમ પશુપાલકો સુધી પહોંચાડી છે.
આ પ્રકારના ખર્ચમાં તોતિંગ વધારો થતા સુમુલને ભાવ વધારવા પડ્યા
ખર્ચનો પ્રકાર ખર્ચમાં વધારો( ટકામાં)
પેકેજિંગ ખર્ચ 42 ટકા
પ્રોસેસિંગ, ઇનપુટ કોસ્ટ 28 ટકા
મિલ્ક હેન્ડલિંગ, ટ્રાન્સપોર્ટેશન 30 ટકા
20 જુનથી આ રીતે નવો ભાવવધારો અમલી બનશે
પ્રોડક્ટનુંનામ મીલીલીટર નવો ભાવ(રૂપિયા)
અમુલ ગોલ્ડ 500 30
અમુલ તાઝા 500 23
અમુલ તાઝા 250 12
સુમુલ ગાય દૂધ 500 24
દૂધની આ પ્રોડક્ટમાં ભાવ યથાવત રખાયા
પ્રોડક્ટ માપ
અમુલ ગોલ્ડ 6 લીટર
અમુલ શક્તિ 500 મીલી
અમુલ સ્લીમ એન્ડ ટ્રીમ 500 મીલી
છાશની તમામ વેરાયટી