છોટાઉદેપુર: છોટાઉદેપુર ગરીબ અને આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે, તેવામાં આરોગ્ય લક્ષી સેવાઓ સરકારી દવાખાનામાં મળી રહે તે અહીંના લોકો માટે ખૂબ જરૂરી છે. એમાંય કોરોના માહામારી દરમિયાન કોરોનાની સાથે કોરોના સિવાયના દર્દીઓ માટે ખૂબ કપરો સમય હતો. તેવામાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. વિલ્યેશ ઘેટિયાએ સતત સેવાઓ આપી સગર્ભા મહિલાઓ સહિત મહિલા દર્દીઓની સારવાર કરી હતી. જાન્યુઆરી 2019થી સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવતાં ડૉ. વિલ્યેશ રસિકભાઈ ઘેટિયાએ તેમની ફરજ દરમિયાન અનેક નાના મોટા સફળ ઓપરેશન કરી તેમજ દર્દીની અતિ ગંભીર સ્થિતિમાં સફળ પ્રસુતિ કરાવી બાળકો અને મહિલાઓના જીવ બચાવ્યા છે.
જનરલ હોસ્પિટલમાં પોતાના કાર્યકાલ દરમિયાન ડૉ. વિલ્યેશે 783 અતિ જોખમી અવસ્થામાં હોય તેવી સગર્ભાઓને સફળ પ્રસુતિ કરાવી, 370 મોટા ઓપરેશન અને 627 નાના સફળ ઓપરેશન કર્યા, તેમજ Dilation and evacuation ના 470 દર્દીઓની સારવાર સાથે લેપ્રોસ્કોપી થી ઓપરેશન સફળ રીતે પાર પાડ્યા છે. ડૉ. વિલ્યેશ અને તેમનો પરિવાર પણ કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. હાલ જ્યારે ડૉ. વિલ્યેશે જનરલ હોસ્પિટલમાંથી રાજીનામુ આપી દીધું છે ત્યારે તેમની ખોટ આ વિસ્તારના દર્દી માટે રહેશે.